જિયોના IPO ની શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી, ઈશ્યૂ પ્રાઈઝ કરતાં 21%ના પ્રીમિયમ સાથે લિસ્ટિંગ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jio Platforms IPO Listing 2026 : જિયો પ્લેટફોર્મ્સે બુધવારે, 28 ઑક્ટોબર, 2026ના રોજ શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે. કંપનીનો શેર 1,358 રૂપિયા પર લિસ્ટ થયો છે, જે 1,119 રૂપિયાના ઇશ્યૂ પ્રાઇસ કરતાં 21 ટકા વધુ છે. લિસ્ટિંગ બાદ જિયો પ્લેટફોર્મ્સનું માર્કેટ કેપિટલાઇઝેશન વધીને 12.50 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ સાથે જિયો માર્કેટ કેપની દૃષ્ટિએ દેશની બીજી સૌથી મૂલ્યવાન કંપની બની છે. તેણે ભારતી એરટેલને પાછળ છોડી દીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 15.99 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે પ્રથમ ક્રમે છે.
ઇશ્યૂ પ્રાઇસ કરતાં 239 રૂપિયા વધુ ભાવે લિસ્ટિંગ
જિયો પ્લેટફોર્મ્સનો શેર 1,119 રૂપિયાના ઇશ્યૂ પ્રાઇસની સામે 1,358 રૂપિયા પર લિસ્ટ થયો છે. એટલે કે, શેરદીઠ 239 રૂપિયાનો વધારો નોંધાયો છે. ટકાવારીની દૃષ્ટિએ આ લગભગ 21.4 ટકાનું પ્રીમિયમ છે. કંપનીના લિસ્ટિંગ પર રોકાણકારોની નજર હતી, કારણ કે તેના IPOને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના આંકડા મુજબ, 21થી 23 ઑક્ટોબર દરમિયાન ખુલેલા IPOને કુલ 22.19 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.
માર્કેટ કેપમાં એરટેલને પાછળ છોડી
લિસ્ટિંગ બાદ જિયો પ્લેટફોર્મ્સનું માર્કેટ કેપ 12.50 લાખ કરોડ રૂપિયા થયું છે. તેની સરખામણીમાં ભારતી એરટેલનું માર્કેટ કેપ આશરે 12.10 લાખ કરોડ રૂપિયા છે. આ રીતે જિયોએ માર્કેટ કેપની દૃષ્ટિએ એરટેલને પાછળ છોડી દીધી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 15.99 લાખ કરોડ રૂપિયાના માર્કેટ કેપ સાથે દેશની સૌથી મૂલ્યવાન કંપની છે. જિયો પ્લેટફોર્મ્સ બીજા ક્રમે આવતાં રિલાયન્સ ગ્રુપની બે કંપનીઓ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં ટોચના સ્થાને પહોંચી છે.
દેશની ટોચની પાંચ કંપનીઓમાં મોટો ફેરફાર
લિસ્ટિંગ પહેલાં ગ્રે માર્કેટના અંદાજોના આધારે જિયો પ્લેટફોર્મ્સનું માર્કેટ કેપ આશરે 12.61 લાખ કરોડ રૂપિયા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે, વાસ્તવિક લિસ્ટિંગ બાદ કંપનીનું માર્કેટ કેપ 12.50 લાખ કરોડ રૂપિયા નોંધાયું છે. લિસ્ટિંગ બાદના આંકડા મુજબ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રથમ અને જિયો પ્લેટફોર્મ્સ બીજા ક્રમે છે. ભારતી એરટેલ, HDFC બેંક અને ICICI બેંક પણ દેશની સૌથી મૂલ્યવાન કંપનીઓમાં સામેલ છે. જિયો પ્લેટફોર્મ્સના લિસ્ટિંગથી ભારતીય શેરબજારમાં રિલાયન્સ ગ્રુપનું સ્થાન વધુ મજબૂત બન્યું છે. હવે રોકાણકારોની નજર શેરના આગામી ટ્રેડિંગ અને કંપનીના બજાર મૂલ્યાંકનમાં થનારા ફેરફારો પર રહેશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જિયો પ્લેટફોર્મ્સનું બુધવાર, 28 ઑક્ટોબર, 2026ના રોજ શેરબજારમાં લિસ્ટિંગ થવાનું છે. આશરે 30,200 કરોડ રૂપિયાના IPOને રોકાણકારો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. IPO માટે એક કરોડથી વધુ અરજીઓ આવી હતી અને ઇશ્યૂ કુલ 22.19 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. લિસ્ટિંગ પહેલાં વૈશ્વિક બ્રોકરેજ ફર્મ નોમુરાએ જિયો પ્લેટફોર્મ્સ પર કવરેજ શરૂ કરીને ‘Buy’ રેટિંગ આપી છે અને શેર માટે 1,340 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે.
