ઈક્વિટી ફંડોમાં રોકાણ 26% વધીને રૂ.28,973 કરોડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- સેકન્ડરી માર્કેટમાં શેરોમાં તેજીના સેન્ટીમેન્ટના પગલે
- જૂનમાં સ્મોલ, મિડકેપ શેરોમાં ફરી ઈન્વેસ્ટરોનું આકર્ષણ વધ્યું : મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની એયુએમ એક ટકા વધીને રૂ.૮૨.૦૫ લાખ કરોડ પહોંચી : ડેટ ફંડોમાંથી જંગી રૂ.૧.૦૯ લાખ કરોડનું રોકાણ પાછું ખેંચાયું
મુંબઈ: ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્વના વાદળો જૂનમાં વિખેરાતા અને અલ-નીનોનું જોખમ જૂનના અંતિમ દિવસોમાં હળવું થતું જોવાતાં ભારતીય શેર બજારોમાં સેકન્ડરી માર્કેટમાં તેજીના સેન્ટીમેન્ટની સાથે ફરી ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણનો પ્રવાહ ધસમસતો જોવાયો છે. જૂન ૨૦૨૬ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ મે ૨૦૨૬ મહિનાના રૂ.૨૨,૯૦૭ કરોડની તુલનાએ ૨૬ ટકા જેટલું વધીને રૂ.૨૮,૯૭૩ કરોડનું નોંધાયું છે. આ રોકાણમાં સૌથી વધુ આકર્ષણ ફરી મિડ કેપ ફંડોમાં રૂ.૬૦૯૦ કરોડનું નોંધાયું છે. ઈક્વિટી ફંડોમાં કુલ રૂ.૨૮,૯૭૩ કરોડના રોકાણમાં મિડ કેપ અને સ્મોલ કેપનો હિસ્સો ૪૦ ટકા રહ્યો છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એયુએમ-નેટ એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ મે ૨૦૨૬ના અંતના રૂ.૮૧.૩૮ લાખ કરોડની તુલનાએ એક ટકા વધીને રૂ.૮૨.૦૫ લાખ કરોડ થઈ છે.
૧૧ ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સબ કેટેગરીમાં મિડ કેપ ફંડોએ રોકાણ મેળવવામાં અગ્રેસરતા મેળવી છે. ત્યાર બાદ સ્મોલ કેપ ફંડોમાં રૂ.૫૬૦૧ કરોડનું ચોખ્ખું રોકાણ અને ફ્લેક્સી કેપ ફંડોમાં રૂ.૫૨૩૧ કરોડનું રોકાણ નોંધાયું છે. ડિવિડન્ડ યીલ્ડ ફંડો અને ઈએલએસએસ ફંડોમાં રોકાણ ઉપાડ એટલે કે જાવક અનુક્રમે રૂ.૪૯ કરોડ અને રૂ.૬૩૩ કરોડની રહી છે. માસિક ધોરણે સેક્ટરલ અને થીમેટિક ફંડોમાં સૌથી વધુ રોકાણ પ્રવાહ ૧૨૭ ટકા વધીને રૂ.૧૪૬૯ કરોડનો નોંધાયો છે. ત્યાર બાદ મિડકેપ ફંડોમાં ૩૯ ટકાની વૃદ્વિ, જ્યારે વેલ્યુ/કોન્ટ્રા ફંડો અને ફોક્સ્ડ ફંડોમાં દરેકમાં ૩૫ ટકાની વૃદ્વિ જોવાઈ છે.
ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં સતત બીજા મહિને જૂનમાં રોકાણકારોએ રોકાણ પાછું ખેંચવાનું ચાલુ રાખતાં જાવક નોંધાઈ છે. રોકાણકારોએ મે ૨૦૨૬ મહિનાના રૂ.૯૬,૯૪૮ કરોડના ઉપાડની તુલનાએ જૂનમાં રૂ.૧.૦૯ લાખ કરોડનું રોકાણ પાછું ખેંચી લીધું છે. ક્રેડિટ રિસ્ક ફંડો અને ફ્લોટર ફંડો સિવાય અન્ય કેટેગરીમાં પણ રોકાણ જાવક નોંધાઈ છે. ક્રેડિટ રિસ્ક ફંડો અને ફ્લોટર ફંડોમાં અનુક્રમે રૂ.૨૪૭ કરોડ અને રૂ.૪૫૨ કરોડ પોઝિટીવ રોકાણ નોંધાયું છે. ૧૬ સબ-કેટેગરીઝમાં લિક્વિડ ફંડોમાં સૌથી વધુ રૂ.૪૨,૨૯૩ કરોડની જાવક-ઉપાડ નોંધાયો છે. લો ડયુરેશન ફંડોમાંથી રૂ.૧૬,૪૮૪ કરોડનો રોકાણ ઉપાડ નોંધાયો છે. ગિલ્ટ ફંડોમાં ૧૦ વર્ષના કોન્સ્ટન્ટ ડયુરેશનમાં રૂ.૧૦૨ કરોડની જાવક હી છે.
હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ મે મહિનાના રૂ.૧૦,૫૬૦ કરોડની તુલનાએ ૨૨ ટકા વધીને જૂન ૨૦૨૬માં રૂ.૧૨,૮૯૨ કરોડ રહ્યો છે. કન્ઝર્વેટીવ હાઈબ્રિડ ફંડોમાં સૌથી ઓછું રૂ.૧૦૨ કરોડનું રોકાણ થયું છે. ઈક્વિટી સેવિંગ્સ ફંડોમાં રૂ.૪૯૪ કરોડની જાવક રહી છે.
