Business

ઈક્વિટી ફંડોમાં જુલાઈમાં રોકાણ ૧૫ ટકા ઘટીને રૂ.૨૪,૬૯૭ કરોડ નોંધાયું

By GS Team
12 Aug 20263 mins read
TukuTouch Logo
મુંબઈમાં જુલાઈ મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ 15% ઘટીને ₹24,697 કરોડ નોંધાયો છે. લાર્જ કેપ અને ફોક્સ્ડ ફંડોમાં ઘટાડો જોવા મળ્યો, પરંતુ સ્મોલ-કેપ ફંડોમાં રોકાણ 38.7% વધીને ₹7768 કરોડ થયું. SIP રોકાણ પ્રવાહ પાંચમા મહિને પણ ₹30,000 કરોડથી વધુ રહી ₹31,961 કરોડ નોંધાયો. ડેટ ફંડોમાં ₹1,87,511 કરોડનો પોઝિટીવ રોકાણ પ્રવાહ રહ્યો.

Summarized by AI; it may make mistakes. Check important info

ઈક્વિટી ફંડોમાં જુલાઈમાં રોકાણ ૧૫ ટકા ઘટીને રૂ.૨૪,૬૯૭ કરોડ  નોંધાયું

સ્મોલ કેપ ફંડોમાં રોકાણ ૩૮.૭ ટકા વધ્યું : એસઆઈપી રોકાણ પ્રવાહ રૂ.૩૧,૯૬૧ કરોડ નોંધાયા
મુંબઈ : ભારતીય શેર બજારોમાં તાજેતરના દિવસોમાં સેકન્ડરી માર્કેટમાં તેજીનો સળવળાટ વધ્યા સાથે રોકાણકારોને સારૂ વળતર મળવા લાગતાં અને બીજી તરફ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની વણઝારના કારણે રોકાણકારો એ તરફ આકર્ષાતા મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણમાં ઓટ આવી છે. જુલાઈ મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ ૧૫ ટકા ઘટીને રૂ.૨૪,૬૯૭ કરોડ નોંધાયો છે. ઈક્વિટી ફંડોની કુલ એયુએમ જૂનના રૂ.૩૭.૩૪ લાખ કરોડથી વધીને જુલાઈમાં રૂ.૩૮.૩૬ લાખ કરોડ રહી છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એયુએમ ૩૦, જૂન ૨૦૨૬ના અંતના રૂ.૮૨,૨૨,૪૮૦ કરોડની તુલનાએ ૩૧, જુલાઈ ૨૦૨૬ના અંતે રૂ.૩.૫૩ લાખ કરોડ એટલે કે ૪.૩ ટકા વધીને રૂ.૮૫,૭૫,૬૫૭ કરોડ પહોંચી છે.
એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આંકડા મુજબ મ્યુચ્યુઅલ ફંડોમાં ખાસ ઈક્વિટી ફંડોમાં રોકાણ જૂન મહિનાની તુલનાએ જુલાઈમાં રૂ.૪૨૭૬ કરોડ ઘટયું છે. જે ઘટાડો મુખ્યત્વે લાર્જ કેપ, લાર્જ અને મિડ કેપ, ફોક્સ્ડ અને ફ્લેક્સી-કેપ ફંડોમાં રોકાણમાં થયેલા મોટા ઘટાડાના કારણે જોવાયો છે. લાર્જ કેપ ફંડોમાં રોકાણ જૂનના રૂ.૨૦૬૭ કરોડની તુલનાએ જુલાઈમાં ઘટીને રૂ.૧૩૨૨ કરોડ નોંધાયો છે. જ્યારે ફોક્સ્ડ ફંડોમાં રોકાણ રૂ.૧૧૧૮ કરોડની તુલનાએ ૪૨.૬ ટકા ઘટીને રૂ.૬૪૨ કરોડ નોંધાયું છે. લાર્જ એન્ડ મિડ કેપ ફંડોમાં રોકાણ જૂનના રૂ.૪૩૨૧ કરોડની તુલનાએ જુલાઈમાં ૨૦.૭ ટકા ઘટીને રૂ.૩૪૨૫ કરોડ થયું છે. ફ્લેક્સી-કેપ ફંડોમાં રોકાણ રૂ.૫૨૩૧ કરોડની તુલનાએ ૧૦ ટકા ઘટીને રૂ.૪૭૦૯ કરોડ થયું છે.