IPOને મળ્યો રેકોર્ડ પ્રતિસાદ
જિયો પ્લેટફોર્મ્સના IPO માટે 1.3 કરોડથી વધુ અરજીઓ મળી હતી. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે ઇશ્યૂ શરૂ થયાની માત્ર 95 મિનિટમાં સંપૂર્ણ સબસ્ક્રિપ્શન મળી ગયું હતું. IPO માટે કુલ માંગ 7.5 લાખ કરોડ રૂપિયાથી વધુ રહી હતી. 23 ઑક્ટોબરે બંધ થયેલા આ IPOને કુલ 22.19 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું. ક્વૉલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB)નો હિસ્સો 70.55 ગણો, નૉન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સનો હિસ્સો 14 ગણો અને રિટેલ રોકાણકારોનો હિસ્સો 2.72 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
નોમુરાએ આપ્યું 1,340 રૂપિયાનું ટાર્ગેટ
બ્રોકરેજ ફર્મ નોમુરાએ જિયો પ્લેટફોર્મ્સના શેર માટે 1,340 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ નક્કી કર્યો છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, ભારતીય ટેલિકોમ બજારમાં જિયોની મજબૂત સ્થિતિ છે. દેશના વાયરલેસ સબસ્ક્રાઇબર્સમાં કંપનીનો હિસ્સો 42 ટકા, ડેટા ટ્રાફિકમાં 60 ટકા અને હોમ બ્રોડબૅન્ડમાં 43 ટકા છે. નોમુરાને નાણાકીય વર્ષ 2026થી 2029 દરમિયાન કંપનીના EBITDAમાં વાર્ષિક સરેરાશ 13.5 ટકાની વૃદ્ધિની અપેક્ષા છે. બ્રોકરેજના મતે, 5G નેટવર્કમાં મોટા રોકાણનો તબક્કો પૂરો થવાથી ભવિષ્યમાં મૂડી ખર્ચ ઘટી શકે છે અને ફ્રી કૅશ ફ્લોમાં સુધારો થઈ શકે છે.
નાણાકીય પરિણામોમાં પણ વૃદ્ધિ
નાણાકીય વર્ષ 2025-26માં જિયો પ્લેટફોર્મ્સની કામગીરીમાંથી આવક 14.6 ટકા વધીને 1.47 લાખ કરોડ રૂપિયા થઈ હતી. કંપનીનો ચોખ્ખો નફો 15.1 ટકા વધીને 30,049 કરોડ રૂપિયા નોંધાયો હતો. આ સમયગાળા દરમિયાન EBITDA 18.8 ટકા વધીને 76,255 કરોડ રૂપિયા થયું હતું, જ્યારે EBITDA માર્જિન 51.9 ટકા રહ્યું હતું. IPO પહેલાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે જિયો પ્લેટફોર્મ્સમાં 66.43 ટકા હિસ્સો હતો. મેટા પાસે 9.98 ટકા અને ગૂગલ પાસે 7.73 ટકા હિસ્સો હતો.
જિયોનું ભવિષ્ય AI અને ક્લાઉડ ટેક્નોલોજી પર
લિસ્ટિંગ સમારોહ દરમિયાન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે જિયો હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ક્લાઉડ કમ્પ્યુટિંગ, કનેક્ટેડ ડિવાઇસ અને નવી ડિજિટલ સેવાઓ વધુ લોકો સુધી પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. તેમણે કહ્યું કે કંપનીનો હેતુ દરેક ભારતીયને ડિજિટલ સુવિધાઓ અને પ્રગતિની તકો ઉપલબ્ધ કરાવવાનો છે. હવે રોકાણકારોની નજર જિયો પ્લેટફોર્મ્સના શેરના વાસ્તવિક લિસ્ટિંગ ભાવ અને બજારમાં તેના પ્રદર્શન પર રહેશે.