અન્ય સ્કિમોમાં પેસિવ ફંડો જેવા કે ઈટીએફ, ઈન્ડેક્સ ફંડો અને એફઓએફઝ સહિતમાં રોકાણ મે મહિનાના રૂ.૩૬૧ કરોડની તુલનાએ જૂનમાં રૂ.૧૬,૭૨૪ કરોડનું નોંધાયું છે. ચાર સબ-કેટેગરીઝ, અન્ય ઈટીએફઝમાં સૌથી વધુ રોકાણ રૂ.૧૩,૨૩૭ કરોડનું થયું છે. ત્યાર બાદ ગોલ્ડ ઈટીએફમાં રૂ.૩૪૪૩ કરોડ અને ફંડ ઓફ ફંડ્સમાં રૂ.૧૦૧ કરોડનું રોકાણ નોંધાયું છે. ઈન્ડેક્સ ફંડોમાં રૂ.૫૮ કરોડની જાવક રહી છે, જે મે મહિનામાં રૂ.૯૪૩ કરોડનું પોઝિટીવ રોકાણ થયું હતું.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના ચીફ એક્ઝિક્યુટીવ વેંકટ ચેલાસાણીએ જણાવ્યું હતું કે, મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગે જૂન ૨૦૨૬માં મજબૂત વૃદ્વિ કાયમ રાખી છે. એયુએમ રૂ.૮૨.૨૨ લાખ કરોડ સુધી પહોંચી છે. જૂનમાં સતત ૬૪માં મહિને સકારાત્મક ઈક્વિટી પ્રવાહ જોવા મળ્યો છે. એસઆઈપી યોગદાન રૂ.૩૧,૭૮૧ કરોડને સ્પર્શયું છે. જે રોકાણકારોના વધતા વિશ્વાસ અને શિસ્તબદ્વ, લાંબાગાળાના રોકાણની વધતા સ્વીકારને પ્રતિબિબિંતકરે છે.
SIP થકી રોકાણ જૂનમાં ત્રણ ટકા વધીને રૂ.૩૧,૭૮૧ કરોડ નોંધાયું
મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડોમાં સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી થતાં રોકાણમાં જૂન ૨૦૨૬ મહિનામાં ત્રણ ટકાની વૃદ્વિ થઈ છે. મે મહિનાના રૂ.૩૦,૯૫૪ કરોડના રોકાણની તુલનાએ જૂનમાં એસઆઈપી થકી રૂ.૩૧,૭૮૧ કરોડનું રોકાણ થયું છે. જે ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું છે.
વાર્ષિક ધોરણે એસઆઈપી રોકાણ પ્રવાહ જૂન ૨૦૨૫ના રૂ.૨૭,૨૬૯ કરોડની તુલનાએ ૧૭ ટકા એટલે કે રૂ.૪૫૧૨ કરોડ વધારો થયો છે. એસઆઈપી એસેટ્સ ઉદ્યોગની કુલ એયુએમના ૨૧.૫ ટકા રહી છે. જે જૂન ૨૦૨૬માં રૂ.૧૭.૭૦ લાખ કરોડની નોંધાઈ છે. એસઆઈપી એકાઉન્ટોની સંખ્યા પણ જૂન ૨૦૨૬ના અંતે ૯,૭૮,૨૯,૯૧૨ નોંધાઈ છે.
મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો જૂનમાં નેટ ધોરણે ૨૦.૩૧ લાખ ઉમેરાઈ જૂનના અંતે ૨૭,૮૫,૯૯,૧૮૨ કરોડ થયા છે. આ સાથે મે મહિનાના અંતન ૨૭.૬૬ કરોડની તુલનાએ જૂનમાં ૦.૭ ટકા વધીને ૨૭.૮૬ કરોડ થયા છે. મ્યુચ્યુઅલ ફંડોની રિટેલ એયુએમ (ઈક્વિટી, હાઈબ્રિડ, સોલ્યુશન ઓરિએન્ટેડ સ્કિમો) મે ૨૦૨૬ના રૂ.૪૭,૯૧,૦૬૧ કરોડની તુલનાએ જૂન ૨૦૨૬ મહિનાના રૂ.૪૯,૪૧,૦૯૬ કરોડ રહી છે. રિટેલ ફોલિયો મે ૨૦૨૬ના ૨૧,૧૦,૧૨,૮૭૩ની તુલનાએ જૂન ૨૦૨૬ના અંતે ૨૧,૨૨,૫૯,૦૪૬ થયા છે.
મિડ કેપ અને સ્મોલ કેપ ફંડોમાં માસિક રોકાણ પ્રવાહનો ટ્રેન્ડ | |||
કેટેગરી | મિડ કેપ | સ્મોલ કેપ | કુલ ઈકિવિટી રોકાણમાં |
૨૦૨૬ | (રૂ.કરોડમાં) | મિડ-સ્મોલ કેપનો હિસ્સો | |
જૂન | ૬૦૯૦.૧૭ | ૫૬૦૧.૯૬ | ૪૦.૩૫ |
મે | ૪૩૮૫.૦ | ૪૯૪૫.૫૭ | ૪૦.૭૩ |
એપ્રિલ | ૬૫૫૧.૪ | ૬૮૮૫.૯ | ૩૪.૯૬ |
માર્ચ | ૬૦૬૩.૫૩ | ૬૨૬૩.૫૬ | ૩૦.૪૭ |









