LPG, પેટ્રોલથી લઈને આધાર-પાસપોર્ટ સુધીના 10 મોટા નિયમો બદલાયા: તમારા ખિસ્સાં પર થશે સીધી અસર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

July 1 financial rule changes: જુલાઈ મહિનાની પહેલી તારીખથી જ દેશમાં ઘણા મોટા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર પડી શકે છે. આ ફેરફારોમાં LPG સિલિન્ડર, પેટ્રોલ-ડીઝલના ભાવ, રેલવેના નિયમો અને ક્રેડિટ કાર્ડ જેવી મહત્ત્વની બાબતો સામેલ છે. જોકે, આ દરમિયાન કેટલાક મોરચે રાહત મળવાની પણ આશા છે. ચાલો જાણીએ આ 10 મોટા ફેરફારો વિશે:
LPG કનેક્શન અને KYCના નિયમો કડક
કેન્દ્ર સરકારે LPG અને PNG બંને કનેક્શન ધરાવતા ગ્રાહકોને પોતાનું એલપીજી કનેક્શન સરેન્ડર કરવા માટે 90 દિવસની ડેડલાઈન આપી હતી. આ ડેડલાઈન 30 જૂને પૂરી થઈ રહી છે, જેનો અર્થ છે કે 1 જુલાઈથી આવા ગ્રાહકો નવું સિલિન્ડર બુક કરાવી શકશે નહીં. આ ઉપરાંત, જેમણે હજુ સુધી પોતાનું કેવાયસી (KYC) પૂરું નથી કરાવ્યું, તેમને પણ ગેસ મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. જોકે, સરકાર બુકિંગના સમયમાં થોડી ઢીલ આપી શકે છે.
રાંધણ ગેસના ભાવમાં ઘટાડાની આશા
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ઊર્જા સંકટ ઊભું થયું હતું, જેના લીધે કોમર્શિયલ અને રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ વધ્યા હતા. પરંતુ હવે જ્યારે યુદ્ધ અટકી ગયું છે અને હોર્મુઝ થઈને ક્રૂડ ઓઇલ ભારત આવી રહ્યું છે, ત્યારે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે કેન્દ્ર સરકાર 1 જુલાઈથી એલપીજીના ભાવમાં થોડી કાપ મૂકીને જનતાને મોટી રાહત આપી શકે છે.
આધાર એપ દ્વારા ફ્રીમાં અપડેટ થશે ઈમેલ આઈડી
આધાર કાર્ડ જાહેર કરતી સંસ્થા UIDAI દ્વારા ગ્રાહકો માટે એક ખાસ સુવિધા શરૂ કરવામાં આવી છે. આ નવા નિયમ હેઠળ, જો તમે તમારા આધાર કાર્ડમાં પોતાનું ઈમેલ આઈડી (Email ID) અપડેટ કરવા માંગો છો, તો 1 જુલાઈથી આધાર એપ દ્વારા આ કામ બિલકુલ ફ્રીમાં કરી શકશો. અગાઉ આ અપડેટ માટે 75 રૂપિયાની ફી ચૂકવવી પડતી હતી.
વગર ટિકિટે મુસાફરી કરનારાઓ માટે રેલવેના નિયમો કડક
ભારતીય રેલવેમાં મુસાફરી કરનારા મુસાફરો માટે 1 જુલાઈ, 2026થી નિયમો વધુ કડક થવા જઈ રહ્યા છે. કેન્દ્ર સરકારના એક ખાસ પ્રસ્તાવને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે અને તેને ટૂંક સમયમાં જ લાગુ કરવામાં આવશે. મીડિયા અહેવાલો અનુસાર, ટિકિટ વગર મુસાફરી કરતા લોકો માટે દંડની રકમમાં મોટો વધારો કરવાની તૈયારી છે. આ સિવાય રેલવે પરિસરમાં વ્યવસ્થા જાળવી રાખવા માટે પણ કડક ગાઈડલાઈન જાહેર કરાશે.
