Business

ટોચના 10માંથી ચાર દેશોમાં ડિસેમ્બરમાં ભારતની નિકાસમાં ઘટાડો

By GS Team
19 Jan 20252 mins read
This article was originally published on 19 Jan 2025
ટોચના 10માંથી ચાર દેશોમાં ડિસેમ્બરમાં ભારતની  નિકાસમાં ઘટાડો

નવી દિલ્હી : ભારતના ટોચના ૧૦ નિકાસ સ્થળોમાંથી ચાર, સંયુક્ત આરબ અમીરાત (યુએઈ), નેધરલેન્ડ, ચીન અને સિંગાપોરમાં શિપમેન્ટમાં ડિસેમ્બરમાં ઘટાડો થયો હતો. વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ડિસેમ્બરમાં ભારતની કુલ મર્ચેન્ડાઇઝ નિકાસ એક ટકા ઘટીને ૩૮ બિલિયન ડોલર થઈ ગઈ છે.

ચીનમાં નિકાસમાં સૌથી વધુ ૨૬.૧૫ ટકાનો ઘટાડો થયો છે. આ પછી, નેધરલેન્ડમાં મર્ચેન્ડાઇઝની નિકાસમાં ૨૫.૮૯ ટકા, યુએઇમાં ૨૩ ટકા અને સિંગાપોરમાં ૧૦.૯૫ ટકાનો ઘટાડો થયો હતો. બીજી તરફ, નિકાસ વૃદ્ધિ ધરાવતા દેશોમાં અમેરિકા (૮.૪૯ ટકા), બ્રિટન (૬.૧૩ ટકા), સાઉદી અરેબિયા (૫૦.૪૬ ટકા), બાંગ્લાદેશ (૩૩.૫૮ ટકા), જર્મની (૩.૮૫ ટકા) અને ઓસ્ટ્રેલિયા (૪૫.૮૬ ટકા)નો સમાવેશ થાય છે. 

ભારત માટે અમેરિકા સૌથી મોટું નિકાસ બજાર રહ્યું છે. આ પછી, ડિસેમ્બરમાં ઘટાડા છતાં, મુખ્ય નિકાસ કરનારા દેશો યુએઈ  અને નેધરલેન્ડ હતા. ડિસેમ્બરમાં ભારતમાંથી કુલ નિકાસ મૂલ્યમાં આ ૧૦ દેશોને મોકલવામાં આવેલા માલનો હિસ્સો ૫૧ ટકા હતો.

ડિસેમ્બરમાં ભારતમાં કુલ આયાત ૪.૯ ટકા વધીને ૫૯.૯૫ બિલિયન ડોલર થઈ છે. ભારતના ટોચના ૧૦ આયાત કરનારા દેશોમાંથી પાંચમાંથી આયાતમાં ઉછાળો આવ્યો હતો. આ પાંચ આયાત કરનારા દેશો ચીન, રશિયા, ઈરાક, સ્વિટ્ઝર્લેન્ડ અને અમેરિકા છે. ડિસેમ્બરમાં સ્વિત્ઝર્લેન્ડમાંથી આયાતમાં સૌથી વધુ ૮૫.૬૫ ટકાનો વધારો થયો હતો અને આ વધારો મુખ્યત્વે સોનાની આયાતને કારણે થયો હતો. 

ડેટા અનુસાર, આ પછી અમેરિકા (૯.૮૮ ટકા), ચીન (૯.૧૪ ટકા), ઇરાક (૩.૭૨ ટકા) અને રશિયા (૦.૯૬ ટકા)થી આયાતમાં વધારો થયો છે.

જોકે, કેટલાક દેશો પર ભારતની આયાત નિર્ભરતા ઘટી છે. આયાતમાં ઘટાડો ધરાવતા દેશોમાં UAE (-૨.૯૭ ટકા), સાઉદી અરેબિયા (-૧૫.૪૯ ટકા), ઇન્ડોનેશિયા (-૧૯.૬૮ ટકા), દક્ષિણ કોરિયા (-૯.૨૮ ટકા) અને સિંગાપોર (-૧૭.૩૮ ટકા) હતા. ભારતની કોમોડિટી આયાતમાં આ ૧૦ દેશોનો હિસ્સો ૫૭ ટકાથી વધુ હતો.