Business

ઈક્વિટી ફંડોમાં રોકાણ ૩૧ ટકા વધીને રૂ.૩૮,૩૦૭ કરોડ

By GS Team
13 Oct 20263 mins read
TukuTouch Logo
મુંબઈમાં સપ્ટેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણકારોએ સારો ઉત્સાહ બતાવ્યો છે. ખાસ કરીને SIPમાં વિક્રમી ₹32,490 કરોડનું રોકાણ થયું છે. ઇક્વિટી ફંડોમાં રોકાણ 31% વધીને ₹38,307 કરોડ નોંધાયું છે. જોકે, ડેટ ફંડોમાંથી ₹1.83 લાખ કરોડનો મોટો ઉપાડ થયો છે. ગોલ્ડ ETFમાં રોકાણ 71% વધીને ₹4451 કરોડ થયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈક્વિટી  ફંડોમાં રોકાણ ૩૧ ટકા વધીને રૂ.૩૮,૩૦૭ કરોડ

સપ્ટેમ્બરમાં એસઆઈપીમાં વિક્રમી રૂ.૩૨,૪૯૦ કરોડનો રોકાણ પ્રવાહ
ડેટ ફંડોમાંથી જંગી રૂ.૧.૮૩ લાખ કરોડનું રોકાણ પાછું ખેંચાયું : ગોલ્ડ ઈટીએફમાં રોકાણ ૭૧ ટકા વધીને રૂ.૪૪૫૧ કરોડ નોંધાયું : ઉદ્યોગની એયુએમ ૫.૧ ટકા ઘટી
મુંબઈ સેકન્ડરી માર્કેટમાં સપ્ટેમ્બર મહિનામાં મોટું ધોવાણ જોવાયું હોવા સામે રોકાણકારોએ નીચા ભાવોએ રોકાણની તક ઝડપીને મ્યુચ્યુઅલ ફંડો થકી રોકાણમાં સારો ઉત્સાહ બતાવ્યો છે. ખાસ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણમાં ૩૧ ટકાની મોટી વૃદ્વિ થઈ છે. ઓકટોબરની તુલનાએ સપ્ટેમ્બર ૨૦૨૬ મહિનામાં ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ ૩૧ ટકા વધીને રૂ.૩૮,૩૦૭ કરોડ નોંધાયો છે. જો કે ડેટ સ્કિમોમાંથી રોકાણકારોએ મોટો ઉપાડ કરતાં એકંદર મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ સપ્ટેમ્બરમાં નેગેટીવ રહ્યો છે.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના જાહેર થયેલા આંકડા મુજબ ઓગસ્ટ ૨૦૨૬માં ઈક્વિટી સ્કિમોમાં રોકાણ રૂ.૨૯,૩૨૮.૬૨ કરોડ રહ્યો હતો, જે સપ્ટેમ્બરમાં રૂ.૩૮,૩૦૬.૫૫ કરોડ નોંધાયો છે. માસિક સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)નો મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ હિસ્સો સર્વોચ્ચ ઊંચાઈએ રૂ.૩૨,૪૯૦ કરોડ નોંધાયો છે. જ્યારે સ્મોલ-કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ રૂ.૯૦૦૦ કરોડથી વધુ રહ્યો છે. જે ઈક્વિટી ફંડ કેટેગરીઓમાં સૌથી વધુ રહ્યો છે. અલબત ડેટ મ્યુચ્યુઅલ પંડોમાં નેટ રોકાણ ઉપાડ રૂ.૧,૮૩,૧૫૫.૭૬ કરોડનો નોંધાયો છે. જે ઓગસ્ટમાં રૂ.૮૧૨૭.૩૨ કરોડની નેટ રોકાણ પોઝિટીવ પ્રવાહ રહ્યો હતો.
