Business

સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર, સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા

By GS Team
22 Sep 20262 mins read
TukuTouch Logo
ભારત માટે મોટા રાહતના સમાચાર છે, જ્યાં ONGC ને ઓડિશાના દરિયાકાંઠેથી 43 કિલોમીટર દૂર મહાનદી બેસિનમાં કુદરતી ગેસનો વિશાળ ભંડાર મળ્યો છે. 18 સપ્ટેમ્બરે 'MDW 28' કૂવામાં આ શોધ થઈ, જ્યાંથી છેલ્લા 3 દિવસથી ગેસ નીકળી રહ્યો છે. આ શોધથી ભારતનું વિદેશી તેલ અને ગેસ આયાત બિલ ઘટશે, જે આર્થિક રીતે અત્યંત મહત્વપૂર્ણ છે. આ 'સમુદ્ર મંથન' અભિયાનની પ્રથમ મોટી સફળતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સંકટની ઘડીમાં ભારતને સમુદ્રમાં મળ્યો કુદરતી ગેસ ભંડાર,  સમુદ્ર મંથન અભિયાન વખતે સફળતા

Gas Discovery in odisha : મધ્યપૂર્વના દેશોમાં જ્યારે ભયાનક સ્તરે યુદ્ધ પહોંચતા એક પછી એક દેશોમાં ઓઈલ અને ઊર્જાની અછત વર્તાતી જઈ રહી છે ત્યારે ભારતને મોટી રાહત આપે તેવી એક શોધ થઇ છે. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન (ONGC) ને ભારત માટે એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને મોટી સફળતા મળી છે. ઓડિશાના દરિયાકાંઠાથી આશરે 43 કિલોમીટર દૂર મહાનદી બેસિનમાં ઊંડા સમુદ્રમાં કુદરતી ગેસનો નવો ભંડાર શોધી કાઢવામાં આવ્યો છે. 18 સપ્ટેમ્બરના રોજ 'MDW 28' નામના કૂવામાં આ શોધ થઈ હતી, જ્યાંથી છેલ્લા ત્રણ દિવસથી સતત સારા દબાણ અને ઝડપ સાથે ગેસ નીકળી રહ્યો છે.

આયાત બિલમાં ઘટાડો થવાની આશા

ભારત માટે આ શોધ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની માનવામાં આવે છે, કારણ કે આનાથી દેશના વિદેશી તેલ અને ગેસ આયાત બિલમાં મોટો ઘટાડો થઈ શકે છે. જોકે, આ કૂવામાં કુલ કેટલો ગેસ છે અને તેનું વ્યાવસાયિક ઉત્પાદન કેટલું ફાયદાકારક રહેશે તે અંગેની વધુ માહિતી અને આંકડા તપાસ બાદ જાહેર કરવામાં આવશે.

‘સમુદ્ર મંથન’ અભિયાન હેઠળ પ્રથમ સફળતા

આ કૂવાનું ખોદકામ 25 જુલાઈના રોજ શરૂ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારે જુલાઈમાં 84084 કરોડ રૂપિયાના બજેટ સાથે 2030-31 સુધી ચાલનારા ‘સમુદ્ર મંથન’ અભિયાનને મંજૂરી આપી હતી. આ અભિયાનનો મુખ્ય હેતુ દેશના અણછૂયેલા ઊંડા સમુદ્રી વિસ્તારોમાંથી હાઇડ્રોકાર્બન શોધવાનો છે. આ કૂવો (MDW 28) મહાનદી બેસિનમાં ખોદવામાં આવનારા ચાર મુખ્ય કૂવાઓમાંથી પ્રથમ છે.

કેન્દ્રીય મંત્રીએ ગણાવી મોટી સિદ્ધિ

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ આ શોધને ભારત નિર્ભરતા તરફનું એક મોટું કદમ ગણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે અગાઉ 2024 માં આ જ વિસ્તારમાં થયેલી 'ઉત્કલ' અને 'કોણાર્ક' ગેસની શોધો સાથે મળીને હવે એકીકૃત સુવિધાઓ દ્વારા ગેસનું ઉત્પાદન ઝડપી અને ઓછા ખર્ચે શક્ય બનશે.