Business

આગામી એક વર્ષમાં ફુગાવાનો દર 5 ટકાની અંદર રહેવાની શક્યતા: IIM અમદાવાદનો સર્વે

By GS Team
3 Oct 20262 mins read
TukuTouch Logo
આઈઆઈએમ અમદાવાદના સર્વે મુજબ, આગામી એક વર્ષમાં મોંઘવારીનો દર 5 ટકાથી નીચે રહેશે. દેશની 1100 ઉત્પાદક કંપનીઓએ આ આશાવાદ વ્યક્ત કર્યો છે. ઓગસ્ટમાં પૂર્ણ થયેલા 112મા રાઉન્ડના સર્વેમાં કંપનીઓએ ઉત્પાદન ખર્ચમાં 4.84% અને ગ્રાહક ફુગાવામાં 4.63% વધારાનો અંદાજ મૂક્યો છે. વેચાણ અને નફામાં પણ સુધારો જોવા મળ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આગામી એક વર્ષમાં ફુગાવાનો દર 5 ટકાની અંદર રહેવાની શક્યતા: IIM અમદાવાદનો સર્વે

IIM Ahmedabad Survey: આગામી એક વર્ષ દરમિયાન ફુગાવાનો દર (મોંઘવારીનો દર) 5 ટકાથી નીચે રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અગ્રણી શિક્ષણ સંસ્થા આઈઆઈએમ અમદાવાદ દ્વારા કરવામાં આવેલા તાજેતરના ‘બિઝનેસ ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન્સ સર્વે’ (BIES)માં દેશની અંદાજે 1100 જેટલી ઉત્પાદક કંપનીઓએ આ આશાવાદ વ્યક્ત કર્યો છે.

1100 કંપનીઓના મંતવ્યો લેવામાં

IIM અમદાવાદના મિશ્રા સેન્ટર ફોર ફાઈનાન્સિયલ માર્કેટ એન્ડ ઈકોનોમી દ્વારા હાથ ધરવામાં આવેલા આ સર્વેનો ઓગસ્ટ મહિનામાં 112મો રાઉન્ડ પૂર્ણ થયો હતો. આ સર્વેમાં સામાન્ય ગ્રાહકોને બદલે મુખ્યત્વે ઉત્પાદન ક્ષેત્ર (મેન્યુફેક્ચરિંગ સેક્ટર) સાથે જોડાયેલી 1100થી વધુ કંપનીઓના મંતવ્યો લેવામાં આવ્યા હતા.

ખર્ચ વધારાની ધારણા ઘટી

ઓગસ્ટ મહિનાના આ સર્વેમાં કંપનીઓએ આગામી એક વર્ષમાં પોતાના ઉત્પાદન ખર્ચમાં સરેરાશ 4.84 ટકાનો વધારો થવાની ધારણા દર્શાવી છે, જે જુલાઈમાં 4.94 ટકા હતી. સતત ત્રણ મહિનાથી કંપનીઓની ખર્ચ વધારા અંગેની ધારણા 5 ટકાથી નીચે રહી છે.

ગ્રાહક ફુગાવાની ધારણા

ગ્રાહકો માટે ચીજવસ્તુઓના ભાવ વધારા અંગે કંપનીઓએ આગામી વર્ષે ફુગાવો 4.63 ટકા રહેવાનો અંદાજ લગાવ્યો છે, જે જૂન મહિનામાં 4.56 ટકા હતો.

ખર્ચમાં મધ્યમ સ્તરે વધારો, પણ વધુ ખર્ચ ધરાવતી કંપનીઓ ઘટી

સર્વેના આંકડા અનુસાર, 10 ટકાથી વધુ ખર્ચ વધ્યો હોવાનું જણાવતી કંપનીઓનો હિસ્સો 21 ટકાથી ઘટીને 16 ટકા થઈ ગયો છે. 6થી 10 ટકા જેટલો ખર્ચ વધ્યો હોવાનું જણાવતી કંપનીઓ 23 ટકાથી વધીને 25 ટકા થઈ છે. આ આંકડા દર્શાવે છે કે ખુબ મોટો ખર્ચવધારો અનુભવતી કંપનીઓની સંખ્યા ઘટી છે, પરંતુ મધ્યમ સ્તરે ખર્ચનો માર હજુ પણ જોવા મળી રહ્યો છે.

વેચાણ અને નફામાં સુધારો

ઔદ્યોગિક ક્ષેત્રે વેચાણ અને નફાની પરિસ્થિતિમાં ધીમો પણ સકારાત્મક સુધારો જોવા મળ્યો છે. ઓગસ્ટ મહિનામાં 53 ટકાથી વધુ કંપનીઓએ પોતાનું વેચાણ સામાન્ય અથવા સામાન્ય કરતાં વધારે હોવાનું જણાવ્યું છે (જે જુલાઈમાં 50 ટકા હતું). વેચાણમાં સતત ત્રીજા મહિને સુધારો નોંધાયો છે. મે મહિનામાં 78 ટકા કંપનીઓએ સામાન્ય કરતાં ઓછો નફો થતો હોવાનું જણાવ્યું હતું, જે ઓગસ્ટમાં ઘટીને 68 ટકા થઈ ગયું છે. સર્વેના આંકડા એક તરફ આગામી એક વર્ષમાં ફુગાવાનો દર 5 ટકાની અંદર રહેવાની કંપનીઓની ધારણા દર્શાવે છે, તો બીજી તરફ કંપનીઓના હાલના ખર્ચમાં વધારો હજુ ચાલુ હોવાનું પણ બતાવે છે.