IT, ઓટો, કન્ઝયુમર શેરોમાં ધોવાણ : સેન્સેક્સ ૪૧૭ પોઈન્ટ ગબડીને ૭૬૧૫૩
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઈરાનને પાષાણ યુગમાં ધકેલવાની ટ્રમ્પની ધમકી
નિફટી સ્પોટ ૪૧ પોઈન્ટ ઘટીને ૨૩૮૭૩ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે ફંડોનું વેલ્યુબાઈંગ : કેપિટલ ગુડઝ, રિયાલ્ટી શેરોમાં તેજી
મુંબઈ : ઈરાનના ૧૦૦થી વધુ મથકો પર અમેરિકી સૈન્ય દ્વારા કરાયેલા અત્યંત ઘાતક હુમલાઓ અને હવે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને પાષાણ યુગમાં ધકેલી દેવાની ધમકીએ પશ્ચિમ એશીયામાં ભયાવહ યુદ્વના એંધાણે આજે વૈશ્વિક બજારોમાં કડાકો બોલાયો હતો. વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેર બજારોમાં પણ ફંડો, મહારથીઓ મંદીમાં આવ્યા હોય એમ શેરોમાં ઈન્ડેક્સ બેઝડ અને સાઈડ માર્કેટમાં અસાધારણ વોલેટીલિટી બતાવી દરેક ઉછાળે શેરોમાં મોટાપાયે ઓફલોડિંગ કર્યું હતું. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ભડકેબળી આજે ૨૭, જુલાઈ બાદની ઊંચી સપાટીએ ૯૭.૬૨ ડોલર બ્રેન્ટના પહોંચી જતાં અને અલનીનોની અસરે દુકાળના ભયથી દેશમાં મોંઘવારીનો દાનવ વધુ માથું ઊંચકશે એ નક્કી હોઈ તેજીના નવા વેપારથી દૂર રહી ઈન્ડેક્સ બેઝડ ફંડો શોર્ટ પોઝિશન બનાવતા જોવાયા હતા. અલબત ઘટાડે કેપિટલ ગુડઝ, રિયાલ્ટી, બેંકિંગ શેરોમાં પસંદગીની ખરીદી કરી હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં સતત વેચવાલી અને ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં સતત ધોવાણ સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલી વધારતા સેન્ટીમેન્ટ વધુ ખરાબ બન્યું હતું. વોલેટીલિટીમાં સેન્સેક્સ ૭૬૯૨૫થી ૭૬૧૫૨ વચ્ચે ફંગોળાઈ અંતે ૪૧૭.૪૯ પોઈન્ટ તૂટીને ૭૬૧૫૨.૮૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૪૦૨૫થી ૨૩૮૭૩ વચ્ચે અથડાઈ અંતે ૪૧ પોઈન્ટ ઘટીને ૨૩૮૭૩.૪૫ બંધ રહ્યા હતા.
કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં ફંડોની સતત વેચવાલી : ટાઈટન રૂ.૧૧૦ તૂટીને રૂ.૪૯૬૦ : ડિક્સન ઘટયો
કન્ઝયુમર ડયુરેબલ્સ, હોમ એપ્લાયન્સિસની માંગ પણ તહેવારોની સીઝનમાં મંદ હોવાના પ્રાથમિક અહેવાલોએ ફંડોની શેરોમાં સતત વેચવાલી વધતી જોવાઈ હતી. ટાઈટન કંપની રૂ.૧૧૦ તૂટીને રૂ.૪૯૬૦, ડિક્સન ટેકનોલોજી રૂ.૧૨૩.૧૦ ઘટીને રૂ.૧૪,૪૫૪, કલ્યાણ જવેલર્સ રૂ.૩.૭૦ ઘટીને રૂ.૫૮૫.૫૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૩૮૭.૦૬ પોઈન્ટ ઘટીને ૬૩૨૧૯.૨૩ બંધ રહ્યો હતો.
