Get The App

પૂરતી ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વધુ 25 લાખ ટન ઘઉંની નિકાસ છૂટ અપાઈ

- સારી રવી મોસમ ઉપરાંત પૂરતા પ્રમાણમાં સ્ટોક ઉપલબ્ધીને પગલે લેવાયેલો નિર્ણય

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
પૂરતી ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વધુ 25 લાખ ટન ઘઉંની નિકાસ છૂટ અપાઈ 1 - image

મુંબઈ : ઘરઆંગણે ઘઉંના પૂરતા સ્ટોકસને ધ્યાનમાં રાખી સરકારે વધુ ૨૫ લાખ ટન ઘઉંની નિકાસ છૂટ આપી છે. વર્તમાન વર્ષની રવી મોસમમાં ઘઉંનો વિપુલ પાક થવાનો અંદાજ મુકાઈ રહ્યો છે.

નિકાસકારો એકંદરે ૫૦ લાખ ટન ઘઉં તથા ૧૦ લાખ ટન ઘઉં પ્રોડકટસની નિકાસ કરી શકશે. મંડીઓમાં નીચા ભાવને કારણે  ખેડૂતોમાં આવી પડેલી હતાશાને ધ્યાનમાં રાખી સરકારનો આ નિર્ણય આવી પડયો  હોવાનું માનવામાં આવે છે. 

વર્તમાન મોસમ માટે સરકારે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો કર્યો હોવા છતાં પંજાબ તથા હરિયાણાને  બાદ કરતા મોટાભાગની મંડીઓમાં ઘઉંના ભાવ ટેકાના ભાવથી નીચે બોલાઈ રહ્યા છે. ઘઉંના ટેકાના ભાવ પ્રતિ  ક્વિન્ટલ રૂપિયા ૨૫૮૫ નિશ્ચિત કરાયા છે. 

વર્તમાન વર્ષમાં સારા ઉત્પાદન ઉપરાંત સરકાર પાસે ઘઉંની ઊંચી ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખી વધારાની નિકાસ છૂટ આપવામાં આવી હોવાનું અન્ન મંત્રાલયના એક નિવેદનમાં જણાવાયું હતું.

નિકાસમાં વધારો કરાતા ખેડૂતો દ્વારા ઘઉંનું હતાશામાં આવીને નીચા ભાવે વેચાણ અટકશે તેવી સરકાર અપેક્ષા રાખી રહી છે. આ નિર્ણયને કારણે ઘરઆંગણે ઘઉંના  ભાવમાં સ્થિરતા જોવા મળવા ધારણાં છે. 

કૃષિ મંત્રાલયના અંદાજ પ્રમાણે ૨૦૨૫-૨૬ના ક્રોપ યર (જુલાઈથી જૂન)ના ગાળામાં ઘઉંનું કુલ ઉત્પાદન ૧૨.૦૨ કરોડ ટન રહેશે. વર્તમાન મોસમમાં ઘઉંનો વાવેતર વિસ્તાર પણ ગયા વર્ષના ૩.૨૮ કરોડ હેકટરની સરખામણીએ વધી ૩.૩૪ કરોડ હેકટર રહ્યો છે. 

આ અગાઉ સરકારે ફેબુ્રઆરીમાં ૨૫ લાખ ટન ઘઉં નિકાસની છૂટ આપી હતી. કમોસમી વરસાદને કારણે ઘઉંની ગુણવત્તા પર અસર પડતા ટેકાના ભાવે ખરીદી હાલમાં ધીમી ચાલી રહી છે.