એમ્ફીના ચીફ એક્ઝિક્યુટિવ વેંકટ ચેલાસાનીએ જણાવ્યું હતું. કે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમ સપ્ટેમ્બરમાં ૫.૧ ટકા ઘટીને રૂ.૮૨.૬૪ લાખ કરોડ રહેવા પાછળનું પ્રમુખ કારણ માર્ક-ટુ-માર્કેટ (એમટીએમ) નુકશાની અને ડેટ ફંડોમાંથી રોકાણ ઉપાડ રહ્યા છે. ઈક્વિટી ફંડોમાં સતત ૬૭માં મહિને રોકાણ પ્રવાહ પોઝિટીવ રહી રૂ.૩૮,૩૦૭ કરોડ નોંધાયો છે. આ સાથે એસઆઈપીઝનો હિસ્સો પણ ૧૦.૦૬ કરોડ એસઆઈપી એકાઉન્ટો થકી રૂ.૩૨,૪૯૦ કરોડ રેકોર્ડ રહ્યો છે.
સ્મોલ-કેપ ફંડોમાં ઈક્વિટી રોકાણ પ્રવાહ રૂ.૯૦૩૮.૫૭ કરોડ અને મિડ કેપ ફંડોમાં રૂ.૭૮૩૪.૮૪ કરોડ રહ્યો છે. ફ્લેક્સી કેપ ફંડોમાં રોકાણ રૂ.૫૦૫૯.૪૨ કરોડની તુલનાએ વધીને રૂ.૬૭૦૧.૮૦ કરોડ રહ્યું છે. લાર્જ-કેપ ફંડોમાં રોકાણ રૂ.૮૫૯.૪૭ કરોડ પોઝિટીવ રહ્યું છે. જ્યારે ડેટ ફંડોમાં રોકાણ ઉપાડ રૂ.૧.૮૩ લાખ કરોડ રહ્યો છે.
હાઈબ્રિડ ફંડોમાં રોકાણ નેગેટીવ રહ્યું છે. જેમાં રૂ.૪૫૬.૬૮ કરોડની જાવક રહી છે. જે ઓગસ્ટમાં રૂ.૧૦,૦૪૫.૩૪ કરોડ પોઝિટીવ પ્રવાહ રહ્યો હતો. આર્બિટ્રાજ ફંડોમાં રોકાણ જાવક રૂ.૩૯૫૬.૩૮ કરોડ રહી છે, જે ઓગસ્ટમાં રૂ.૩૭૮૯.૦૨ કરોડ પોઝિટીવ પ્રવાહ રહ્યો હતો. બેલેન્સ્ડ-એડવાન્ટેજ ફંડોમાં રોકાણ જાવક રૂ.૯૧૨.૪૩ કરોડ રહી છે. મલ્ટિ એસેટ એલોકેશન ફંડોમાં રોકાણ રૂ.૩૬૬૬.૯૮ કરોડ નોંધાયું છે.
એક્સચેન્જ ટ્રેડેડ ફંડો (ઈટીએફ)માં રોકાણ ૫૩ ટકા વધીને રૂ.૧૫,૫૦૧.૪૦ કરોડ રહ્યું છે. જે ઓગસ્ટમાં રૂ.૧૦,૧૬૦.૮૬ કરોડ રહ્યું હતું. ગોલ્ડ ઈટીએફમાં રોકાણ પ્રવાહ રૂ.૨૫૯૬.૭૦ કરોડની તુલનાએ ૭૧ ટકા વધીને રૂ.૪૪૫૦.૬૧ કરોડ રહ્યું છે. સિલ્વર ઈટીએફમાં રોકાણ વધીને રૂ.૧૯૭૪.૩૨ કરોડ અને ઈક્વિટી ઈટીએફમાં રોકાણ રૂ.૯૯૫૯.૯૬ કરોડ રહ્યું છે. માસિક એસઆઈપીઝ રોકાણ હિસ્સો રૂ.૧૯૩ કરોડ વધીને રૂ.૩૨,૪૯૦ કરોડ રહ્યો છે.
મ્યુચ્યુઅલ ફંડોની ઈક્વિટી એયુએમ રૂ.૩૯.૨૧ લાખ કરોડની તુલનાએ ૪.૩ ટકા ઘટીને રૂ.૩૭.૫૪ લાખ કરોડ રહી છે. જ્યારે ડેટ ફંડ એયુએમ રૂ.૧૯,૩૩ લાખ કરોડથી ૮.૮ ટકા ઘટીને રૂ.૧૭.૬૪ લાખ કરોડ રહી છે.