Business

પવન ઊર્જામાં ભારતની છલાંગ, ચીન અને US પછી ત્રીજા ક્રમે

By GS TEAM
25 Dec 20252 mins read
પવન ઊર્જામાં ભારતની છલાંગ, ચીન અને US પછી ત્રીજા ક્રમે

અમદાવાદ : ભારતે ૨૦૨૫માં વૈશ્વિક પવન ઊર્જા બજારમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. બ્લૂમબર્ગ NEFના અહેવાલ મુજબ, ભારતે ચીન અને અમેરિકા પછી અત્યાર સુધીનો સૌથી વધુ ક્ષમતા વધારો નોંધાવ્યો છે. આ બે દેશો પ્રથમ અને બીજા ક્રમે છે.

અહેવાલમાં જણાવાયું છે કે ભારતનો  ૨૦૨૫માં ૬.૨ ગીગાવોટ પવન ઊર્જા પ્રોજેક્ટ્સ ઉમેરવાનો અંદાજ છે, જે દેશને વિશ્વના બીજા સૌથી મોટા બજાર, અમેરિકાની નજીક લાવશે. ભારતે નવેમ્બર ૨૦૨૫ સુધીમાં ૫.૮ ગીગાવોટ નવી પવન ઊર્જા ક્ષમતા ઉમેરી, જે ૨૦૧૭ માં ૪.૨ ગીગાવોટના વાર્ષિક રેકોર્ડને વટાવી ગઈ છે.

પવન ઊર્જા ક્ષમતામાં વાર્ષિક વધારો ભારતને બ્રાઝિલ અને જર્મનીને પાછળ છોડી દેવામાં મદદ કરશે. આ બંને છેલ્લા ત્રણ વર્ષમાં ઉચ્ચ ક્રમે હતા. ૨૦૧૯ પછી ભારત પહેલી વાર ત્રીજા સ્થાને પાછું ફર્યું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૨૦ થી વાર્ષિક પવન ક્ષમતામાં ધીમે ધીમે વૃદ્ધિને કારણે દેશ ૨૦૨૪ સુધી સતત ચાર વર્ષ સુધી પાંચમા ક્રમે રહ્યો હતો.

પવન ઊર્જા ક્ષેત્ર ઘીમો ઘીમે આગળ વધી રહ્યું છે, જેમાં વીજ ઉત્પાદન સ્રોતો અને બેટરી ઊર્જા સંગ્રહ તકનીકો બંનેનો સમાવેશ થાય છે. જે વિકાસકર્તાઓને મોટા પ્લાન્ટ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ભારતની હરાજી એજન્સીઓએ ૨૦૨૪ માં ૬૦ ગીગાવોટ સ્વચ્છ ઊર્જા ઉત્પાદન ક્ષમતા માટે કોન્ટ્રાક્ટ આપ્યા છે, જેમાંથી બે તૃતીયાંશ જટિલ પ્રોજેક્ટ્સ છે.

રિપોર્ટમાં જણાવાયું છે કે પ્રોજેક્ટ્સના મોટા કદ અને બહુવિધ વીજ ઉત્પાદન સ્રોતોના ઉપયોગને જોતાં, ભારત આ દાયકાના અંત સુધીમાં ૩૦ ગીગાવોટ પવન ઊર્જા ક્ષમતા ઉમેરવાની અપેક્ષા રાખે છે.