સેક્ટરલ અને થીમેટિક ફંડોમાં રોકાણ જૂનના રૂ.૧૪૬૯ કરોડની તુલનાએ જુલાઈમાં ૯.૬ ટકા ઘટીને રૂ.૧૩૨૮ કરોડ થયું છે. ઈએલએસએસ ફંડોમાં રોકાણ ઉપાડ સતત મોટો રહી જૂનના રૂ.૬૩૪ કરોડની તુલનાએ જુલાઈમાં રૂ.૯૫૯ કરોડનો ઉપાડ રહ્યો છે. વેલ્યુ અને કોન્ટ્રા ફંડોમાં રોકાણ ઉપાડ રૂ.૧૪૫ કરોડની તુલનાએ વધીને જુલાઈમાં રૂ.૬૮૭ કરોડ રહ્યો છે. અલબત સ્મોલ-કેપ ફંડોમાં ટ્રેન્ડ પોઝિટીવ રહી જૂનના રૂ.૫૬૦૨ કરોડની તુલનાએ જુલાઈમાં ૩૮.૭ ટકા વધીને રૂ.૭૭૬૮ કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયો છે. મિડ-કેપ ફંડોમાં ૧.૭ ટકા વધીને રૂ.૬૧૯૨ કરોડ રહ્યો છે. મલ્ટિ-કેપ ફંડોમાં રોકાણ પ્રવાહ રૂ.૩૦૭૦ કરોડથી ૫.૧ ટકા વધીને રૂ.૩૨૨૭ કરોડ રહ્યો છે.
હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડોમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ જૂનના રૂ.૧૨,૮૯૩ કરોડની તુલનાએ જુલાઈમાં ૧૦.૯ ટકા ઘટીને રૂ.૧૧,૪૯૧ કરોડ રહ્યો છે. ડાયનામિક એસેટ એલોકેશન ફંડોમાં રૂ.૫૫૩ કરોડની તુલનાએ ઘટીને જુલાઈમાં રૂ.૨૫૨ કરોડ રહ્યો છે. આર્બિટ્રાજ ફંડોમાં રૂ.૫૭૯૯ કરોડની તુલનાએ જુલાઈમાં ૧૨.૧ ટકા વધીને રૂ.૬૫૦૨ કરોડ રહ્યો છે. ડેટ ફંડોમાં મજબૂત રોકાણ પ્રવાહ નોંધાયો છે.
ડેટ ફંડોમાં જૂનના રૂ.૧,૦૯,૦૫૪ કરોડના ચોખ્ખા ઉપાડની તુલનાએ જુલાઈમાં રૂ.૧,૮૭,૫૧૧ કરોડનો પોઝિટીવ રોકાણ પ્રવાહ નોંધાયો છે. લિક્વિડ ફંડોમાં રોકાણ જૂનના રૂ.૪૨,૨૯૩ કરોડની જાવકની તુલનાએ જુલાઈમાં રૂ.૧,૧૯,૦૬૬ કરોડ પોઝિટીવ રોકાણ પ્રવાહ નોંધાયો છે. ઓવરનાઈટ ફંડોમાં રોકાણ જૂનના રૂ.૧૦,૫૮૦ કરોડનાઉપાડની તુલનાએ જુલાઈમાં રૂ.૪૦,૪૧૩ કરોડનું ચોખ્ખું રોકાણ રહ્યું છે. ડેટ ફંડોની એયુએમ રૂ.૧૭.૩૮ લાખ કરોડથી ૧૧.૩ ટકા વધીને રૂ.૧૯.૩૩ લાખ કરોડ પહોંચી છે.
ગોલ્ડ ઈટીએફ, અન્ય ઈટીએફ, ઈન્ડેક્સ ફંડોમાં રોકાણ પ્રવાહ જૂનના રૂ.૧૬,૭૨૪ કરોડની તુલનાએ જુલાઈમાં ૨૫.૨ ટકા ઘટીને રૂ.૧૨,૫૧૭ કરોડ રહ્યો છે. સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી મ્યુચ્યુઅલ ફંડોમાં થતા રોકાણનો હિસ્સો સતત પાંચમાં મહિને રૂ.૩૦,૦૦૦ કરોડથી વધુ રહી જુલાઈમાં રૂ.૩૧,૯૬૧ કરોડ નોંધાયો છે. જે જૂનમાં રૂ.૩૧,૭૮૧ કરોડ રહ્યો હતો.