સ્મોલ કેપ અને મિડ કેપ શેરોમાં એક દિવસમાં જ રોકાણકારોની સંપતિમાં રૂ.2.02 લાખ કરોડનું થયેલું ધોવાણ

મુંબઈ : સ્મોલ, મિડ કેપ શેરોમાં ઓવરવેલ્યુએશનની પાછલા વર્ષ ૨૦૨૪માં થયેલી મોટી બુમરાડના કારણે સપ્ટેમ્બરથી શરૂ થયેલી અધોગતિ અને ફંડો સામે મૂડી બજાર નિયામક તંત્રની લાલઆંખના પરિણામે શરૂ થયેલું સેલિંગ સતત વધતું રહી હવે આ સેગ્મેન્ટ-સ્મોલ, મિડ કેપ ફંડોમાં સંકટના એંધાણ આપી રહ્યું છે. આજે સેન્સેક્સમાં ૫૦૦થી વધુ પોઇન્ટનો ઉછાળો નોંધાયો હોવા છતાં સ્મોલ, મિડ કેપ શેરોમાં મળીને આજે રોકાણકારોની સંપતિનું એક દિવસમાં જ રૂ.૨,૦૨,૧૯૧ કરોડનું ધોવાણ થઈ ગયું છે.
ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોના સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડામેન્ટલની ઐસી તૈસી કરી એટલે કે ફંડામેન્ટલને અવગણીને ઊંચા ભાવે ઘણી કંપનીઓના શેરો રોકાણ પોર્ટફોલિયોમાં સમાવનારા ઘણા ફંડોને તૂટતાં બજારમાં રેલો આવ્યો હોવાનું જાણવા મળે છે.
સ્મોલ, મિડ કેપ ફંડો માટે સેબીએ સ્ટ્રેસ ટેસ્ટનો આગ્રહ રાખ્યા બાદ ફંડોમાં પણ રોકાણકારોના રિડમ્પશનના પ્રેશરના સંજોગોમાં કેટલા દિવસોમાં રોકાણનો ૨૫થી ૫૦ ટકા વેચીને નાણા પરત કરી શકવા સમર્થ રહેશે એના રિપોર્ટ આપવાની ફરજ પાડયા બાદ ફંડો પણ હવે પેનીકમાં આવ્યાનું જાણવા મળે છે.
છેલ્લા બે મહિનાથી સ્મોલ, મિડ કેપ શેરોમાં તૂટતાં ભાવો હવે અસાધારણ તૂટવા લાગતાં આ ફંડોમાં હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરો અને માર્જિન ફંડિંગવાળો બજારનો વર્ગ ભીંસમાં આવતાં ધોવાણ વધતું જોવાયું છે. આજે-બુધવારે મિડ કેપ, સ્મોલ કેપ શેરોમાં જોવાયેલું પેનીક સેલિંગ અસાધારણ બન્યું છે.
બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ આજે એક તબક્કે ૪૨૦૮૭.૨૨ સુધી ગબડી આવી અંતે ૫૧૯.૬૨ પોઈન્ટ તૂટીને ૪૨૬૪૭.૭૭ બંધ રહ્યો છે. જે તેની ૨૪, સપ્ટેમ્બર ૨૦૨૪ની સર્વોચ્ચ સપાટી ૪૯૭૦૧.૧૫થી ૭૦૫૩.૩૮ પોઈન્ટ એટલે કે ૧૪.૨ ટકા તૂટયો છે. મિડ કેપના ૧૩૨ શેરોમાં થયેલી ટ્રેડિંગમાંથી આજે ૧૦૨ શેરોના ભાવ તૂટયા છે, જ્યારે ૩૦ વધ્યા છે.
સ્મોલ કેપ શેરોમાં પણ આજે કડાકો બોલાઈ જઈ બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ એક સમયે ૫૦૨૧૩.૪૯ સુધી તૂટી જઈ અંતે ૮૦૭.૮૬ પોઈન્ટ ગબડીને ૫૦૯૦૬.૭૬ બંધ રહ્યો છે. જે ૧૨, ડિસેમ્બર ૨૦૨૪ની ૫૭૮૨૭.૬૯ની સર્વોચ્ચ સપાટીથી ૬૯૨૦.૯૩ પોઈન્ટ એટલે કે ૧૨ ટકા તૂટયો છે.
બીએસઈ સ્મોલ કેપ શેરોનું માર્કેટ કેપિટલાઈઝેશન જે ૨૧, જાન્યુઆરીના રૂ.૭૩,૧૫, ૮૨૫ કરોડનું હતું એ આજે રૂ.૧,૨૦,૪૭૦ કરોડ ઘટીને રૂ.૭૧,૯૫,૩૫૫ કરોડ રહી ગયું છે. જ્યારે બીએસઈ મિડ કેપ શેરોનું માર્કેટ કેપિટલાઈઝેશન જે ૨૧, જાન્યુઆરીના રૂ.૬૫,૨૨,૨૪૦ કરોડનું હતું એ આજે એક દિવસમાં રૂ.૮૧૭૨૧ કરોડ ઘટીને રૂ.૬૪,૪૦,૫૧૮ કરોડ રહી ગયું છે.




