Get The App

નાના ઉદ્યોગો દ્વારા લોનની માંગમાં વધારો

- વર્કિંગ કેપિટલની જરૂરિયાતને પહોંચી વળવા ઉદ્યોગોની બેન્કો તરફ નજર

- ટેરિફ બાદ હવે યુદ્ધના કારણે ઉદ્યોગો પર પ્રતિકૂળ અસર

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
નાના ઉદ્યોગો દ્વારા લોનની માંગમાં વધારો 1 - image

મુંબઈ : યુદ્ધને કારણે ઊભી થયેલી લિક્વિડિટીની ખેંચને પરિણામે દેશના માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (એમએસએમઈ) દ્વારા વર્કિંગ કેપિટલ માટે લોનની માગમાં વધારો થયાનું બેન્કરો જોઈ રહ્યા છે. 

યુદ્ધને એક મહિના કરતા પણ વધુ સમય પસાર થઈ ગયો છે અને નાના ઉદ્યોગોને વેચાયેલા માલ પેટે પેમેન્ટસ ઢીલમાં પડતા તેમણે ચૂકવવાના રહેતા નિશ્ચિત ડયૂસ તથા ખર્ચની જવાબદારી અદા કરવા લોન લેવાની ફરજ પડી રહી છે. 

હાલમાં ચાલી રહેલા યુદ્ધને પરિણામે આ ક્ષેત્ર પર સૌથી ગંભીર અસર જોવા મળી રહી છે. માર્ચ ત્રિમાસિકમાં ભંડોળની અછત ખાસ જોવા મળી નહોતી પરંતુ હવે યુદ્ધ લંબાઈ ગયું છે અને નજીકના ભવિષ્યમાં તે શાંત પડવાના ચિહ્નો નજરે પડતા નથી ત્યારે વર્તમાન ત્રિમાસિક ગાળામાં એમએસએમઈ તરફથી વર્કિંગ કેપિટલ માટે લોનની માગ વધવાની શકયતા નકારાતી નથી એમ એક બેન્કરે જણાવ્યું હતું.

આ અગાઉ અમેરિકાના ઊંચા ટેરિફનો પણ નાના ઉદ્યોગોને મોટો માર પડયો છે ત્યારે યુદ્ધથી તેમની સ્થિતિ વધુ કફોડી બની ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે. 

દેશના અનેક નાના મોટા ઉદ્યોગો જેમ કે સિરામિક ટાઈલ્સ, ગ્લાસ ઉદ્યોગ, ચોખાના નિકાસકારો સહિતના ક્ષેત્રો જે પશ્ચિમ એશિયામાં વેપાર હાજરી ધરાવે છે તેમને મોટી અસર પડી છે. 

કાચા માલના ભાવમાં વધારાને કારણે પણ નાના ઉદ્યોગોના માર્જિન પર અસર પડી છે. નાના ઉદ્યોગો પર યુદ્ધની અસરને ધ્યાનમાં રાખી સરકારે તેમને લોન પર મોરેટોરિઅમ જાહેર કરવા બાબતે વિચારવું રહ્યું એમ અન્ય એક બેન્કરે ભારપૂર્વક જણાવ્યું હતું. 

હાલના સંજોગોને જોતા બેન્કરો પણ નાના ઉદ્યોગોને જલદીથી લોન છૂટી કરતા ખચકાઈ રહ્યા છે. બેંકરોના મતે, કાચા માલ, નૂર અને શિપિંગ જેવા વધતા ઇનપુટ ખર્ચ એક પડકાર બની શકે છે. ડીઝલના ભાવમાં વધારો થવાથી સ્થાનિક પરિવહન ખર્ચમાં વધારો થઈ શકે છે. પેકેજિંગ સામગ્રીના ખર્ચમાં પહેલાથી જ વધારો થઈ ગયો છે, અને પ્લાસ્ટિક અને રસાયણો જેવા ક્રૂડ ઓઇલ-સઘન ઉદ્યોગોમાં ખર્ચનું દબાણ સ્પષ્ટપણે દેખાય છે. આના પરિણામે કાર્યકારી મૂડીની જરૂરિયાતોમાં વધારો થઈ શકે છે.