Get The App

ભારતનું ક્રુડ આયાત બિલ માર્ચમાં પાંચ ટકા ઘટી 11.70 અબજ ડોલર રહ્યું

- ઈરાન-અમેરિકા યુદ્ધને કારણે આયાત વોલ્યુમમાં પણ ગત મહિને ૧૭ ટકા ઘટાડો

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
ભારતનું ક્રુડ આયાત બિલ માર્ચમાં પાંચ ટકા ઘટી 11.70 અબજ ડોલર રહ્યું 1 - image

મુંબઈ : પશ્ચિમ એશિયા વિસ્તારમાં સંપૂર્ણ માર્ચ દરમિયાન યુદ્ધની સ્થિતિથી પૂરવઠામાં પડેલી ખલેલથી ભારતનું ક્રુડ તેલ આયાત બિલ માર્ચમાં વાર્ષિક ધોરણે પાંચ ટકા ઘટી ૧૧.૭૦ અબજ ડોલર રહ્યું છે. ક્રુડ તેલના બિલમાં ઘટાડો ભાગ્યે જ જોવા મળતો હોય છે. ક્રુડ તેલના ભાવ ઊંચે ગયા હતા પરંતુ વોલ્યુમની દ્રષ્ટિએ આયાત નીચી રહેતા બિલમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.

ગયા વર્ષના માર્ચમાં ૨.૨૮ કરોડ ટનની સરખામણીએ વર્તમાન વર્ષના માર્ચમાં ક્રુડ આયાત વોલ્યુમ ૧૭ ટકા ઘટી ૧.૮૯ કરોડ ટન રહ્યાનું પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલે જણાવ્યું હતું. 

ઈરાન યુદ્ધને પરિણામે કુવૈત, કતાર, સાઉદી અરેબિયા તથા ઈરાક જેવા દેશો ખાતેથી ભારતને ઊર્જા પૂરવઠો ખોરવાઈ ગયો છે. 

ગયા સંપૂર્ણ નાણાં વર્ષમાં ભારતનું એકંદર ક્રુડ ઓઈલ આયાત બિલ ૧૨૧.૭૦ અબજ ડોલર રહ્યું હતું અને નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં આ આંક ૧૩૭.૨૦ અબજ ડોલર રહ્યો હતો. 

માર્ચમાં ભારતના બાસ્કેટ ક્રુડની  કિંમત પ્રતિ બેરલ  સરેરાશ૧૧૩.૪૯ ડોલર રહી હતી જે ગયા વર્ષના માર્ચમાં ૭૨.૪૭ ડોલર રહી હતી અને વર્તમાન વર્ષના ફેબુ્રઆરીમાં ૬૯.૦૧ ડોલર જોવા મળી હતી. 

ક્રુડ તેલની આયાત સાથોસાથ પેટ્રોલિયમ પ્રોડકટસની નિકાસ પણ ૨૪.૫૦ ટકા ઘટી ૪૬ લાખ ટન રહી હતી જે ગયા વર્ષના માર્ચમાં ૬૧ લાખ ટન જોવા મળી હતી. 

ઘરઆંગણે ઉપલબ્ધતા જાળવી રાખવા સરકારે ડીઝલ તથા એવિએશન ટરબાઈન ફ્યુઅલ પર એકસપોર્ટ ડયૂટી લાગુ કરી હતી. ડીઝલ પર હાલમાં પ્રતિ લિટર રૂપિયા ૫૫.૫૦ અને એવિએશન ટરબાઈન ફ્યુઅલ પર પ્રતિ લિટર ૪૨ એકસપોર્ટ ડયૂટી વસૂલવામાં આવે છે.

ક્રુડ ઓઈલ ઉપરાંત, ભારત એલએનજી તથા એલપીજી જેવા ઈંધણની પણ આયાત કરે છે.