Business

PNBમાં ખાતું હોય તો ચેતજો! 13 સપ્ટેમ્બર પછી બંધ થઈ જશે આવા બેન્ક એકાઉન્ટ્સ

By GS Team
19 Aug 20262 mins read
TukuTouch Logo
પંજાબ નેશનલ બેંક (PNB) 13 સપ્ટેમ્બર પછી 3 વર્ષથી નિષ્ક્રિય ઝીરો બેલેન્સ ખાતા બંધ કરશે. 30 જૂન 2026 સુધીમાં કોઈ લેવડદેવડ ન કરનાર ખાતાધારકોને અસર થશે. સાયબર ફ્રોડ અટકાવવા બેંકે આ નિર્ણય લીધો છે. DBT, સરકારી યોજના, સગીર અને કાનૂની રોકવાળા ખાતા બંધ નહીં થાય. ખાતું ચાલુ રાખવા 13 સપ્ટેમ્બર પહેલાં KYC કરાવી ટ્રાન્ઝેક્શન કરવું પડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

PNBમાં ખાતું હોય તો ચેતજો! 13 સપ્ટેમ્બર પછી બંધ થઈ જશે આવા બેન્ક એકાઉન્ટ્સ

PNB Shuts Dormant Accounts: જો તમારું ખાતું દેશની બીજી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક પંજાબ નેશનલ બેંક (PNB) માં છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્ત્વના છે. PNB એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટ શેર કરીને ગ્રાહકોને ચેતવણી આપી છે કે છેલ્લાં 3 વર્ષથી વધુ સમયથી નિષ્ક્રિય પડેલાં ઝીરો બેલેન્સ એકાઉન્ટ્સ આગામી 13 સપ્ટેમ્બર પછી કાયમી ધોરણે બંધ કરી દેવામાં આવશે.

30 જૂન 2026 સુધીના નિષ્ક્રિય ખાતાઓ પર કડક કાર્યવાહી

બેંક દ્વારા જારી કરાયેલી સત્તાવાર નોટિસ મુજબ, આ નિયમ એવા ગ્રાહકો પર લાગુ થશે જેમના બચત ખાતામાં 30 જૂન 2026 સુધી છેલ્લા 3 વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારની નાણાકીય કે બિન-નાણાકીય લેવડદેવડ થઈ નથી અને ખાતામાં બેલેન્સ પણ શૂન્ય છે. 13 સપ્ટેમ્બર સુધીમાં જરૂરી પ્રક્રિયા પૂરી નહીં કરવામાં આવે તો આવા ખાતાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવાશે.

નિષ્ક્રિય ખાતાઓ બંધ કરવા પાછળનું કારણ

બેંકે જણાવ્યું છે કે લાંબા સમયથી બંધ અને અનઓપરેટેડ પડેલા ખાતાઓનો ઉપયોગ સાયબર ફ્રોડ, ગેરકાયદેસર વ્યવહારો કે નાણાકીય છેતરપિંડી માટે થવાનું જોખમ રહેલું છે. બેંકિંગ સિસ્ટમની સુરક્ષા વધુ સુદ્રઢ બનાવવા અને આવા સંભવિત જોખમોને રોકવાના ઉદ્દેશથી આ ખાતાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કયા ખાતાઓ બંધ નહીં થાય?

PNB એ સ્પષ્ટ કર્યું છે કે નીચે મુજબના કેટેગરીના ખાતાઓ આ પ્રક્રિયા હેઠળ બંધ કરવામાં આવશે નહીં:

  • ડીબીટી/સરકારી યોજનાઓ: પ્રધાનમંત્રી જન ધન યોજના સહિત ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) અથવા સરકારી સ્કીમ્સ માટે ખોલવામાં આવેલા ખાતાઓ.
  • વિશેષ ખાતાઓ: સગીરો, વિદ્યાર્થીઓ અને 25 વર્ષ સુધીની વયના યુવાનો માટે ખોલાયેલા ખાતાઓ.
  • કાનૂની રોક: કોર્ટના આદેશ, ઇન્કમટેક્સ વિભાગ અથવા અન્ય સક્ષમ સરકારી તપાસ એજન્સીઓ દ્વારા સીલ કે ફ્રીઝ કરવામાં આવેલા ખાતાઓ.

ખાતું બંધ થતાં કેવી રીતે બચાવવું?

જો ગ્રાહકો પોતાનું ખાતું ચાલુ રાખવા માંગતા હોય, તો તેમણે તાત્કાલિક નીચેનાં પગલાં ભરવા પડશે:

  • હોમ બ્રાન્ચની મુલાકાત: ગ્રાહકે 13 સપ્ટેમ્બર પહેલાં પોતાની સંબંધિત બેંક શાખા પર જવું પડશે.
  • KYC દસ્તાવેજો: ઓળખ પુરાવો, સરનામાનો પુરાવો અને તાજેતરનો ફોટોગ્રાફ સાથેનું નવું કેવાયસી ફોર્મ ભરીને સબમિટ કરવું પડશે.
  • ટ્રાન્ઝેક્શન કરવું: કેવાયસી વેરિફિકેશન પૂર્ણ થયા બાદ ખાતામાંથી નાણાં જમા કે ઉપાડ જેવો કોઈ પણ વ્યવહાર કરીને એકાઉન્ટને ફરીથી સંપૂર્ણ રીતે સક્રિય કરી શકાશે.

કોઈપણ પ્રકારની સહાય, મૂંઝવણ કે એકાઉન્ટ સ્ટેટસ જાણવા માટે ગ્રાહકો PNBના ગ્રાહક સેવા ટોલ-ફ્રી નંબર 1800-1800 અથવા 1800-2021 પર સંપર્ક કરી શકે છે.