Business

HSBC દ્વારા ભારતીય ઈક્વિટીને ઓવરવેઈટમાંથી ઘટાડી ન્યુટ્રલ કરાઇ

By GS Team
10 Jan 20252 mins read
This article was originally published on 10 Jan 2025
HSBC દ્વારા ભારતીય ઈક્વિટીને ઓવરવેઈટમાંથી ઘટાડી ન્યુટ્રલ કરાઇ

મુંબઈ : નાણાંકીય સેવા ક્ષેત્રની કંપની એચએસબીસીએ ભારતીય ઈક્વિટીસને ઓવરવેઈટમાંથી ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ કરી છે અને ૨૦૨૫માં સેન્સેકસનો ટાર્ગેટ જે અગાઉ ૯૦૫૨૦ મુકાયો હતો તે ઘટાડી ૮૫૯૯૦ કર્યો છે. 

ઊંચા મૂલ્યાંકનો તથા મંદ આર્થિક વિકાસની ચિંતા વચ્ચે બજારની કામગીરી અંગે આશાવાદ નબળો પડી રહ્યાનું એચએસબીસીના રિપોર્ટ પરથી સંકેત મળે છે. 

જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઈન્ડેકસની સપાટી જે ૭૮૦૦૦ની આસપાસ જોવા મળી હતી તેની સરખામણીએ એચએસબીસીનો સંપૂર્ણ વર્ષ માટેનો ટાર્ગેટ સેન્સેકસમાં ૧૦ ટકાથી સહેજ વધુની વૃદ્ધિ સૂચવે છે. 

ભારતના અર્નિંગ્સ મલ્ટિપલ ઊંચા હોવાનું ધ્યાનમાં રાખી ડાઉનગ્રેડસ જરૂરી બની રહે છે. અર્નિંગ્સ અટકવા સાથે અર્નિંગ્સ અંદાજો તે પ્રમાણે બદલાઈ રહ્યા છે ત્યારે ૨૦૨૫માં બજારનું વળતર સ્થિર રહેવા અમારી ધારણાં છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

છેલ્લા કેટલાક વર્ષની રેલી બાદ ભારતીય ઈક્વિટીસમાં તાજેતરમાં ઘટાજો જોવા મળી રહ્યો છે. ૨૦૨૪ના સપ્ટેમ્બરમાં ટોચ દર્શાવ્યા બાદ એફટીએસઈ ઈન્ડિયા ઈન્ડેકસ ડોલરના સ્વરૂપમાં ૧૨ ટકા ઘટયો છે. 

પ્રતિકૂળ વૈશ્વિક પરિબળો તથા ઘરઆંગણે વિકાસમાં મંદીને કારણે ઈન્ડેકસમાં ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક અનિશ્ચિતા સામે ભારતની પ્રમાણમાં સ્થિતિસ્થાપકતા છતાં, ઊંચા મૂલ્યાંકનો અને સમયાંતરના પડકારોએ ટૂંકા ગાળાના શકય સુધારાને અટકાવી દીધો છે. વૈશ્વિક વેપારમાં ભારતના વધી રહેલા હિસ્સા તથા ફોરેકસ રિઝર્વનો વિક્રમી આંક તેને કરન્સીની વોલેટિલિટી સામે સ્થિરતા પૂરી પાડે છે, એમ પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

અત્રે ઉલ્લેખનિય છે કે વિવિધ વૈશ્વિક રેટિંગ એજન્સીઓ તથા સરકારે દ્વારા વર્તમાન નાણાં વર્ષ માટે દેશના આર્થિક વિકાસ દરના અંદાજમાં ઘટાડો આવી પડયો છે, જે દેશની એકંદર આર્થિક સ્થિતિના સંકેત આપે છે.