ગોલ્ડ ETFમાં રોકાણ ચાર ગણું વધીને રૂ. 11,266 કરોડ

નવી દિલ્હી : સ્થાનિક સ્તરે, ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડમાં રોકાણ ગયા વર્ષ એટલે કે ૨૦૨૪ દરમિયાન ચાર ગણું વધ્યું છે. ગોલ્ડ ઈટીએફને લઈને ભારતમાં રોકાણકારોના ઉત્સાહનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ૨૦૨૪ના વર્ષે એપ્રિલ સિવાય બાકીના ૧૧ મહિનામાં ગોલ્ડ ઈટીએફમાં નવો નાણાપ્રવાહ નોંધાયો હતો. ૨૦૨૪માં ગોલ્ડ ઈટીએફમાં થતું રોકાણ રૂ. ૧૧,૨૬૬ કરોડ પહોંચ્યું હતું.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (એમ્ફી)ના ડેટા અનુસાર, ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન દેશના કુલ ૧૮ ગોલ્ડ ઇટીએફ (ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ)માં રૂ. ૬૪૦.૧૬ કરોડનો ચોખ્ખો પ્રવાહ હતો, જે ડિસેમ્બર ૨૦૨૩ કરતાં ૬૨૫ ટકા વધુ છે. ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન દેશના કુલ ૧૫ ગોલ્ડ ઈટીએફમાં માત્ર રૂ. ૮૮.૩૧ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. જો પાછલા મહિના એટલે કે નવેમ્બરની સરખામણી કરીએ તો તેમાં ૪૯ ટકાનો ઘટાડો થયો છે. નવેમ્બર ૨૦૨૪ દરમિયાન ગોલ્ડ ઇટીએફમાં રૂ. ૧,૨૫૬.૭૨ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું.
આ રીતે, સમગ્ર કેલેન્ડર વર્ષ ૨૦૨૪ દરમિયાન ગોલ્ડ ઈટીએફમાં કુલ રૂ. ૧૧,૨૬૬.૧૧ કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું, જ્યારે કેલેન્ડર વર્ષ ૨૦૨૩ દરમિયાન રૂ. ૨,૯૨૩.૮૧ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું હતું. કેલેન્ડર વર્ષ ૨૦૨૨ દરમિયાન ૧૧ ગોલ્ડ ઈટીએફમાં કુલ રૂ. ૪૫૮.૭૯ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.
ગયા વર્ષે ઓક્ટોબર દરમિયાન ગોલ્ડ ઈટીએફમાં ૧,૯૬૧.૫૭ કરોડ રૂપિયાનું રેકોર્ડ ચોખ્ખું રોકાણ થયું હતું. અગાઉ, ગોલ્ડ ઇટીએફમાં સૌથી વધુ રોકાણ ફેબ્રુઆરી ૨૦૨૦માં જોવા મળ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૨૦ દરમિયાન ગોલ્ડ ઇટીએફમાં રૂ. ૧,૪૮૩.૩૩ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું હતું.
જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ દરમિયાન ગોલ્ડ ઈટીએફમાં રોકાણમાં રૂ. ૫,૨૪૮.૪૬ કરોડનો વધારો થયો છે. આ પહેલા, ગોલ્ડ ઇટીએફમાં રોકાણમાં આટલો વધારો કોઈપણ નાણાકીય વર્ષ દરમિયાન જોવા મળ્યો ન હતો. નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ગોલ્ડ ઈટીએફમાં રોકાણમાં રૂ. ૬૫૨.૮૧ કરોડનો વધારો થયો હતો.
૨૦૨૦ પછી પ્રથમ વખત, ૨૦૨૪ દરમિયાન વૈશ્વિક સ્તરે ઈન્ફ્લો એટલે કે ગોલ્ડ ઈટીએફમાં રોકાણમાં વધારો નોંધવામાં આવ્યો હતો. જો આપણે માત્ર ડિસેમ્બરની વાત કરીએ, તો ૨૦૧૯ પછી આ પ્રથમ વખત છે જ્યારે ગોલ્ડ ઈટીએફએ મજબૂતી દર્શાવી છે. અગાઉ, સતત છ મહિનાની વૃદ્ધિ પછી નવેમ્બરમાં ગોલ્ડ ઈટીએફમાં રોકાણમાં ઘટાડો જોવા મળ્યો હતો.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ તરફથી મળેલા લેટેસ્ટ ડેટા અનુસાર, ૨૦૨૪ના છેલ્લા મહિના એટલે કે ડિસેમ્બર દરમિયાન વૈશ્વિક સ્તરે ગોલ્ડ ઈટીએફમાં રોકાણમાં ૦.૮ બિલિયન ડૉલરનો વધારો થયો છે. જો કે, વોલ્યુમની દ્રષ્ટિએ, આ સમયગાળા દરમિયાન રોકાણમાં ૩.૬ ટનનો ઘટાડો થયો છે.




