ભારત ચીપ્સની નિકાસના મુદ્દાને ટ્રમ્પ વહીવટીતંત્ર સમક્ષ તાત્કાલિક ઉપાડશે

મુંબઈ : અમેરિકાના વિદાય લઈ ગયેલા પ્રમુખ જો બાઈડન દ્વારા આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) ચીપ્સ અને ટેકનોલોજીની નિકાસ પર વધુ પ્રતિબંધો લાગુ કરવાની દરખાસ્ત સંદર્ભમાં ભારત નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ રજૂઆત કરશે.
ગ્રાફિકસ પ્રોસેસિંગ યુનિટસ (જીપીયુએસ) સહિતના કેટલાક લાગુ કરાયેલા અંકૂશોને લઈને ચિંતાઓ છતાં ૨૦૨૭ સુધીના એઆઈ વિસ્તરણ કાર્યક્રમને ટૂંકા ગાળે કોઈ અસર નહીં પડે તેવો મત વ્યકત કરવામાં આવી રહ્યો છે.
બાઈડન વહીવટીતંત્રએ દરખાસ્ત મારફત જે મર્યાદા મૂકી છે તે મર્યાદા હેઠળ ભારત તેની બે વર્ષ સુધીની ચીપ્સની આવશ્યકતાને કદાચ પહોંચી વળી શકશે, આમ છતાં ટ્રમ્પના વહીવટીતંત્રમાં આ બાબતની આકારણી કરવાની રહેશે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
ચીપ્સ અને અન્ય ટેકનોલોજીની નિકાસ પર બાઈડન દ્વારા સૂચિત પ્રતિબંધોની ટૂંકા ગાળે અસર નહીં થાય પરંતુ લાંબે ગાળે તેની પ્રતિકૂળ અસર જોવા મળી શકે છે, આ હકીકતને ધ્યાનમાં રાખી ભારત સરકાર આ મુદ્દો ટ્રમ્પના વહીવટીતંત્ર સમક્ષ ઊભો કરવા વિચારી રહી છે.દેશની ટેક કંપનીઓ સાથે ભારત સરકારે આ મુદ્દે સલાહમસલત શરૂ કરી દીધી છે અને આપણા પોતાના જીપીયુ વિકસાવવાની શકયતા તપાસાઈ રહી છે.
અમેરિકાની એઆઈ ડીફ્યુસન પોલિસી અને નિકાસ નિયંત્રણ હેઠળ વિશ્વને ત્રણ શ્રેણીમાં વહેંચી દેવાયું છે. જેમાં યુકે, ફ્રાન્સ સહિતના કેટલાક દેશો જેઓ અમર્યાદિત ચીપ્સ મેળવી શકશે તેવી શ્રેણીમાં છે. તો ચીન, રશિયા જેવા કેટલાક ચીપ્સ નહીં મેળવી શકે તેવી શ્રેણીમાં છે જ્યારે ભારત સહિતના ૧૪૦ દેશોને મર્યાદિત પૂરવઠાની શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે.
આધુનિક એઆઈ ચીપ્સના મર્યાદિત પૂરવઠાને કારણે ભારતમાં નવી શોધ મર્યાદિત બની જશે એટલું જ નહીં લાઈસન્સની આવશ્યકતાને કારણે ખર્ચમાં વધારો થશે અને કામકાજમાં ઢીલ થશે એમ પણ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.




