Business

એપ્રિલથી સપ્ટેમ્બરમાં યુરોપ ખાતે આયર્ન, સ્ટીલની નિકાસ વીસ ટકા ઘટી

By GS Team
3 Nov 20262 mins read
TukuTouch Logo
યુરોપે સ્ટીલ આયાત નીતિ કડક બનાવતા ભારતીય નિકાસને ફટકો પડ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં યુરોપમાં આયર્ન અને સ્ટીલની નિકાસમાં 20%નો ઘટાડો થયો છે, જે 15.30 લાખ ટન નોંધાઈ છે. આયાત ક્વોટામાં ઘટાડો અને કાર્બન ટેક્સને કારણે આ ઘટાડો જોવા મળ્યો છે. જોકે, આફ્રિકા અને અમેરિકા જેવા અન્ય બજારોમાં નિકાસમાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એપ્રિલથી સપ્ટેમ્બરમાં યુરોપ ખાતે આયર્ન, સ્ટીલની નિકાસ વીસ ટકા ઘટી

યુરોપે પોતાની સ્ટીલ આયાત નીતિ આકરી બનાવતા ભારતની નિકાસ પર અસર
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ છ મહિનામાં દેશમાંથી આયર્ન તથા સ્ટીલની યુરોપ ખાતે વોલ્યુમની દ્રષ્ટિએ નિકાસમાં વાર્ષિક ધોરણે ૨૦ ટકા ઘટાડો થઈને ૧૫.૩૦ લાખ ટન રહી છે.
આયાત કવોટામાં સખતાઈ તથા કારબન ટેકસને કારણે ભારતના આયર્ન તથા સ્ટીલના એક મુખ્ય મથક યુરોપ ખાતે નિકાસ ઘટી હોવાનું માનવામાં આવે છે.
ગયા નાણાં વર્ષના એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં યુરોપ ખાતે નિકાસ આંક ૧૯.૧૦ લાખ ટન રહ્યો હતો. મૂલ્યની દ્રષ્ટિએ નિકાસ ૧.૭૯ અબજ ડોલર પરથી ઘટી ૧.૪૮ અબજ ડોલર રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા પરથી જણાય છે.
સપ્ટેમ્બરમાં નિકાસ ૫૦ ટકા જેટલી ઘટી ૧,૯૭,૪૩૩ ટન રહી હતી.
૧લી જુલાઈથી યુરોપે ડયૂટી ફ્રી સ્ટીલ આયાત કવોટા જે વાર્ષિક ૩.૩૮ કરોડ ટન હતો તે ઘટાડી ૧.૮૩ કરોડ ટન કર્યો છે. કવોટાથી ઉપરના સ્ટીલની આયાત પર ટેરિફ ૨૫ ટકા પરથી વધારી ૫૦ ટકા કરાયો છે.
યુરોપ દ્વારા સ્ટીલ આયાત નીતિ સખત બનાવવાને કારણે ભારત ખાતેથી નિકાસમાં ઘટાડો થયો હોવાનું સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું. યુરોપની સરખામણીએ અન્ય મથકો ખાતે નિકાસમાં વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને આફ્રિકા તથા અમેરિકા ખાતે નિકાસમાં વૃદ્ધિ જોવા મળી છે.
આફ્રિકા ખાતે નિકાસ એપ્રિલથી સપ્ટેમ્બરના ગાળામાં ૭૬ ટકા વધી ૩૩.૪૨ કરોડ ડોલર રહી છે જ્યારે અમેરિકા ખાતે નિકાસ ૬૫.૪૩ કરોડ ડોલર પરથી બમણી વધી ૧.૪૨ અબજ ડોલર રહી હોવાનું પણ વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે.
અમેરિકા ખાતે વોલ્યુમની દ્રષ્ટિએ નિકાસ ૨૬૦ ટકા જેટલી વધી છે. જ્યારે આફ્રિકા ખાતે નિકાસ વોલ્યુમ વૃદ્ધિ ૯૫ ટકા રહી હોવાનું પણ વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે.