Business

રૂપિયાની સતત નબળાઈથી આઈટી કંપનીઓને ફાયદો

By GS Team
1 Jan 20252 mins read
This article was originally published on 1 Jan 2025
રૂપિયાની સતત નબળાઈથી આઈટી કંપનીઓને ફાયદો

મુંબઈ : ડોલર સામે ભારતીય રૂપિયાની સતત નબળાઈથી દેશના આયાત બિલમાં ભલે વધારો થયો હોય પરંતુ રૂપિયાની નબળાઈનો દેશની ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) કંપનીઓને લાભ થઈ રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં દેશની આઈટી સેવા કંપનીઓના ઓપરેટિંગ માર્જિનમાં સુધારો જોવા મળશે એમ એક વિશ્લેષકે  જણાવ્યું હતું. દેશની આઈટી સેવા કંપનીઓનો ૬૦થી ૬૫ ટકા  વેપાર હિસ્સો અમેરિકાની બજારમાં રહેલો છે. ખાસ કરીને ટીસીએસ, ઈન્ફોસિસ, વિપ્રો, ટેક મહિન્દ્રા જેવી કંપનીઓ અમેરિકાની બજારમાં નોંધપાત્ર હાજરી ધરાવે છે. 

૨૦૨૪ના વર્ષમાં ડોલર સામે રૂપિયો ત્રણ ટકા જેટલો ઘટયો છે, જેનો આઈટી સેવા કંપનીઓને ટૂંકાથી મધ્યમ ગાળે લાભ જોવા મળી રહ્યો છે.

 ૨૦૨૪માં સતત સાતમા વર્ષે ડોલર સામે રૂપિયો નબળો પડયાનું જોવા મળ્યું છે.ભારતમાં પ્રમાણમાં નીચા લેબર કોસ્ટનો ભારતની કંપનીઓને લાભ થઈ રહ્યો છે. 

માત્ર ભારતની આઈટી કંપનીઓ જ નહીં પરંત અમેરિકાની કંપનીઓ જે ભારતમાં તેમની બેક ઓફિસ હાજરી ઝડપથી વધારી રહી છે તેમને પણ ભારતમાં નીચા લેબર કોસ્ટનો લાભ થઈ રહ્યો છે. 

અમેરિકાની સરખામણીએ ભારતમાં નીચા લેબર ખર્ચને ધ્યાનમાં રાખી અમેરિકન કંપનીઓ ભારતમાં પોતાની હાજરી પણ વધારી રહી છે.

રૂપિયામાં ઘસારાની સાથોસાથ આઈટી કંપનીઓએ કરન્સી હેજિંગ સ્ટ્રેટેજી કેવી અપનાવી છે તેના પર પણ માર્જિનમાં વધઘટનો આધાર રહેશે, એમ વિશ્લેષકે ઉમેર્યું હતું. 

જો કે મંદ માગ વચ્ચે ડોલર સામે રૂપિયામાં જોરદાર ઘસારાને પરિણામે વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળાના કંપનીના પરિણામો ખાસ કરીને કાચા માલ માટે  આયાત પર નિર્ભર કંપનીઓના  પરિણામો  નબળા જોવા મળવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. એટલું જ નહીં ડોલરના સ્વરૂપમાં વિદેશમાંથી ભંડોળ ઊભુ કરી ચૂકેલી કંપનીઓએ વધારાની જોગવાઈ કરવાની આવશે.

ડોલર સામે રૂપિયો હાલમાં ગબડી ૮૫.૫૫ ને પાર જતો રહ્યો છે. સામાન્ય રીતે મોટાભાગની કંપનીઓ પોતાના વિદેશી એકસપોઝરનું હેજિંગ કરી રાખતી હોય છે, પરંતુ લોનની સંપૂર્ણ રકમનું હેજિંગ કરાતું નથી હોતુ અન્યથા કંપનીઓને ઊંચો ખર્ચ ભોગવવાનો આવી શકે છે, એમ એક વિશ્લેષકે વધુમાં જણાવ્યું હતું. 

આયાતી કાચા માલસામાન પર નિર્ભર રહેતી કંપનીઓના માર્જિન પર પણ દબાણ આવવાની શકયતા છે, કારણ કે તેમણે ડોલર પેટે  વધુ રૂપિયાની જોગવાઈ કરવાના રહે છે.