ચીનમાંથી ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત એપ્રિલ-ડિસેમ્બરમાં સાત વર્ષની ટોચે

અમદાવાદ : વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન ચીનમાંથી ભારતની ફિનિશ્ડ સ્ટીલની આયાત સાત વર્ષના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. વિશ્વના ટોચના સ્ટીલ ઉત્પાદક ચીને એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન ભારતને ૨૧ લાખ મેટ્રિક ટન ફિનિશ્ડ સ્ટીલ મોકલ્યું હતું, જે વાર્ષિક ધોરણે ૧૩.૩ ટકા વધુ છે.
આ સમયગાળા દરમિયાન બેઇજિંગ ભારતમાં ફિનિશ્ડ સ્ટીલનો ટોચનો નિકાસકાર રહ્યો હતો. ભારતની કુલ ફિનિશ્ડ સ્ટીલની આયાતમાં ચીન, દક્ષિણ કોરિયા અને જાપાનના શિપમેન્ટનો હિસ્સો ૭૯ ટકા હિસ્સો હતો. એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન ભારતમાં દક્ષિણ કોરિયાની ફિનિશ્ડ સ્ટીલની નિકાસ વાર્ષિક ધોરણે ૭.૨ ટકા વધીને ૨૧ લાખ મેટ્રિક ટનની પાંચ વર્ષની ટોચે પહોંચી હતી, તેમ ડેટા દર્શાવે છે. જાપાનની ફિનિશ્ડ સ્ટીલની ભારતમાં નિકાસ વાર્ષિક ધોરણે લગભગ બમણી થઈને ૧૬ લાખ મેટ્રિક ટન પર સાત વર્ષની ટોચે પહોંચી છે.
વિશ્વના બીજા સૌથી મોટા ક્રૂડ સ્ટીલ ઉત્પાદક ભારતની એકંદરે ફિનિશ્ડ સ્ટીલની આયાત એપ્રિલ-ડિસેમ્બર દરમિયાન છ વર્ષની ઊંચી સપાટીએ પહોંચી હતી. આ સ્થિતિને જોતા બેલગામ સ્ટીલની આયાતને ઘટાડવા માટે સેફગાર્ડ ડયુટી અથવા કામચલાઉ ટેક્સ લાદવાની વિચારણા ભારત સરકાર કરી રહી છે.
ભારતના ફિનિશ્ડ સ્ટીલ પ્રોડક્ટો માટે ઇટાલી સૌથી મોટું નિકાસ બજાર હતું. જોકે શિપમેન્ટમાં ૩૮.૮ ટકાનો ઘટાડો થયો છે. આ સિવાય બેલ્જિયમ, સ્પેન અને નેપાળમાં પણ નિકાસ ઘટી હતી પરંતુ યુકેમાં નિકાસ વાર્ષિક ૨૦ ટકા વધી હતી.




