જાપાનના બોન્ડની યિલ્ડ ૩૦ વર્ષમાં પહેલી વાર ૩%ને પાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નજીકના ભવિષ્યમાં વૈશ્વિક ફુગાવો અને ટૂંકા ગાળાના વ્યાજ દરમાં વધારો થવાના એંધાણ
અમદાવાદ : જાપાનના બોન્ડ માર્કેટમાં થયેલા ઉથલપાથલે વિશ્વ માટે ગંભીર સ્થિતિ ઉભી કરી છે. લગભગ ત્રણ દાયકામાં પ્રથમ વખત જાપાન વર્લ્ડ ઈકોનોમી માટે ચિંતાનો વિષય બની રહ્યું છે. બેંકર ઉદય કોટકે ચેતવણી આપી છે કે નજીકના ભવિષ્યમાં વૈશ્વિક ફુગાવો અને ટૂંકા ગાળાના વ્યાજ દરમાં વધારો થઈ શકે છે. વધુમાં, વૈશ્વિક વ્યાજ દર બજારમાં અસ્થિરતા વધવાની પણ અપેક્ષા વ્યકત છે.
કોટકના મતે જાપાનના ૧૦ વર્ષના સરકારી બોન્ડ યિલ્ડ ૩ ટકાને વટાવી ગઈ છે, ૧૯૯૬ બાદ પ્રથમ વખત ૩ ટકાનો દર વૈશ્વિક ઈકોનોમી પર જોખમ ઉભું કરી રહી છે. દરમિયાન, યુએસમાં ૧૦ વર્ષના બોન્ડ યિલ્ડ ૪.૮ ટકા સુધી પહોંચી ગઈ છે. વધતા સરકારી દેવા અને રાજકોષીય ખાધ વચ્ચે બોન્ડ યિલ્ડમાં આ વધારો ફુગાવા અંગે ચિંતાઓને વેગ આપી રહ્યો છે.
ઉદય કોટકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર જણાવ્યું કે વધતા સરકારી દેવા અને ખાધના સ્તરને ધ્યાનમાં રાખીને સેન્ટ્રલ બેંકોને તેમની બેલેન્સ શીટનો વિસ્તાર કરવાની જરૂર પડી શકે છે. આવા પગલાથી ફુગાવા અને ટૂંકા ગાળાના વ્યાજ દરોમાં વધારો થઈ શકે છે. તેમણે રોકાણકારોને વૈશ્વિક વ્યાજદર બજારમાં વધતી અસ્થિરતા માટે તૈયાર રહેવાની સલાહ આપી.
વૈશ્વિક બોન્ડ યિલ્ડમાં વધારો ભારત જેવા ઉભરતા બજારો પર દબાણ લાવી શકે છે. જેમ જેમ યુએસ, જાપાન અને યુરોપમાં યિલ્ડ વધે છે, તેમ તેમ વિદેશી રોકાણકારો વિકસિત બજારોમાં વધુ સારું વળતર મેળવતા ભારતીય શેર અને બોન્ડમાંથી મૂડી પરત ખેંચીને ત્યાં રોકાણ કરશે.
ભારતના વૈશ્વિક રોકાણમાં ઘટાડો સ્થાનિક બોન્ડ યિલ્ડમાં વધારો કરશે અને રૂપિયા પર દબાણ લાવી શકે છે. વધુમાં, ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને ફુગાવા પર યુએસ ફેડરલ રિઝર્વનું કડક વલણ ભારતીય બજારો માટે વધારાના પડકારો ઉભા કરી શકે છે. ભારતમાં નોંધપાત્ર રોકાણ ધરાવતા જાપાની રોકાણકારો પોતાના સ્થાનિક બજારમાં અપેક્ષિત પાછા ફરવાથી પણ વૈશ્વિક મૂડી પ્રવાહ પર મોટાપાયે અસર થવાની ધારણા છે.




