Get The App

વૈશ્વિક સંકટ વચ્ચે ભારતીય અર્થતંત્રમાં તેજીના સંકેત, વર્લ્ડ બૅંકે GDP ગ્રોથનો અંદાજ વધાર્યો

Updated: Apr 8th, 2026

GS TEAM

Google News
Google News
વૈશ્વિક સંકટ વચ્ચે ભારતીય અર્થતંત્રમાં તેજીના સંકેત, વર્લ્ડ બૅંકે GDP ગ્રોથનો અંદાજ વધાર્યો 1 - image


India GDP Growth Rate: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક અસ્થિરતાની વચ્ચે વર્લ્ડ બૅંકે ભારતના GDP( ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ) ગ્રોથનો અંદાજ વધારી દીધો છે. જેને જોતા કહી શકાય કે ભારત, દક્ષિણ એશિયાના અર્થતંત્રના એક મજબૂત સ્તંભ તરીકે અડીખમ ઊભું રહેશે. વર્લ્ડ બૅંકે નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના ગ્રોથ ફોરકાસ્ટને 6.3 ટકાથી વધારીને 6.6 ટકા કરી દીધો છે.

ભારત બનશે દક્ષિણ એશિયાના વિકાસનું મુખ્ય એન્જિન

વર્લ્ડ બૅંકે બુધવારે 'સાઉથ એશિયા ઈકોનોમિક અપડેટ' જાહેર કર્યું હતું. આ અપડેટમાં જ ભારતીય અર્થતંત્રને લઈને અંદાજમાં વધારો કરવામાં આવ્યો છે. વિશ્વ બૅંકનું અનુમાન છે કે ભારત દક્ષિણ એશિયામાં વિકાસનું મુખ્ય એન્જિન બની રહેશે. નાણાકીય વર્ષ 2026-27 માટે ભારતના GDP( ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)વૃદ્ધિ દરના અંદાજને જે અગાઉ 6.3% હતો, તેને હવે સુધારીને 6.6% કરવામાં આવ્યો છે. આ વૃદ્ધિ ભારતની આર્થિક મજબૂતી અને વિકાસની સંભાવનાઓને દર્શાવે છે, જે દેશના ભવિષ્ય માટે સકારાત્મક સંકેત છે.

દક્ષિણ એશિયાના ગ્રોથ રેટમાં ઘટાડો

બીજી તરફ, બૅંકે જણાવ્યું હતું કે દક્ષિણ એશિયાનો કુલ ગ્રોથ 2025ના 7.0%થી ઘટીને 2026માં 6.3% થવાની શક્યતા છે. જેનું મુખ્ય કારણ મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ અને વૈશ્વિક ઊર્જા બજારોમાં આવેલી અડચણો છે. જો કે, 8 એપ્રિલના રોજ ઈરાન અને ઈઝરાયલ-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયો છે. વિશ્વ બૅંક મુજબ 2027માં ગ્રોથ ફરી વધીને 6.9% થવાની આશા છે, જેનાથી દક્ષિણ એશિયાના ઉભરતા બજારો અને વિકાસશીલ અર્થતંત્રોમાં સૌથી ઝડપથી વિકસતું ક્ષેત્ર બની રહેશે.

આ પણ વાંચો: ઈરાનની સૌથી મોટી તૈયારી: હોર્મુઝથી પસાર થનારા જહાજો પાસેથી વસૂલશે ટોલ? રિપોર્ટમાં કરાયો દાવો

વર્લ્ડ બૅંકે આપી ચેતવણી

વર્લ્ડ બૅંકે ચેતવણી આપતાં જણાવ્યું છે કે ભવિષ્ય 'અત્યંત અનિશ્ચિત' છે. તેનું કારણ આ ક્ષેત્રની આયાતી ઊર્જા પરની ભારે નિર્ભરતા અને ભૌગોલિક-રાજકીય અસરો પ્રત્યેની તેની સંવેદનશીલતા છે. ઊર્જા બજારોમાં વધુ ઉથલપાથલ થવાથી મોંઘવારી વધી શકે છે, નાણાકીય નીતિઓ વધુ કડક બની શકે છે અને રેમિટન્સ(વિદેશથી આવતા પૈસા)ના પ્રવાહમાં પણ ઘટાડો થઈ શકે છે.