જાપાનમાં વ્યાજ દર વધારી 2008 બાદની ઊંચી સપાટીએ લઈ જવાયો

મુંબઈ : વિશ્વની મોટાભાગની બેન્કો વ્યાજ દરમાં ઘટાડા તરફી વલણ ધરાવી રહી છે જ્યારે બેન્ક ઓફ જાપાને શુક્રવારે વ્યાજ દરમાં પા ટકા વધારો કરી તેને ૦.૫૦ ટકા કર્યો છે. ૨૦૦૮ની નાણાંકીય કટોકટી બાદ વ્યાજ દરનું આ સૌથી ઊંચુ સ્તર છે.
સ્થિર ફુગાવા તથા વધી રહેલા વેતનધોરણને ધ્યાનમાં રાખી બેન્ક ઓફ જાપાન નાણાં નીતિને સામાન્ય સ્થિતિમાં લાવવા માગે છે.
બેન્ક ઓફ જાપાનના નવ સભ્યમાંથી આઠ સભ્યએ વ્યાજ દર વધારવાની તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે એક સભ્યએ વ્યાજ દર વધારવા સામે વિરોધ નોંધાવ્યો હતો એમ બેન્ક ઓફ જાપાન દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું હતું.
આ નિર્ણય બાદ જાપાનના ચલણ યેનમાં ડોલર સામે મજબૂતાઈ આવી હતી અને પ્રતિ ડોલર ૧૫૫.૧૨ આસપાસ કવોટ થતો હતો.
વેતનમાં વધારાને કારણે ફુગાવો વધી શકે છે, તેને ધ્યાનમાં રાખી વ્યાજ દર વધારવાનું જરૂરી બની ગયાનું નિવેદનમાં જણાવાયું હતું. ૨૦૨૫માં પગારધોરણમાં વધુ સુધારાની અપેક્ષા રાખવામાં આવી રહી છે, અને જાપાનના નીતિવિષયકોની તેના પર નજર રહેલી છે.
કંપનીઓના નફામાં વધારા તથા લેબર માર્કેટમાં તાણને ધ્યાનમાં રાખી મોટાભાગની કંપનીઓએ વર્તમાન વર્ષમાં પણ પગાર વધારવાના સંકેત આપ્યા હોવાનું નિવેદનમાં વધુમાં જણાવાયું હતું.
જાપાનમાં ફુગાવો બે ટકા તરફ આગળ વધી રહ્યો છે.
દરમિયાન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા સહિતની વિશ્વની અન્ય કેન્દ્રીય બેન્કો વ્યાજ દરમાં ઘટાડો કરવા તરફ આગળ વધી રહી છે. અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા વર્તમાન વર્ષમાં બે વખત વ્યાજ દર ઘટાડવાના સંકેત આપ્યા છે જ્યારે આરબીઆઈ ફેબુ્રઆરીની બેઠકમાં રેપો રેટ ઘટાડશે તેવી શકયતા જોવાઈ રહી છે.




