Business

ડિસેમ્બરમાં ઈક્વિટી ફંડોમાં રોકાણ વધ્યું પણ, વળતરમાં ગાબડા પડયા

By GS Team
10 Jan 20252 mins read
This article was originally published on 10 Jan 2025
ડિસેમ્બરમાં ઈક્વિટી ફંડોમાં રોકાણ વધ્યું પણ, વળતરમાં ગાબડા પડયા

મુંબઈ : મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં ડિસેમ્બર ૨૦૨૪ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ પ્રવાહ નવેમ્બરની તુલનાએ ૧૪.૩ ટકા વધીને રૂ.૩૫,૯૨૭.૩ કરોડ નોંધાયો છે. જેમાં સેક્ટર અને થીમેટિક ફંડોમાં  નોંધનીય રોકાણ પ્રવાહ રૂ.૧૫,૩૩૧.૫ કરોડનો રહ્યો છે. જે નવેમ્બરમાં રૂ.૭૬૫૮ કરોડનો રહ્યો હતો. અલબત દેશના શેર બજારોમાં પાછલા કેટલાક મહિનાઓમાં જોવાયેલા મોટા ઘટાડા-કરેકશનના પરિણામે એક તરફ ડાયરેક્ટ ઈક્વિટીમાં રોકાણકારોને વળતરમાં નુકશાન થયું છે, ત્યારે બીજી તરફ છેલ્લા ત્રણ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોની ૧૮ ઈક્વિટી કેટગરીમાંથી ત્રણ કેટેગરીમાં જ રોકાણકારોને  પોઝિટીવ વળતર મળી શક્યું છે. જેથી એક તરફ રોકાણકારોનું ઈન્વેસ્ટમેન્ટ વધ્યું હોવા સામે વળતર, એનએવીમાં મોટું ધોવાણ થતું જોવાયું છે.

એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આંકડા મુજબ લાર્જ કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ નવેમ્બરના રૂ.૨૫૪૭.૯ કરોડની તુલનાએ ઘટીને ડિસેમ્બરમાં રૂ.૨૦૧૧ કરોડ રહ્યો છે. જ્યારે મિડ કેપ ફંડોમાં રૂ.૪૮૮૩.૪ કરોડની તુલનાએ નજીવો વધીને રૂ.૫૦૯૩ કરોડ રહ્યો છે. સ્મોલ કેપ ફંડોમાં તુલનાત્મક રોકાણ વધતું જોવાઈ નવેમ્બરના રૂ.૪૧૧૨ કરોડની તુલનાએ ડિસેમ્બરમાં રૂ.૪૬૬૮ કરોડ રહ્યો છે. આમ નેટ ધોરણે ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ રૂ.૩૫૯૨૭.૩ કરોડની તુલનાએ વધીને ડિસેમ્બરમાં રૂ.૪૧૧૩૬ કરોડ રહ્યો છે.

એક્સચેન્જ ટ્રેડેડ ફંડો (ઈટીએફ)માં રોકાણ પ્રવાહ રૂ.૧૫૩૧.૨ કરોડની તુલનાએ ઘટીને રૂ.૭૮૪.૩ કરોડ રહ્યો છે. ક્રેડિટ રિસ્ક ફંડોમાં રૂ.૩૫૬ કરોડનો રોકાણ ઉપાડ જોવાયો છે. જે નવેમ્બરમાં રૂ.૧૯૬ કરોડ રહ્યો હતો.  કોર્પોરેટ બોન્ડ ફંડોમાં પણ રૂ.૧૯૬ કરોડની તુલનાએ ડિસેમ્બરમાં રૂ.૮૨૦ કરોડનો ઉપાડ જોવાયો છે.

ડિવિડન્ડ ફંડોમાં રોકાણ પ્રવાહ રૂ.૨૧૬ કરોડની તુલનાએ રૂ.૨૭૭.૨ કરોડ પોઝિટીવ રહ્યો છે. અલબત ડેટ ફંડોમાં ડિસેમ્બર ૨૦૨૪માં રૂ.૧.૨૭ લાખ કરોડનો જંગી ઉપાડ-રિડમ્પશન જોવાયું છે. જે નવેમ્બરમાં રૂ.૧૨,૯૧૫ કરોડનું પોઝિટીવ રોકાણ રહ્યું હતું. ૧૬ ડેટ સબ-કેટેગરીમાંથી માત્ર મધ્યમથી લાંબાગાળાની કેટેગરી, ગિલ્ટ ફંડો અને લાંબાગાળાના ફંડોમાં અનુક્રમે રૂ.૧૫૧ કરોડ, રૂ.૩૪૩ કરોડ અને રૂ.૬૮૦ કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયો છે.

મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનીૂ કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) નવેમ્બર ૨૦૨૪ના રૂ.૬૬.૯૩ લાખ કરોડની તુલનાએ ડિસેમ્બર ૨૦૨૪માં વધીને રૂ.૬૮.૦૮ લાખ કરોડ પહોંચી છે. 

એમ્ફીના ચીફ એક્ઝિક્યુટીવ વેંકટ ચેલાસાનીએ જણાવ્યું હતું કે, વોલેટાઈલ બજાર પરિસ્થિતિ છતાં ઈક્વિટી ઓરિએન્ટેડ સ્કિમોમાં સતત રોકાણ પ્રવાહ રહ્યો છે. સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) હિસ્સો ડિસેમ્બરમાં ઓલ ટાઈમ હાઈ રૂ.૨૬,૪૫૯.૪૯ કરોડ રહ્યો છે. આ સાથે  રેકોર્ડ ૨૨.૫૦ કરોડ મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો ડિસેમ્બરમાં નોંધાયા છે.