Get The App

ભારતમાં ધનિકો મોંઘી કારના બુકિંગ ધડાધડ કરી રહ્યા છે કેન્સલ, જાણો શું છે કારણ

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
ભારતમાં ધનિકો મોંઘી કારના બુકિંગ ધડાધડ કરી રહ્યા છે કેન્સલ, જાણો શું છે કારણ 1 - image


India-UK Trade Deal : ભારત-બ્રિટન વચ્ચે વેપાર સમજૂતી કરારની જાહેરાત થયા બાદ મોંઘી કાર વેચતી કંપનીઓ ચિંતામાં મૂકાઈ ગઈ છે. બ્રિટનમાં રોલ્સ રોયસ, બેન્ટલી, એસ્ટન માર્ટિન, લોટસ, મેકલેરેન, ટાટા મોટર્સની લેન્ડ રોવર અને જગુઆર જેવી મોંઘી કારોનું ઉત્પાદન થાય છે. વાસ્તવમાં બંને દેશો વચ્ચે વેપાર સમજૂતીની મે મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં કારો પર 75થી 125 ટકા ટેક્સ લાગુ છે, ત્યારે કરાર બાદ કાર પર લાગતો ટેક્સ ઘટી જશે.

ધનિકોએ કાર ખરીદવાની યોજના અટકાવી

ભારત-બ્રિટન વચ્ચેના કરાર બાદ સ્વાભિવક છે કે, જો ટેક્સ ઘટશે તો કારની કિંમતમાં પણ ઘટાડો થશે. તેથી ભારતમાં ધનિકોએ કાર ખરીદવાની યોજના પર હાલ બ્રેક મારી દીધી છે. કેટલાક લોકોએ તો બુકિંગ પણ રદ કરી નાખ્યું છે. હવે કાર ખરીદવા માંગતા ધનિકો ટેક્સ ઘટાડાવની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : 3000 કરોડના ફ્રોડ મામલે દરોડા, અનિલ અંબાણીના કૌભાંડોનો કુલ આંકડો ચોંકાવનારો

ટેક્સ ક્યારે ઘટશે, તે અમે જાણતા નથી : ડીલર

મીડિયા રિપોર્ટ મુજબ ડીલરોનું માનવું છે કે, ‘અમારા માટે ખૂબ જ નિરાશાજનક સમય શરુ થઈ ગયો છે. અમે અનેક કંપનીઓને કારના ઑર્ડર આપી દીધા છે, ત્યારે ઘણા ગ્રાહકોએ બુકિંગ કેન્સલ કરી દેતાં અમારી ચિંતા વધી ગઈ છે. લક્ઝરી કાર કંપનીઓ પોતાની વેલ્યુ જાળવવા માટે ઓછી કારોનું ઉત્પાદન કરતાં હોય છે. હવે તેઓ ઉત્પાદન કરેલ કારો અન્ય દેશોમાં મોકલી રહ્યા છે. અમે જાણતા નથી કે, ટેક્સ ક્યારે ઘટશે. અમે એ પણ જાણતા નથી કે, ટેક્સ ધીમે ધીમે ઘટશે કે પછી એક સાથે... બુકિંગ કેન્સલ થવાના કારણે ડીલરોને નુકસાન થઈ રહ્યું છે. ભારતમાં ઇમ્પોર્ટ ડ્યુટી, લોકલ ટેક્સ અને રજિસ્ટ્રેશન ચાર્જના કારણે કારોની કિંમત બ્રિટન કરતાં ત્રણ ઘણી વધારે છે.’

મે મહિનામાં કરારની જાહેરાત કરાઈ

મે મહિનામાં બંને દેશો વચ્ચે કરારની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારબાદ અનેક ગ્રાહકોએ બુકિંગ કેન્સલ કરવાનું શરુ કરી દીધું હતું. જોકે ડીલરો ગ્રાહકોને સમજાવી રહ્યા હોવાથી ધડાધડ રદ થતું બુકિંગ ધીમું પડી ગયું છે. ડીલરે કહ્યું કે, ‘અમે ગ્રાહકોને સમજાવી રહ્યા છે કે, કરારને લાગુ થવામાં લગભગ એક વર્ષ સમય થતો હોવાના કારણે હાલ કાર ખરીદવાથી ફાયદો થઈ શકે છે. એટલે કે એક વર્ષ બાદ જ ટેક્સમાં ઘટાડો થશે. આ ઉપરાંત ટેક્સ સીધો 10 ટકા નહીં ઘટે, પરંતુ ધીમે ધીમે ઘટશે. દર વર્ષે ટેક્સ ઘટશે અને કારોની સંખ્યા પણ નક્કી કરાશે.’

ડીલરો એમ પણ કહી રહ્યા છે કે, ‘લક્ઝરી કારોની કિંમત દર વર્ષે પાંચ ટકા વધે છે. પાઉન્ડના મુકાબલે રૂપિયાની કિંમત પણ ઘટી રહી છે. તેથી જો કાર ખરીદનાર ટેક્સ ઘટાડવાની રાહત જોશે તો તેમને મોડી કાર અપાશે અને મોંઘી પણ હશે.’

આ પણ વાંચો : ભારતમાં ગૂગલે કરી છપ્પરફાડ કમાણી, લાખો લોકોને નોકરી મળી, આંકડા જાણી ચોંકી જશો

Tags :