આઈટી ઈન્ડેક્સ વધુ ૨૯૭ પોઈન્ટ ગબડયો : હેક્ઝાવેર, જીએનજી ઈલેક્ટ્રો., તાન્લા, સોનાટા ઘટયા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ફંડોએ આજે વધુ મોટાપાયે ઓફલોડિંગ કરતાં ઘણા શેરોના ભાવો તૂટયા હતા. હેક્ઝાવેર રૂ.૧૬.૯૫ ઘટીને રૂ.૫૨૮.૦૫, જીએનજી ઈલેક્ટ્રોનિક્સ રૂ.૧૭.૫૦ ઘટીને રૂ.૬૨૨.૨૦, તાન્લા પ્લેટફોર્મ રૂ.૧૨.૮૦ ઘટીને રૂ.૫૧૫.૧૦, લેટેન્ટ વ્યુ રૂ.૪.૮૦ ઘટીને રૂ.૨૬૬, સોનટા સોફ્ટવેર રૂ.૪.૮૦ ઘટીને રૂ.૨૮૪.૧૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૨૦.૬૫ ઘટીને રૂ.૧૩૧૦.૨૫, ટેક મહિન્દ્રા રૂ.૨૫ ઘટીને રૂ.૧૫૯૭, ટીસીએસ રૂ.૩૩ ઘટીને રૂ.૨૩૧૨, મેપમાય ઈન્ડિયા રૂ.૧૪.૧૫ ઘટીને રૂ.૯૬૮.૬૦, ઈમુદ્રા રૂ.૫.૯૦ ઘટીને રૂ.૫૧૭.૩૫, પર્સિસ્ટન્ટ રૂ.૭૧ ઘટીને રૂ.૫૬૨૪, સિએન્ટ રૂ.૧૧.૭૦ ઘટીને રૂ.૧૧૧૦.૫૦, એમ્ફેસીસ રૂ.૨૪.૪૫ ઘટીને રૂ.૨૪૫૭.૦૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૯૬.૯૮ પોઈન્ટ ઘટીને ૨૯૪૩૬.૬૯ બંધ રહ્યો હતો.
ક્રુડમાં ભડકો, તહેવારોમાં ખરીદી મંદ રહેતાં ઓટો શેરોમાં ધોવાણ : મહિન્દ્રા, મારૂતી, એમઆરએફ ઘટયા
અલનીનોની અસરે દેશના ઘણા ભાગોમાં દુકાળના ભય અને બીજી તરફ ઈરાન-અમેરિકા યુદ્વને લઈ ક્રુડ ઓઈલના ભાવોમાં ભડકો થતાં પેટ્રોલ, ડિઝલ સહિતના ભાવોમાં તોળાતો મોટો વધારો નેગેટીવ પરિબળ બનતાં વાહનોની ખરીદી નબળી રહેવાના અંદાજોએ ઓટો શેરોમાં સતત ગાબડાં પડયા હતા. ભારત ફોર્જ રૂ.૩૭.૦૫ ઘટીને રૂ.૧૯૮૭, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૫૧.૮૦ ઘટીને રૂ.૩૧૪૦, એમઆરએફ રૂ.૧૬૫૫.૮૫ ઘટીને રૂ.૩૧૪૦, બજાજ ઓટો રૂ.૧૩૬.૬૦ ઘટીને રૂ.૧૨,૦૧૫, મારૂતી સુઝુકી રૂ.૧૩૭ ઘટીને રૂ.૧૨,૭૦૫ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૨૯૨.૩૩ પોઈન્ટ ઘટીને ૬૧૫૧૫.૮૩ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૩૮ વધ્યો : જયોતી સીએનસી રૂ.૬૭, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮૯૬ વધ્યા
કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ ઘટાડે સિલેક્ટિવ મોટી ખરીદી કરતાં તેજીનો ચમકારો જોવાયો હતો. જયોતી સીએનસી રૂ.૬૬.૬૫ વધીને રૂ.૧૦૨૬.૫૫, અપાર ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮૯૬.૬૦ વધીને રૂ.૧૭,૭૦૧.૭૫, પીટીસીઆઈએલ રૂ.૧૧૫૭.૧૫ વધીને રૂ.૨૩,૮૪૬.૩૫, આઈનોક્સ વિન્ડ રૂ.૩.૫૩ વધીને રૂ.૭૩.૯૫, કિર્લોસ્કર એન્જિન રૂ.૧૦૬.૫૫ વધીને રૂ.૨૨૬૭.૪૦, એઆઈએ એન્જિનિયરીંગ રૂ.૧૦૫.૫૦ વધીને રૂ.૪૨૬૩.૧૫, કેઈઆઈ રૂ.૧૨૨.૫૦ વધીને રૂ.૫૨૯૨, ડાટા પેટર્નસ રૂ.૬૭.૬૫ વધીને રૂ.૪૫૮૪.૪૫, એલજી ઈક્વિપમેન્ટ રૂ.૧૩.૬૦ વધીને રૂ.૬૩૦.૬૦, કોચીન શિપ રૂ.૨૭ વધીને રૂ.૧૪૮૭ રહ્યા હતા. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૭૩૮.૨૭ પોઈન્ટ ઉછળીને ૭૮૩૮૮.૨૧ બંધ રહ્યો હતો.