ITR ફાઇલ કરવાની ડેડલાઈન નજીક
ITR-1 અને ITR-2 ફોર્મ ભરતા કરદાતાઓ માટે નાણાકીય વર્ષ 2025-26નું ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2026 નક્કી કરવામાં આવી છે. જો તમે આ સમયમર્યાદામાં આઈટીઆર ફાઈલ નહીં કરો, તો તમારે મોટો દંડ ભરવો પડી શકે છે અને નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરવા પર પણ પ્રતિબંધ આવી શકે છે.
હવે પાસપોર્ટ કઢાવવો બનશે મોંઘો
જો તમે નવો પાસપોર્ટ બનાવવાનું વિચારી રહ્યા છો, તો તમારા ખિસ્સા પર વધુ ભાર પડવાનો છે. વિદેશ મંત્રાલયે 1 જુલાઈ, 2026થી નોર્મલ અને તત્કાલ બંને પ્રકારના પાસપોર્ટ માટેની સર્વિસ ફીમાં વધારો કરી દીધો છે. આથી હવે પાસપોર્ટ અરજી કરતી વખતે ગ્રાહકોએ પહેલા કરતાં વધુ રકમ ચૂકવવી પડશે.
ક્રેડિટ કાર્ડના લાઉન્જ એક્સેસ અને રિવોર્ડ પોઈન્ટ્સમાં ફેરફાર
SBI Card: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના પસંદગીના PhonePe SBI ક્રેડિટ કાર્ડ પર મળતા રિવોર્ડ પોઈન્ટ્સના નિયમો બદલ્યા છે. હવે રિવોર્ડ પોઈન્ટ્સ કમાવવાની નવી મર્યાદા નક્કી કરવામાં આવી છે અને કેટલાક ટ્રાન્ઝેક્શન પર પોઈન્ટ્સ આપવાનું બંધ કરાયું છે.
HDFC Card: 1 જુલાઈ, 2026થી એચડીએફસી ક્રેડિટ કાર્ડ ધારકો દરેક કેલેન્ડર ક્વાર્ટરમાં 3 વખત મફત ડોમેસ્ટિક એરપોર્ટ લાઉન્જ એક્સેસનો લાભ લઈ શકશે, પરંતુ તેના માટે તેમણે અગાઉના ક્વાર્ટરમાં ઓછામાં ઓછા 60,000 રૂપિયાનો ખર્ચ કરેલો હોવો જરૂરી છે.
નવી કાર ખરીદવી થશે મોંઘી, કંપનીઓ વધારશે ભાવ
1 જુલાઈથી નવી ગાડી ખરીદવાનું મોંઘું થઈ જશે. અગ્રણી ઓટોમોબાઈલ કંપનીઓ પોતાના વાહનોના ભાવ વધારવા જઈ રહી છે.
પેટ્રોલ-ડીઝલની ખરીદી પરથી તમામ અસ્થાયી પ્રતિબંધો હટ્યા
દેશમાં 1 જુલાઈથી પેટ્રોલ અને ડીઝલની ખરીદીને લઈને એક મોટો અને રાહત આપનારો નિર્ણય લેવાયો છે. કેન્દ્ર સરકારે મોટા વ્યાવસાયિક ગ્રાહકો (Commercial Buyers) પર રિટેલ પંપો પરથી ઇંધણ ખરીદવા માટે લગાવેલા તમામ અસ્થાયી પ્રતિબંધો હટાવી દીધા છે. હવે ટ્રાન્સપોર્ટ કંપનીઓ, ફેક્ટરીઓ અને ઉદ્યોગો પોતાની જરૂરિયાત મુજબ ગમે તેટલું ઓઇલ સરળતાથી ખરીદી શકશે.
દિલ્હીમાં લાગુ થશે નવી ઈવી પોલિસી
દેશની રાજધાની દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે નવી 'દિલ્હી ઈવી પોલિસી'ને મંજૂરી મળી ગઈ છે, જે 1 જુલાઈથી લાગુ થવા જઈ રહી છે. આ નવી પોલિસી હેઠળ દિલ્હી સરકાર આગામી 4 વર્ષમાં ઇલેક્ટ્રિક વ્હીકલ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ આશરે 15,000 કરોડ રૂપિયાનો મોટો ખર્ચ કરવાનું આયોજન કરી રહી છે.









