એપ્રિલથી જુલાઈ દરમ્યાન જેમ્સ અને જ્વેલરીની નિકાસમાં થયેલો વધારો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ભારતના કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની વિદેશમાં માંગ ઘટી: લેબગ્રોનમાં આકર્ષણ
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષના પ્રથમ ચાર મહિનામાં દેશમાંથી જેમ અને જ્વેલરીની નિકાસ ડોલરની દ્રષ્ટિએ ૨.૪૦ ટકા વધી ૯.૧૭ અબજ ડોલર રહી છે. ઊંચા મૂલ્ય વર્ધિત જ્વેલરી સેગમેન્ટની માગમાં વધારો થયો છે જ્યારે કટ તથા પોલિશ્ડ ડાયમન્ડસની નિકાસ દબાણ હેઠળ જળવાઈ રહી હોવાનું જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઈપીસી) દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું.
રૂપિયાની દ્રષ્ટિએ એપ્રિલથી જુલાઈના ગાળામાં જેમ અને જ્વેલરીની નિકાસ ૧૩.૬૦ ટકા વધી રૂપિયા ૮૭,૦૭૮ કરોડ રહી હોવાનું પણ કાઉન્સિલે જણાવ્યું હતું.
હીરાજડિત ગોલ્ડ જ્વેલરીની નિકાસ ૨૧ ટકા વધી ૨.૨૪ અબજ ડોલર રહી હતી જે ગયા નાણાં વર્ષના પ્રથમ ચાર મહિનામાં ૧.૮૫ અબજ ડોલર જોવા મળી હતી. સિલ્વર જ્વેલરીની નિકાસ ૭૨ ટકા વધી ૫૦.૮૧ કરોડ ડોલર રહી છે.
પ્લેટિનમ જ્વેલરી નિકાસ ૧૭.૨૦ ટકા વધી ૭.૭૮ કરોડ ડોલર જ્યારે પોલિશ્ડ લેબ ગ્રોન ડાયમન્ડની નિકાસ ૭.૪૦ ટકા વધી ૪૦.૮૫ કરોડ ડોલર રહી હોવાનું પણ જણાવાયું હતું. મૂલ્ય વર્ધિત જ્વેલરીની નિકાસમાં વધારો નોંધનિય છે કારણ કે માત્ર સોનાની જ્વેેલરીની નિકાસમાં ૮.૫૦ ટકા ઘટાડો થઈને ૧.૮૦ અબજ ડોલર રહી હતી.
પ્લેન ગોલ્ડ જ્વેલરી તથા સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીની મળીને એકંદર નિકાસ ૫.૮૫ ટકા વધી ૪.૦૩ અબજ ડોલર રહી હતી. ભારતની જ્વેલરી માટે યુકે, અમેરિકા, સિંગાપુર તથા હોંગકોંગ ખાતેથી નોંધપાત્ર માગ રહે છે.
બીજી બાજુ ડાયમન્ડનો નિકાસ વેપાર દબાણ હેઠળ રહ્યો છે. એપ્રિલથી જુલાઈના ગાળામાં કટ અને પોલિશ્ડ ડાયમન્ડની નિકાસ ૮ ટકા ઘટી ૩.૬૦ અબજ ડોલર રહી છે જે ગયા નાણાં વર્ષના સમાન ગાળામાં ૩.૯૧ અબજ ડોલર રહી હતી. રંગીન રત્નોની નિકાસ પણ ૧૩ ટકા ઘટી ૧૦.૩૫ કરોડ ડોલર રહી હોવાનું કાઉન્સિલે જણાવ્યું હતું.
પડકારરૂપ વૈશ્વિક વાતાવરણ વચ્ચે પણ ભારતની જેમ અને જ્વેલરીની નિકાસ પ્રોત્સાહક રહી છે એમ કાઉન્સિલના ચેરમેન કિરિટ ભણશાળીએ જણાવ્યું હતું.
માત્ર જુલાઈમાં કટ તથા પોલિશ્ડ ડાયમન્ડની નિકાસ ૧૮.૨૦ ટકા ઘટી ૮૭.૬૩ કરોડ ડોલર રહી હતી. સોનાના નીચા ભાવને કારણે એપ્રિલથી જુલાઈના ગાળામાં નિકાસમાં વધારો જોવા મળ્યો હોવાનું બજારના વર્તુળોએ જણાવ્યું હતું.