રિયાલ્ટી શેરોમાં ઘટાડે સિલેક્ટિવ તેજી : બ્રિગેડ રૂ.૭૩, અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૧, પ્રેસ્ટિજ રૂ.૪૬ વધ્યા
રિયલ એસ્ટેટ ક્ષેત્રે મંદીના અહેવાલ અને ગમે તે ઘડીએ પ્રોપર્ટી માર્કેટમાં આફત આવી જવાની ચર્ચા છતાં આજે ઘટાડે પસંદગીના રિયાલ્ટી શેરોમાં તેજીના ફૂંફાળા જોવાયા હતા. બ્રિગેડ એન્ટરપ્રાઈસીઝ રૂ.૭૩.૦૫ વધીને રૂ.૭૧૨.૯૫, અનંતરાજ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૦.૬૦ વધીને રૂ.૬૨૮.૫૦, પ્રેસ્ટિજ એસ્ટેટ રૂ.૪૬ વધીને રૂ.૧૬૨૫, શોભા ડેવલપર્સ રૂ.૨૪.૭૦ વધીને રૂ.૧૨૫૪.૭૦, ડીએલએફ રૂ.૧૧ વધીને રૂ.૬૮૧, ઓબેરોય રિયાલ્ટી રૂ.૨૭.૧૦ વધીને રૂ.૧૯૦૪.૬૦ રહ્યા હતા. બીએસઈ રિયાલ્ટી ઈનડેક્સ ૧૬૬.૯૭ પોઈન્ટ વધીને ૭૧૪૦.૧૨ બંધ રહ્યો હતો.
બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ ખરીદી : આઈડીએફસી ફર્સ્ટ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, યુનિયન બેંક, એક્સિસ બેંક વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ઘટાડે સિલેક્ટિવ ખરીદી થઈ હતી. આઈડીએફસી ફર્સ્ટ બેંકરૂ.૨.૧૬ વધીને રૂ.૮૭.૧૧, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૨૩.૯૦ વધીને રૂ.૧૦૦૧, યુનિયન બેંક રૂ.૨.૩૫ વધીને રૂ.૧૮૮.૫૦, એક્સિસ બેંક રૂ.૧૧.૧૫ વધીને રૂ.૧૨૬૬.૧૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૫૦.૦૪ પોઈન્ટ વધીને ૬૪૭૪૫.૭૧ બંધ રહ્યો હતો.
સ્મોલ કેપ, મિડ કેપ શેરોમાં ઘટાડે ફંડોની તેજી : માર્કેટબ્રેડથ પોઝિટીવ : ૨૪૮૦ શેરો પોઝિટીવ બંધ
સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે ફંડોનું સિલેક્ટિવ બાઈંગ નીકળતાં માર્કેટબ્રેડથ ફરી નેગેટીવમાંથી પોઝિટીવ રહી હતી. અલબત ઘણા શેરોમાં ઓપરેટરોએ મોટાપાયે વેચવાલી ચાલુ રાખી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૫૫૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૯૯થી વધીને ૨૪૮૦ અને ઘટનારની સંખ્યા ૨૫૬૦થી ઘટીને ૧૮૫૫ રહી હતી.
FPIs/FIIની કેશમાં રૂ.૨૩૪૬ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૪૯૭૭ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે ગુરૂવારે કેશ સેગ્મેન્ટમાં રૂ.૧૧૪૩.૩૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૧૩,૫૯૬.૦૪ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૯૪૧.૯૧ કરોડની વેચવાલી કરી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની પણ આજે રૂ.૪૯૭૭.૪૬ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૭,૦૬૩.૬૫ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૦૮૬.૧૯ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫૪ હજાર કરોડ વધીને રૂ.૪૮૭.૦૮ કરોડ થયું
શેરોમાં આજે રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૫૪ હજાર કરોડ વધીને રૂ.૪૮૭.૦૮ લાખ કરોડ પહોંચ્યું હતું.




