Jio Platformsનો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ: 1 કરોડથી વધુ અરજીઓ મેળવનારો વિશ્વનો પ્રથમ IPO બન્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jio Platforms IPO Creates World Record: Crosses 1 Crore Applications | ભારતીય શેરબજારના ઇતિહાસમાં રિલાયન્સ ગ્રૂપની અગ્રણી ડિજિટલ કંપની 'જિયો પ્લેટફોર્મ્સ'ના પ્રારંભિક IPOએ વૈશ્વિક સ્તરે તમામ અગાઉના રેકોર્ડ ધ્વસ્ત કરી નાખ્યા છે. આ ઈશ્યૂ બંધ થવામાં હજુ પણ 5 કલાકનો સમય બાકી છે તે પહેલાં જ કંપનીને 1 કરોડથી વધુ અરજીઓ મળી ચૂકી છે.
આ સાથે જિયો પ્લેટફોર્મ્સ 1 કરોડ અરજીઓનો આંકડો વટાવનારો ભારતનો જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વનો સૌપ્રથમ IPO બની ગયો છે. આ રેકોર્ડ સ્વ. ધીરૂભાઈ અંબાણીના વારસા અને મુકેશ અંબાણીના 'સંપત્તિ સર્જનનું લોકશાહીકરણ' કરી લાખો ભારતીય રોકાણકારોને સશક્ત બનાવવાના વિઝનને વધુ મજબૂત બનાવે છે.
1 કરોડથી વધુ અરજીઓનો ગ્લોબલ બેન્ચમાર્ક
જિયો પ્લેટફોર્મ્સના IPOમાં રોકાણકારોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે. આ ઈશ્યૂ માટે બિડિંગ પ્રક્રિયા આજે સાંજે 7:00 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. હજુ પાંચ કલાક જેટલો સમય બાકી હોવા છતાં અરજીઓનો આંકડો 1 કરોડને પાર કરી ગયો છે. બિડિંગ ચાલુ હોવાથી આ આંકડો હજુ પણ મોટો બનીને વૈશ્વિક સ્તરે નવો માપદંડ સ્થાપિત કરે તેવી પૂરી સંભાવના છે.
અગાઉના તમામ મોટા રેકોર્ડ્સ ધ્વસ્ત
આ પહેલાં ભારતીય બજારમાં સૌથી વધુ અરજીઓ મેળવવાનો રેકોર્ડ વારી એનર્જીસ (Waaree Energies) ના નામે હતો, જેને આશરે 97 લાખ અરજીઓ મળી હતી. જિયો પ્લેટફોર્મ્સે આ રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે. આ ઉપરાંત ભારતના અન્ય મોટા ઐતિહાસિક આઈપીઓ જેવા કે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ અને બીસીસીએલ આશરે 90 લાખ અરજીઓ મેળવવામાં સફળ રહ્યા હતા. જિયોએ આ તમામ દિગ્ગજોને પાછળ રાખીને વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.




