3000 કરોડના ફ્રોડ મામલે દરોડા, અનિલ અંબાણીના કૌભાંડોનો કુલ આંકડો ચોંકાવનારો
Anil Ambani (RAAGA) Fraud: વિશ્વમાં એક સમયે સૌથી ધનિકોની યાદીમાં છઠ્ઠા ક્રમેથી આજે દેશના સૌથી મોટા નાદાર એવા અનિલ અંબાણીને ફરી પોતાનો ધંધો ઊભો કરવાના અભરખાં થયા છે. ફરી પાછું કંપનીના વિસ્તરણના નામે કરોડોનું ફંડ એકત્ર કરવાની વિવિધ યોજનાઓ બનાવી રહ્યા છે. પોતાની નાદાર કંપનીઓના કુલ રૂ. 1.11 લાખ કરોડના દેવા સામે બૅન્કોને રૂ. 96,454 કરોડનો ચૂનો લગાવનાર અનિલ અંબાણી હજી ગુલાંટ મારવાનું ભૂલ્યા નથી. અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશનમાં તો બૅન્કોને 99 ટકા રકમ માંડવાળ કરવી પડી હતી. હવે જે બે કંપનીઓ બચી છે તેમાં ફરી દેવા સામે ઓછી રકમમાં માંડવાળ કરવાનું અને વિવાદિત વ્યક્તિઓ પાસેથી પ્રેફરન્સ શેરમાં રોકાણ કરાવી પોતાની કંપનીના શેરના ભાવ ઊંચા લઇ જવાનું અનિલ અંબાણીએ શરૂ. ર્ક્યું છે.
વિસ્તરણ માટે ફંડિંગના નામે ફરી ફસાવવાનો કારસો
રિલાયન્સ ઇન્ફ્રા અને રિલાયન્સ પાવરના શેર છેલ્લા એક વર્ષથી સતત વધી રહ્યા છે. કંપનીઓ ઉપર દેવું નહી, વિસ્તરણ માટે નવા ભંડોળ ઊભા કરાશે તેવી જાહેરાત કરી ફરી નાના રોકાણકારોને ફસાવવા પ્રયત્નો ચાલુ જ છે. જેના પર સેબીએ પાંચ વર્ષ પ્રતિબંધ મૂક્યો છે તે અનિલ અંબાણીની આ હિલચાલ મુદ્દે મૌન હતી. અહીં ભૂલવું જોઈએ નહી કે 2008માં રિલાયન્સ પાવરના પબ્લિક ઈશ્યૂમાં રોકાણ કરનાર 42 લાખ રોકાણકારોને 16 વર્ષ પછી પણ રિટર્ન તો દૂર મૂડી પણ પાછી મળી નથી.
રૂ. 4539 કરોડ એકત્ર કરવાની ફિરાકમાં
રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રૂ. 3,014 કરોડ એ અને રિલાયન્સ પાવરમાં રૂ. 1,525 કરોડ મળી કુલ રૂ. 4539 કરોડ ઊભા કરવાની જાહેરાત કરી હતી. હાલમાં જ રિલાયન્સ પાવરનો ક્યુઆઈપી, અન્ય માધ્યમ મારફત રૂ. 6000નું ફંડ એકત્ર કરવાની જાહેરાત કરી હતી. વધુમાં રૂ. 3000 કરોડના એનસીડી ઈશ્યૂ કરવાની પણ યોજના છે. એક સમયે લંડન કોર્ટમાં પોતે પત્નીના ઘરેણાં વેચીને ગુજરાન ચલાવી રહ્યા હોવાની લેખિત રજૂઆત કરનાર અંબાણી આ કંપનીઓમાં રૂ. 1,708 કરોડનું પ્રમોટર તરીકે રોકાણ કરવાના છે. નાદારી જાહેર કરનાર અને ઘરેણાં વેચી ગુજરાન ચલાવનાર વ્યક્તિ પાસે આટલી રકમ ક્યાંથી આવી એ મોટો સવાલ છે. એટલે સ્વાભાવિક રીતે જ લાગી રહ્યું છે કે બૅન્કોની જંગી લોન સામે માત્ર થોડા રૂ. િયામાં તેનું વેચાણ કરનાર વ્યક્તિ પાસે હજી સંપત્તિ છે.
