Business

જૂન મહિનામાં ગોલ્ડ અને સિલ્વર ETFમાં રોકાણમાં જોરદાર ઉછાળો

By GS Team
4 Jul 20262 mins read
TukuTouch Logo
અમદાવાદ: છેલ્લા ચાર મહિનાથી સોના-ચાંદીના ETFમાં રોકાણકારોનો રસ ઘટ્યો હતો, પરંતુ જૂનમાં ભાવ ઘટતા રોકાણ વધ્યું છે. જૂન મહિનામાં સિલ્વર ETFમાં આશરે 4,900 કરોડનું ચોખ્ખું રોકાણ થયું. ગોલ્ડ ETFમાં પણ 2,900 કરોડનું રોકાણ આવતા ફરી સકારાત્મક સ્થિતિ બની છે. નિષ્ણાતોના મતે, ભાવ ઘટાડો ખરીદીની તક બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જૂન મહિનામાં ગોલ્ડ અને સિલ્વર ETFમાં રોકાણમાં જોરદાર ઉછાળો

જાન્યુઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં રેકોર્ડ રૂ. ૨૪,૦૪૦ કરોડનું રોકાણ
સૂચિત સમયમાં સિલ્વર ઈટીએફમાં અંદાજિત રૂ. ૪,૯૦૦ કરોડનું જયારે ગોલ્ડ ઈટીએફમાં રૂ. ૨,૯૦૦ કરોડનું ચોખ્ખું રોકાણ
અમદાવાદ : છેલ્લા ચાર મહિનાથી સોના-ચાંદીના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)માં રોકાણકારોનો રસ ઘટી રહ્યો હતો. પરંતુ જૂન મહિનામાં તેમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. સોના અને ચાંદીના ભાવમાં મોટા ઘટાડાને કારણે રોકાણકારોએ ફરીથી તેમાં નાણાં રોકવાનું શરૂ કર્યું છે. જેના કારણે રોકાણના આ સાધનની સક્રિયતામાં વધારો જોવા મળ્યો છે.
જૂન મહિનામાં સિલ્વર ઈટીએફમાં અંદાજિત રૂ. ૪,૯૦૦ કરોડનું ચોખ્ખું રોકાણ ઠલવાયું હતું. આ અગાઉ સતત ચાર મહિનામાં કુલ મળીને અંદાજે રૂ. ૩,૭૭૦ કરોડનો ચોખ્ખો ઉપાડ નોંધાયો હતો. મે મહિનામાં એક વર્ષથી વધુ સમયગાળામાં પ્રથમ વખત માસિક ઉપાડ જોયા બાદ, ગોલ્ડ ઈટીએફમાં પણ જૂનમાં અંદાજિત રૂ. ૨,૯૦૦ કરોડનું ચોખ્ખું રોકાણ આવ્યું છે અને અહીં ફરીથી હકારાત્મક સ્થિતિ બની છે.
સોના-ચાંદીના ભાવમાં ભારે ઘટાડા પછી તેમાં ફરીથી રસ વધ્યો છે. જૂનમાં દેશમાં સોનાના ભાવમાં આશરે ૯.૭ ટકાનો ઘટાડો, જ્યારે ચાંદીના ભાવ ૧૪.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ બંને ધાતુઓ છેલ્લા ઘણા મહિનાના નીચલા સ્તરે ઉતરી આવી હતી. આ ઘટાડો મુખ્યત્વે યુએસ ડોલર મજબૂત થવા અને અમેરિકન ટ્રેેઝરી યીલ્ડમાં વધારો થવાને કારણે આવ્યો છે. સાથે જ એવી આશાથી પણ ભાવ ઘટયા કે અમેરિકન ફેડરલ રિઝર્વ વ્યાજ દરોને લાંબા સમય સુધી ઊંચા રાખશે. ભૌગોલિક રાજકીય તણાવ ઓછો થવાથી પણ સુરક્ષિત રોકાણની માંગ પણ ઘટી ગઈ હતી.
નિષ્ણાતોનું કહેવું છે કે જૂનમાં થયેલા રોકાણ પરથી સાબિત થાય છે કે તાજેતરના મહિનાઓમાં દૂર રહ્યા બાદ ઘણા રોકાણકારોએ કિંમતોમાં આવેલા ઘટાડાને ખરીદીની ઉત્તમ તક માની છે. તેમણે એમ પણ કહ્યું કે જાન્યુઆરીમાં રોકાણમાં થયેલા રેકોર્ડ વધારા પછી ભલે તેમાં થોડો ઘટાડો આવ્યો હોય, પરંતુ કિંમતી ધાતુઓમાં લાંબા ગાળાના રોકાણનો આધાર હજી પણ મજબૂત છે.જાન્યુઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં રેકોર્ડ રૂ. ૨૪,૦૪૦ કરોડનું રોકાણ થયું હતું, જ્યારે સિલ્વર ઈટીએફમાં અત્યાર સુધીનું સૌથી વધુ રૂ. ૯,૪૬૩ કરોડનું રોકાણ થયું હતું. પરંતુ ત્યારબાદના મહિનાઓમાં રોકાણની ગતિ ધીમી પડી ગઈ હતી કારણ કે આ ધાતુઓના ભાવ તેમના સર્વોચ્ચ સ્તરથી નીચે આવી ગયા અને રોકાણકારોએ પ્રોફિટ બુકિંગ (નફો) કર્યું હતું.