અમેરિકા-ઈરાન વચ્ચે નવેસરથી તાણને પરિણામે ફુગાવામાં વધારો થવા વકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

અલ નિનોની ખરીફ ઉત્પાદન પર પ્રતિકૂળ અસર પડવાની ચિંતા
મુંબઈ : અમેરિકા-ઈરાન વચ્ચે નવેસરથી તાણ તથા અલ નિનોની અસરને પરિણામે દેશમાં ફુગાવો વધુ ઊંચે જવાની શકયતા ઊભી થઈ છે. જૂનમાં રિટેલ તથા જથ્થાબંધ ફુગાવો વધીને આવ્યોે છે ત્યારે નવેસરની તાણથી નીતિવિષયકોની ચિંતામાં વધારો થયો છે.
જૂનમાં રિટેલ ફુગાવો ૪.૩૮ ટકા સાથે રિઝર્વ બેન્કના ચાર ટકાના ટાર્ગેટ કરતા ઊંચો ગયો છે. રિટેલ ફુગાવો દોઢ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો છે. મંગળવારે જાહેર થયેલો જથ્થાબંધ ફુગાવો પણ ૯.૯૦ ટકા આવ્યો છે.
ખાદ્ય પદાર્થના ઊંચા ભાવને પરિણામે ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. નવેસરની તાણને પરિણામે ક્રુડના ભાવ ફરી વધવા લાગ્યા છે અને રૂપિયો દબાણ હેઠળ આવી ગયો છે અને ડોલર સામે ૯૬ને પાર કરી ગયો છે. રૂપિયામાં નબળાઈ તથા ક્રુડ તેલના ઊંચા ભાવથી દેશના આયાત બિલમાં વધારો થવાની શકયતા નકારાતી નથી.
જૂનનો ફુગાવો વધીને આવ્યો છે ત્યારે રિઝર્વ બેન્ક તેની આગામી મહિનાની બેઠકમાં કેવા નિર્ણય લે છે તેના પર નીતિવિષયકોની નજર રહેલી છે.
બીજી બાજુ અલ નિનોની પ્રતિકૂળ અસરથી દેશમાં વર્તમાન વર્ષનું ચોમાસુ નબળુ જણાઈ રહ્યું છે જેની સીધી અસર ખરીફ પાકના ઉત્પાદન પર પડવાની ચિંતા પ્રવર્તી રહી છે. ખરીફ પાકના ઉત્પાદનમાં ઘટાડાથી ખાદ્ય પદાર્થના ભાવમાં વધુ વધારો થવાની શકયતા નકારાતી નથી.
દરમિયાન અન્ય એક અહેવાલ પ્રમાણે એસબીઆઈ રિસર્ચે વર્તમાન નાણાં વર્ષમાં દેશનો રિટેલ ફુગાવો સરેરાશ પાંચ ટકા આસપાસ રહેવાની ધારણાં મૂકી છે.