પાછલા બારણે તમામ વહીવટ પોતાના જ હાથમાં
મુંબઈના પાલી હિલ વિસ્તારમાં 17 માળના રૂ. 5,000 કરોડના વૈભવી બંગલામાં રહેતાં અનિલ અંબાણી ઉપર નાણાકીય ગેરરીતિ આચરવા બદલ સેબીએ પાંચ વર્ષ સુધી બજારમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. એટલું જ નહીં, અનિલ અંબાણીને રૂ. 25 કરોડ અને પુત્ર અનમોલને રૂ. 1 કરોડનો દંડ ફટકાર્યો હતો. તેમણે પોતાની કંપનીઓમાંથી રાજીનામા પણ આપી દીધા છે, પરંતુ પાછલે બારણે બધો જ વહીવટ પોતે કરતા હોવાનું જાણકારો પાસેથી જાણવા મળ્યું છે.
રોકાણકારો રાતા પાણીએ રોયા
જમીન પર એકપણ ઈંટ નહી મૂક્યા વગર અનિલ અંબાણીએ 2008માં રિલાયન્સ પાવરનો પબ્લિક ઈશ્યૂ કરેલો. તે સમયે રૂ. 11,560 કરોડ એકત્ર કરતી વખતે તેમણે દેશમાં 22 પાવર પ્લાન્ટ સ્થાપવાની જાહેરાત કરી હતી. આજે કંપની પાસે પાંચ પ્લાન્ટ છે. કંપનીના શેરનો ભાવ ઈશ્યૂ સમયે રૂ. 450 હતો જે છેલ્લા 16 વર્ષમાં ક્યારેય જોવા નથી મળ્યો. ઈશ્યૂ સમયે નાણા રોકનાર 42 લાખ શેરહોલ્ડર આજે પણ રાતા પાણીએ રોઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ અનિલ અંબાણીની 50 કંપની પર ED ત્રાટકી, 35 સ્થળે દરોડા, 3000 કરોડની લોન ફ્રોડનો મામલો
વિવાદિત કંપનીમાં વિવાદિત પ્રમોટરનું રોકાણ
આ કંપની હવે દેવા મુક્ત થઇ છે એવી જાહેરાત કરી ફરી રૂ. 1,525 કરોડનો પ્રેફરન્સ શેર ઈશ્યૂ લાવી રહ્યા હતા. સૌથી મહત્ત્વનું છે પ્રેફરન્સ શેરમાં ઓથમ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર નામની એક કંપની પણ રૂ. 720 કરોડનું રોકાણ કરવાની હતી. ઓથમના પ્રમોટરમાં સંજય ડાંગી અને અલ્પના ડાંગીનો સમાવેશ થાય છે. ડાંગી એક વિવાદિત વ્યક્તિ છે, તેમના પર 2013માં સેબીએ બજારના નિયમોનું ભંગ કરી શેરના ભાવમાં વધઘટ બદલ રૂ. 16 લાખનો દંડ કર્યો હતો. જોકે, એપેલેટ ટ્રિબ્યુનલમાં તે નિર્દોષ જાહેર થયા હતાં. ડાંગી સામે બીજા એક કૌભાંડની સંડોવણીનો આરોપ પણ છે. રૂ. 34,000 કરોડના દિવાન હાઉસિંગ કૌભાંડની સીબીઆઈ તપાસ કરી રહી હતી. ડાંગીની કંપનીએ રૂ. 25 કરોડના ઇલેક્ટોરલ બોન્ડની ખરીદી કરી હોવાનું પણ જાહેર થયું હતું. આમ, રિલાયન્સ પાવરમાં રોકાણકાર તરીકે હવે એક કૌભાંડીને બીજા વિવાદિત વ્યક્તિની મદદ મળી હતી. અહીં એ પણ નોંધવું જોઈએ કે અનિલ અંબાણીની રિલાયન્સ હોમ ફાઈનાન્સ અને તેની પેટા કંપની ડાંગીએ જ માર્ચ 2023માં ખરીદી હતી.
સેબીનો ખુલાસો, પણ ફંડ માટે મંજૂરી
આજે અનિલ અંબાણીની 50 કંપનીઓ અને 35 સ્થળો પર ઈડીએ દરોડા પાડ્યા છે. મની લોન્ડરિંગના કેસમાં સેબીએ જ સ્વીકાર કરતો રિપોર્ટ આપ્યો છે કે, અનિલ અંબાણીએ યસ બેન્ક પાસેથી રૂ. 3000 કરોડની લોનમાં ફ્રોડ કર્યું હતું. તેઓ કૌભાંડી છે. અગાઉ પણ સેબીની ફેબ્રુઆરી 2023 અને ઓગસ્ટ 2024ના તપાસમાં સ્પષ્ટ થયું છે કે અનિલ અંબાણીએ પ્રમોટર તરીકે રિલાયન્સ હોમ ફાઈનાન્સમાં રૂ. 8000 કરોડની નાણાકીય ગેરરીતિ કરી છે. પોતે જ પોતાની કંપનીઓ પાસેથી દલા તરવાડીની જેમ લોન લીધે રાખી છે અને પછી તેને ભરપાઈ કરવામાં હાથ ઊંચા કરી દીધા છે. આમ છતાં તેની સામે એક પણ ક્રિમિનલ કેસ નોંધાયો નથી. તેમાં ગતવર્ષે વિસ્તરણના નામે હજાર કરોડોનું ફંડ એકત્ર કરવાની યોજનાઓને સેબીએ મંજૂરી પણ આપી હતી.
