બજેટમાં વેરા પદ્ધતિમાં સરળીકરણ જોવાય તેવી ઉદ્યોગોની અપેક્ષા

મુંબઈ : ઉદ્યોગ સંસ્થા ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (ફિક્કી) દ્વારા બજેટ પહેલા હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં મોટાભાગના ઉદ્યોગોએ વેરા પદ્ધતિમાં સરળીકરણ તથા કુદરતી વાતાવરણ માટે સલામત એવી ટેકનોલોજીના વપરાશ માટે પ્રોત્સાહનોની અપેક્ષા વ્યકત કરી છે.
આ ઉપરાંત નાણાં વર્ષ ૨૦૨૬ના બજેટમાં ડિજિટાઈઝેશન મારફત ફરજપાલનને સરળ બનાવાય તેવી પણ ઉદ્યોગો નાણાં પ્રધાન પાસે આશા રાખી રહ્યા છે.અર્થતંત્રમાં મંદ માગ પ્રત્યે ચિંતા વ્યકત કરી કંપનીઓએ સીધા વેરા માળખાની સમીક્ષા કરવા પણ માગણી કરી છે.
વેરા સ્તર તથા વેરા દર પર ફેરનજર નાખવાની આવશ્યકતા હોવાનો પણ મત વ્યકત કરાયો છે જેથી લોકોના હાથમાં ખર્ચવા માટે વધુ નાણાં આવી શકે અને ઉપભોગમાં વૃદ્ધિ જોવા મળે, એમ સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
વેરા પદ્ધતિના સરળીકરણ પર જોર આપતી મજબૂત નીતિ, ગ્રીન ટેકનોલોજીસ અથવા રિન્યુએબલ અને વીજ વાહનોના વિકાસ માટે પ્રોત્સાહનો અને ડિજિટાઈઝેશન મારફત ફરજપાલનને સરળ બનાવવાની કંપનીઓએ માગણી કરી છે.
વેરા મોરચે ટેકસમાં નિશ્ચિતતા, કસ્ટમ ડયૂટી ઈન્વરસનના મુદ્દાને હાથ ધરવા તથા ટીડીએસ જોગવાઈઓને વ્યવહારિક બનાવવાનું મહત્વનું છે, એમ સર્વમાં ભાગ લેનારાઓનો મત રહ્યો હતો.
વિવિધ ક્ષેત્રની મળીને ૧૫૦ જેટલી કંપનીઓએ સર્વેમાં ભાગ લીધો હતો જે ડિસેમ્બર ૨૦૨૪થી જાન્યુઆરી, ૨૦૨૫ના મધ્ય સુધી હાથ ધરાયો હતો.
સર્વમાં ભાગ લેનારામાંથી ૪૭ ટકા કંપનીઓએ વર્તમાન નાણાં વર્ષની ૪.૯૦ ટકા રાજકોષિય ખાધના ટાર્ગેટને સરકાર પહોંચી વળી શકશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. ૬૦ ટકા કંપનીઓએ આગામી નાણાં વર્ષનો આર્થિક વિકાસ દર ૬.૫૦ ટકાથી ૬.૯૦ ટકા વચ્ચે રહેવા ધારણાં મૂકી છે.
વિકાસની ગતિને ટકાવી રાખવા મૂડીખર્ચ પર પણ ભાર અપાયો હોવાનું સર્વે રિપોર્ટમાં નોંધવામાઆવ્યું હતું.




