Business

વૈશ્વિક બજારોમાં બોલી ગયેલો કડાકો જાપાનનો નિક્કી ૩૦૦૫ પોઈન્ટ ગબડયો

By GS Team
27 Jun 20262 mins read
TukuTouch Logo
અમેરિકામાં ખાધ વધવા અને AI ઓવરવેલ્યુએશનની ચિંતાને કારણે વૈશ્વિક બજારોમાં કડાકો બોલાયો. મહોરમના કારણે ભારતીય શેરબજાર બંધ રહ્યા, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં IT શેરોમાં મોટું ધોવાણ થયું. ક્રૂડ ઓઈલના ભાવ 3-4% તૂટ્યા, છતાં ડિફ્લેશનનું જોખમ વધ્યું. એશિયા-પેસિફિક અને યુરોપના બજારોમાં પણ ભારે ઘટાડો નોંધાયો.

Summarized by AI; it may make mistakes. Check important info

વૈશ્વિક બજારોમાં બોલી ગયેલો કડાકો જાપાનનો નિક્કી ૩૦૦૫ પોઈન્ટ ગબડયો
  • અમેરિકામાં ખાધમાં વધારો અને આઈટી ક્ષેત્રે ચિંતા
  • ગિફ્ટ નિફટીમાં પણ ૮૦ પોઈન્ટનો ઘટાડો : ક્રૂડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ત્રણથી ચાર ટકા તૂટયા
    મુંબઈ : મહોરમ નિમિતે ભારતીય શેર બજારો આજે-શુક્રવારે બંધ રહ્યા હતા. પરંતુ વૈશ્વિક બજારોમાં એક તરફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)ના ઓવરવેલ્યુએશનને લઈ ચિંતા અને સમીક્ષકોએ લાલબત્તી બતાવતાં ટેકનોલોજી, આઈટી શેરોમાં કડાકા સાથે અમેરિકામાં વેપાર ખાધ વધી આવતાં વૈસ્વિક બજારોમાં કડાકા બોલાયા હતા. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ બ્રેન્ટ ક્રુડના ૨.૮૬ ડોલર તૂટીને ૭૨.૪૦ ડોલર અને નાયમેક્ષ-ન્યુયોર્ક ક્રુડના ૨.૪૯ ડોલર ગબડીને ૬૯.૪૩ ડોલર થઈ જવા છતાં હવે ડિફલેશનનું જોખમ ઊભું થવાની ચિંતાએ પણ વૈશ્વિક બજારોમાં એશીયા-પેસિફિક દેશો અને યુરોપના બજારોમાં મોટાપાયે ધોવાણ થતું જોવાયું હતું.
    ટેકનોલોજી, આઈટી શેરોમાં કડાકો
    એઆઈનો તેજીનો ફુગ્ગો ફૂટવા લાગ્યો હોવાનું અને ઓવરવેલ્યુએશનને લઈ ચિંતામાં ફંડો એઆઈ ફોક્સ્ડ કંપનીઓના શેરોમાં મોટાપાયે વેચવાલ બનતાં અને એપલ દ્વારા ચીપની ખરીદી ખર્ચાળ બનતાં કંપનીએ તેના ઉત્પાદનોનો ભાવમાં વધારો કર્યાની નેગેટીવ અસરે ગઈકાલે અમેરિકી શેર બજારમાં એપલ ઈન્ક.ના શેરમાં ૬ ટકાથી વધુ કડાકો બોલાઈ જવા સાથે અન્ય ટેકનોલોજી શેરો, આઈટી શેરોમાં ધોવાણ થયું હતું. આજે ફયુચર્સમાં પણ અમેરિકી બજારોમાં ડાઉ જોન્સ અને નાસ્દાક નરમાઈ બતાવતા હતા. માઈક્રોન ટેકનોલોજી કંપનનીના મજબૂત પરિણામે શેર ૧૬ ટકા જેટલો ગઈકાલે ઉછળી આવ્યા છતાં ઓપન એઆઈનો આઈપીઓ વિલંબમાં પડવાના અહેવાલોની નેગેટીવ અસરે અન્ય ટેકનોલોજી શેરોમાં ધોવાણ થયું હતું.
    તાઈવાન ૧૬૮૪, કોસ્પી ૫૧૯ પોઈન્ટ તૂટયા
    એશીયા-પેસેફિક દેશોના બજારોમાં આજે ટેકનોલોજી શેરો પાછળ ફરી મંદીનો નવા રાઉન્ડ શરૂ થયો હોય એમ વ્યાપક ગાબડાં પડયા હતા. જાપાનના ટોક્યો શેર બજારનો નિક્કી ૨૨૫ ઈન્ડેક્સ ૩૦૦૫ પોઈન્ટ તૂટીને ૬૯૩૬૦, હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ ૪૧૦ પોઈન્ટ તૂટીને ૨૨૬૬૬, તાઈવાનનો તાઈવાન વેઈટેજ ૧૬૮૩ પોઈન્ટ તૂટીને ૪૪૫૭૧, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૫૧૯ પોઈન્ટ ગબડીને ૮૪૧૧, ચાઈનાનો શાંઘાઈ કોમ્પોઝિટ ૯૩ પોઈન્ટ ગબડીને ૪૦૨૭ રહ્યા હતા.
    યુરોપના બજારોમાં પણ મોડી સાંજે ગાબડાં
    યુરોપના દેશોના બજારોમાં પણ આજે મોડી સાંજે મોટું ધોવાણ બતાવાતું હતું. લંડન શેર બજારનો ફુત્સી ૧૧૪ પોઈન્ટ તૂટીને ૧૦૪૧૬, ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૬૪ પોઈન્ટ ઘટીને ૮૩૬૭ અને જર્મનીનો ડેક્ષ ઈન્ડેક્સ ૩૪૧ પોઈન્ટ તૂટીને ૨૪૬૫૪ નજીક ટ્રેડ થઈ રહ્યા હતા.
    અમેરિકી શેર બજારોમાં સાંજે ફયુચર્સમાં ડાઉ જોન્સમાં ૭૦ પોઈન્ટના સુધારા સામે ટેકનોલોજી શેરોના નાસ્દાક શેર બજારમાં નાસ્દાક ઈન્ડેક્સમાં ૧૧૮ પોઈન્ટનો ઘટાડો બતાવાતો હતો.