Get The App

ભારતીય ઈક્વિટી એક માસ કરતા ઓછા સમયમાં બીજી વખત ડાઉનગ્રેડ

- ઇક્વિટી ન્યુટ્રલમાંથી ડાઉનગ્રેડ કરી તેને અન્ડરવેઈટ કરાઈ

- ક્રુડ તેલના ઊંચા ભાવથી કંપનીઓની અર્નિગ્સ વૃદ્ધિ સામે જોખમ

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
ભારતીય ઈક્વિટી એક માસ કરતા ઓછા સમયમાં બીજી વખત ડાઉનગ્રેડ 1 - image

મુંબઈ : ભારતીય ઈક્વિટીસને ન્યુટ્રલમાંથી ડાઉનગ્રેડ કરી એચએસબીસીએ તેને અન્ડરવેઈટ કરી છે. એક મહિના કરતા પણ ઓછા સમયગાળામાં ભારતીય ઈક્વિટીસને બીજી વખત ડાઉનગ્રેડ કરી છે. 

મધ્યપૂર્વના યુદ્ધને કારણે ઊર્જા ભાવમાં થઈ રહેલા વધારાથી ભારતીય કંપનીઓની અર્નિંગ્સ રિકવરી ટકી શકશે કે કેમ તે સામે શંકા હોવાનું ધ્યાનમાં રાખી આ ડાઉનગ્રેડ આવી પડયું છે.યુદ્ધ ફાટી નીકળ્યા બાદ ક્રુડ તેલના ભાવમાં ભારે ઉછાળો જોવાયો છે. હાલમાં ફરી પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી ગયો છે. ક્રુડ તેલના ઊંચા ભાવને પરિણામે ભારતમાં ફુગાવા તથા વિકાસ સામે જોખમ ઊભુ થયું છે. વિશ્વમાં ભારત ક્રુડ તેલનો ત્રીજો મોટો આયાતકાર દેશ છે.

હાલના સંજોગોમાં ઉત્તર પૂર્વ એશિયન હરિફોમાં ભારતીય ઈક્વિટીસ ઓછી આકર્ષિત જણાય છે. વર્તમાન વર્ષમાં બેન્ચમાર્ક સેન્સેકસ તથા નિફટી સાત ટકાથી વધુ ઘટી ગયા છે.

જૂન તથા સપ્ટેમ્બર ત્રિમાસિકમાં તેલ તથા ગેસની બજાર એકદમ તાણભરી રહેવાની એચએસબીસી અપેક્ષા રાખી રહી છે. આવી સ્થિતિમાં કંપનીઓના અર્નિંગ્સની અપેક્ષામાં ઘટાડો થઈ શકે છે. ક્રુડ તેલના ભાવમાં વીસ ટકા વધારો અર્નિંગ્સ વૃદ્ધિમાં ૧.૫૦ ટકાનો ફટકો પાડે છે.

યુદ્ધને કારણે ભારતીય ઈક્વિટીસમાં કરેકશન આવ્યું છે આમછતાં, અર્નિંગ્સમાં ઘટાડાથી આ ઈક્વિટીસ વધુ ખર્ચાળ જણાશે, એમ પણ બ્રોકરેજ પેઢીએ વધુમાં જણાવ્યું છે. 

રૂપિયામાં ઘસારા તથા એઆઈની ટેકનોલોજી ક્ષેત્ર પર અસરને જોતા વિદેશી રોકાણકારોમાં ભારતીય ઈક્વિટીસ બાબત ચિંતા પ્રવર્તી રહી છે.