હીરો ફિનકોર્પની લોન રાઈટ ઓફમાં 80%નો વધારો

અમદાવાદ : અભિમન્યુ મુંજાલની આગેવાની હેઠળની એનબીએફસી હીરો ફિનકોર્પમાં નાણાકીય વર્ષ ૨૦૨૫ના પ્રથમ ત્રણ ક્વાર્ટરમાં લોન રાઇટ-ઓફમાં ૮૦ ટકાનો વધારો જોવા મળ્યો છે. એક વર્ષ અગાઉના સમાન સમયગાળાના રૂ. ૧૨૧૫ કરોડથી વધીને લોન માંડવાળ રૂ. ૨૧૮૦ કરોડ થઈ ગઈ છે.
રેગ્યુલેટરી ફાઇલિંગ અનુસાર કંપનીએ રૂ. ૧૮૭૫ કરોડ રૂપિયાની ૨.૯૫ લાખથી વધુની રાઈટ-ઓફ કરેલ લોન માત્ર ૪૯.૮૫ કરોડ રૂપિયામાં વેચી દીધી છે. નાણાકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ નવ મહિનામાં ધિરાણકર્તાએ ૧૨૧૪.૭ કરોડ રૂપિયાની લોન રાઈટ-ઓફ કરી હતી. ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ હીરો ફિનકોર્પની કુલ એનપીએ ૫.૩૬ ટકા હતી. બેડ લોન વધતા કંપનીના નફા પર અસર પડી છે૩૦, સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધીમાં હીરો ફિનકોર્પની એસેટ અન્ડર મેનેજમેન્ટ ૫૩,૬૪૨ કરોડ રૂપિયા હતી, જેમાં પર્સનલ લોન (૩૦.૭ ટકા), ટુ-વ્હીલર ફાઇનાન્સ (૧૬.૯ ટકા), સિક્યોર્ડ સ્મોલ અને મીડિયમ સાઈઝ એન્ટરપ્રાઇઝ (એમએસએમઈ લોન- ૧૨.૯ ટકા), અનસિક્યોર્ડ એમએસએમઈ લોન (૧૧.૨ ટકા), કોર્પોરેટ લોન (૯.૭ ટકા), યુઝ્ડ કાર ફાઇનાન્સ (૭.૩ ટકા), હોમ લોન (૬.૭ ટકા) અને લોન અગેન્સ્ટ પ્રોપર્ટી અને અન્ય (૪.૭ ટકા)નો સમાવેશ થાય છે.




