Business

અમેરિકા દ્વારા ટ્રેડ વોર શરૂ કરાતા ક્રિપ્ટો માર્કેટસમાં રોકાણકારોનું માનસ ખરડાયુ

By GS Team
4 Feb 20251 min read
This article was originally published on 4 Feb 2025
અમેરિકા દ્વારા ટ્રેડ વોર શરૂ કરાતા ક્રિપ્ટો માર્કેટસમાં રોકાણકારોનું માનસ ખરડાયુ

મુંબઈ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલી ટ્રેડ વોરને પરિણામે વિશ્વભરના દેશોમાં આર્થિક ગણિતો ખોરવાઈ જવાની ભીતિએ સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે ક્રિપ્ટોકરન્સીસમાં મોટા કડાકા બોલાઈ ગયા હતા. 

મુખ્ય ક્રિપ્ટો બિટકોઈન  છેલ્લા ચોવીસ કલાકમાં નીચામાં ૯૧૬૮૭ ડોલર અને ઉપરમાં ૯૯૪૨૦ ડોલર થઈ મોડી સાંજે ૯૫૦૦૦ ડોલર મુકાતો હતો. એથરમમાં  ૨૭ ટકા ઘટાડો જોવાયો હતો. આ ઉપરાંત એકસઆરપી, સોલાના જેવી અન્ય ક્રિપ્ટોકરન્સીસમાં પણ ૨૫ ટકાથી વધુના કડાકા જોવા મળ્યા હતા. 

એથરમનો ભાવ ઉપરમાં ૩૧૦૦ ડોલર અને નીચામાં ૨૧૭૦ ડોલર જોવાયો હતો. મોડી સાંજે ૨૫૭૭  ડોલર બોલાતો હતો. એકસઆરપી ઉપરમાં ૨.૮૪ ડોલર અને નીચામાં ૧.૮૦ ડોલર થઈ મોડી સાંજે ૨.૩૦ ડોલર મુકાતો હતો. 

ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા ટેરિફનો વળતો જવાબ આપવાની કેનેડા તથા મેક્સિકોની ચીમકીને કારણે તેના વૈશ્વિક વેપાર પર છાંટા ઉડવાની શકયતાએ ક્રિપ્ટો ખેલાડીઓનું માનસ બગડયું હતું. ચીને આ મુદ્દે વિશ્વ વેપાર સંગઠનમાં ઉઠાવવાનું જાહેર કર્યું છે.  ટેરિફને કારણે બિનજરૂરી આર્થિક ખલેલ ઊભી થઈ છે અને તેને કારણે ફુગાવો વધશે. ઊંચા ટેરિફ દરેક દેશો માટે નુકસાનકારક બની રહેશે તેવો ટ્રેડરોમાં મત પ્રવર્તી રહ્યો છે. 

ટ્રેડવોરને કારણે બજારમાં અનિશ્ચિતતા ઊભી થઈ છે રોકાણકારો જોખમી એસેટસથી દૂર જઈ રહ્યા છે. સોમવારના કડાકાને પગલે ક્રિપ્ટોકરન્સીસની વૈશ્વિક માર્કેટ કેપ ૧૧ ટકા જેટલી ઘટી ૩ ટ્રિલિયન  ડોલર પર આવી ગઈ હતી.