Business

સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે

By GS Team
15 May 20262 mins read
સોના પર ડયુટી વધતા FTA થકી દુબઈથી આયાતમાં વધારો થશે

અમદાવાદ : સોના અને ચાંદી પર આયાત ડયુટી વધતાં થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનીશીયેટીવ (GTRI) માને છે કે આયાત ડયુટીમાં આ નોંધપાત્ર વધારો મુક્ત વેપાર કરાર (એફટીએ) દ્વારા દુબઈથી આયાતમાં વધારો કરી શકે છે. ડયુટીમાં આ વધારાથી ભારત-યુએઈ કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ હેઠળ યુએઈ દ્વારા કિંમતી ધાતુઓની આયાત માટેના આર્થિક સમીકરણોમાં પણ ધરખમ ફેરફાર થયો છે.

ભારતે ટેરિફ રેટ ક્વોટા સિસ્ટમ દ્વારા દુબઈથી સોનાની આયાતને મંજૂરી આપી હતી. આ ટેરિફ સામાન્ય મોસ્ટ-ફેવર્ડ-નેશન દર કરતા એક ટકા ઓછો હતો. ૨૦૨૨ માં આ ક્વોટા વાર્ષિક ૧૨૦ ટનથી શરૂ થયો હતો. ૨૦૨૭ સુધીમાં તે વધારીને ૨૦૦ ટન કરવાનું આયોજન છે. જે ભારતની વાર્ષિક સોનાની આયાતનો લગભગ એક ચતુર્થાંશ હિસ્સો દર્શાવે છે.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ એ જણાવ્યું હતું કે, 'નવા મોસ્ટ-ફેવર્ડ-નેશન ટેરિફ ફ્રેમવર્ક હેઠળ અસરકારક ડયુટી ૧૫ ટકા હોવાથી, યુએઈ ક્વોટા હેઠળ આયાત કરાયેલ સોનું ૧૪ ટકા ડયુટી પર ભારતમાં પ્રવેશ કરશે. આ વધતો જતો ટેરિફ તફાવત દુબઈ દ્વારા વૈશ્વિક બુલિયન આયાતને વેગ આપી શકે છે, ભલે યુએઈ પોતે સોના કે ચાંદીની ખાણકામ કરતો દેશ નથી.

કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ હેઠળ, ભારતે મે ૨૦૨૨થી શરૂ થતા ૧૦ વર્ષના સમયગાળા દરમિયાન ચાંદી પરની આયાત ડયુટી ધીમે ધીમે ૧૦%થી ઘટાડીને શૂન્ય કરવા પણ સંમતિ આપી હતી. યુએઈથી ચાંદીની આયાત પર કન્સેશનલ ટેરિફ દર હાલમાં ૭% છે.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવ એ હવે ભારતે સામાન્ય ટેરિફ ૧૫% સુધી વધારી દીધો છે, તેથી ડયુટી ડિફરન્શિયલ ૮% સુધી વધી ગયો છે. આનાથી દુબઈ દ્વારા આયાત માટે એક મહત્વપૂર્ણ આર્બિટ્રેજ તક ઊભી થઈ છે. ૨૦૩૧ સુધીમાં કોમ્પ્રીહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ હેઠળ ટેરિફ શૂન્ય ન થાય ત્યાં સુધી આ તફાવત દર વર્ષે વધશે.