તપાસ એજન્સી અનિલ અંબાણીનો વાળ પણ વાંકો નહોતી કરી શકી
હવાલામાં માટે રાતોરાત વિપક્ષ ઉપર દરોડા પાડતી ઇડીએ કે સીબીઆઈએ પણ કોઈ તપાસ હાથ ધરી ન હતી. વિજય માલ્યા કે નિરવ મોદીની જેમ તેમને દેશ છોડીને ભાગી જવાની પણ જરૂર પણ નથી પડી. તેઓ દરેક વખતે સામે ચાલી નાદારી નોંધાવે છે, ટ્રિબ્યુનલ અને કોર્ટમાં કેસ ચાલે છે અને કરોડોની લોન સામે ફદિયામાં માંડવાળ કરવામાં આવે છે. પ્રજા પાસે બેલેન્સ, જમા નાણાના મેસેજ અને એટીએમમાંથી રોકડમાં ઉપાડના તોતિંગ ચાર્જ વસૂલતી બૅન્કો પણ અનિલ અંબાણીનો વાળ વાંકો નથી કરી શકતી.
અનિલ અંબાણીએ બૅન્કોને રૂ. 96,454 કરોડનો ચૂનો લગાવ્યો
ફ્રેન્ચ રાષ્ટ્રપતિની ગર્લફ્રેન્ડ સાથે ફિલ્મ બનાવી રાફેલનો કોન્ટ્રાકટ મેળવ્યો
2015માં ભારત સરકાર ફ્રાન્સના યુદ્ધ વિમાનો રાફેલ ખરીદવા માટે કરાર કરી રહી હતી ત્યારે અનિલ અંબાણી પેરિસમાં હતા. તેમને રાફેલ સાથે ભારતમાં ભાગીદારી કરવાની પરવાનગી મળેલી. જાણકારો કહે છે કે 14 કરોડ યુરોની ભાગીદારીમાં અનિલ અંબાણીએ ફ્રેન્ચ ભાષામાં નંબર વન નામની ફિલ્મનું નિર્માણ કરવા ભાગીદારી કરેલી. આ ફિલ્મ ફ્રાન્સની અભિનેત્રી અને ફિલ્મ પ્રોડ્યુસર જુલી ગાયે સાથે બનવાની હતી. અહી નોંધવું જોઈએ કે જુલી ગાયે ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાન્સીસ ઓલાંડેના એ સમય ગર્લફ્રેન્ડ હતા અને હવે પત્ની છે. આ ફિલ્મ નિર્માણ એક બહાનું હતું બાકી અનિલ અંબાણીએ ગર્લફ્રેન્ડને ગિફ્ટ આપી કોન્ટ્રાકટ મેળવ્યો હોવાનું કહેવાય છે.
રિલાયન્સ હોમ ફાઈનાન્સનું 8000 કરોડનું કૌભાંડ
એક જ દિવસમાં લોનની અરજી મંજૂર, તરત જ લોનના પૈસા ટ્રાન્સફર, પોતે જ લોન આપનાર અને પોતે જ લોન લેનાર... આવું કૃત્ય નાણાની હેરાફેરીમાં મહારત ધરાવતા અનિલ અંબાણીએ કર્યું છે. રિલાયન્સ હોમ ફાઈનાન્સમાં અનિલ અંબાણીએ સરકાર, રિઝર્વ બેન્ક, નેશનલ હાઉસિંગ બેન્ક અને શેરહોલ્ડરની આંખોમાં ધૂળ નાખી નાણાકીય ઉચાપત કરી છે. સેબીના ઓર્ડર અનુસાર આમ તો રિલાયન્સ હોમ ફાઈનાન્સનો ધંધો મકાન ખરીદવા માટે કે મકાન સામે લોન આપવાનો હતો પણ કંપનીએ કુલ રૂ. 7,822.90 કરોડની એવી જનરલ કોર્પોરેટ લોન આપી હતી. આવી લોન 41 કંપનીઓને આપવામાં આવી હતી, જેના રજિસ્ટર્ડ એડ્રેસ સરખા હતા. આ બધી કંપનીઓની માલિકી અનિલ અંબાણીની હોવાનું પણ સેબીએ પોતાના ઓર્ડરમાં નોંધ્યું છે.