Business

માગમાં સુધારાના પગલે ભારતના આર્થિક વિકાસ દરમાં ફરી વધારો જોવાશે

By GS Team
19 Jan 20252 mins read
This article was originally published on 19 Jan 2025
માગમાં સુધારાના પગલે ભારતના આર્થિક વિકાસ દરમાં ફરી વધારો જોવાશે

મુંબઈ : માગમાં મજબૂતાઈ આવતા ભારતના આર્થિક વિકાસ દરમાં ફરી વધારો જોવા મળવાની રિઝર્વ બેન્કના બુલેટિનમાં અપેક્ષા વ્યકત કરવામાં આવી છે. ડિસેમ્બરમાં સતત બીજા મહિને રિટેલ ફુગાવો ઘટયો છે. જો કે ખાધ્ય પદાર્થોના ઊંચા ભાવ પર નજર નાખવાની રહેશે એમ બુલેટિનમાં નોંધવામાં આવ્યું છે.

ઘરેલુ માગમાં મજબૂતાઈ પકડાઈ રહી છે તેને  જોતા આર્થિક વિકાસ દર ઊંચે જવાની શકયતા વધી ગઈ છે. ગ્રામ્ય માગમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે, જે ઉપભોગમાં સ્થિતિસ્થાપકતાના સંકેત આપે છે. 

કૃષિ ક્ષેત્રની સારી સ્થિતિ ગ્રામ્ય માગને ટેકો આપી રહી છે. માળખાકીય બાંધકામ પાછળ સરકારી મૂડીખર્ચમાં વધારો મુખ્ય ક્ષેત્રમાં વિકાસને ગતિ આપશે. 

કાચા માલના વધી રહેલા ખર્ચ ઉત્પાદન ક્ષેત્રમાં દબાણ લાવી રહ્યા છે અને હવામાનને લગતી પ્રતિકૂળતાઓ અને વૈશ્વિક ઘટનાક્રમો આર્થિક વિકાસ દરના આઉટલુક સામે જોખમો ધરાવી રહ્યા હોવાનું બુલેટિનમાં વધુમાં જણાવાયું છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે વર્લ્ડ બેન્ક તથા  ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે ભારતના આર્થિક વિકાસ દરના અંદાજને જાળવી રાખ્યા છે. નાણાં વર્ષ ૨૦૨૬માં ભારતના આર્થિક વિકાસ દરના ૬.૭૦ ટકાના ટાર્ગેટને વર્લ્ડ બેન્કે જાળવી રાખ્યો છે અને આગામી બે વર્ષમાં ભારત સૌથી ઝડપથી વિકસતુ અર્થતંત્ર બની રહેવાના અંદાજને પણ જાળવી રખાયો છે.

આજ રીતે ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે પણ વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના સાત ટકાના પોતાના અંદાજને ઘટાડી ૬.૫૦ ટકા કર્યો છે પરંતુ નાણાં વર્ષ ૨૦૨૬ તથા ૨૦૨૭ માટેના ૬.૫૦ ટકાના અંદાજને જાળવી રાખ્યા છે.