Business

માઇક્રોફાઇનાન્સ સેક્ટર પર ભારે દબાણ SBIની બેડ લોનમાં સાત ગણો વધારો

By GS Team
19 Jan 20252 mins read
This article was originally published on 19 Jan 2025
માઇક્રોફાઇનાન્સ સેક્ટર પર ભારે દબાણ SBIની બેડ લોનમાં સાત ગણો વધારો

અમદાવાદ: માઇક્રોફાઇનાન્સ ક્ષેત્રમાં સાયકલ પ્રમાણેનું દબાણ જોવા મળી રહ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું કે માઇક્રોફાઇનાન્સ સેક્ટર પર ભારે દબાણ સર્જાઈ રહ્યું છે. જોકે આ સ્થિતિ ઝડપથી સુધરવાની પણ આશા છે. એસબીઆઈના ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના માઈક્રોફાઈનાન્સ સેક્ટરના લોનના પોર્ટફોલિયોમાં બેડ લોન ૧૦૦ કરોડ રૂપિયાથી વધીને ૭૦૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે.

માઇક્રોફાઇનાન્સ ઈન્ડસ્ટ્રીની સ્વ-નિયમનકારી સંસ્થા, સા-ધન દ્વારા આયોજિત ધિરાણકર્તા રોકાણકાર પરિષદમાં બોલતા, એસબીઆઈના ચીફ જનરલ મેનેજર ગોવિંદ નારાયણ ગોયલે જણાવ્યું કે, 'સેક્ટર પર હાલ આ કામચલાઉ પડકારો છે અને એસબીઆઈ માને છે કે વર્તમાન ચોથા ક્વાર્ટર અને આગામી નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પરિસ્થિતિમાં સુધારો થવા લાગશે. સ્ટેટ બેંક આ કપરા સમયમાં પણ માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓને ટેકો આપી રહી છે.'

ગોયલે કહ્યું કે સ્ટેટ બેંક આ સેક્ટરને ૩ રીતે ભંડોળ પૂરું પાડી રહી છે. એક પદ્ધતિ એમએફઆઈ દ્વારા સહ-ધિરાણ છે, બીજી પદ્ધતિ પૂલ ખરીદી દ્વારા એટલે કે ડાયરેક્ટ એસાઈનમેન્ટ દ્વારા એમએફઆઈ લોનનું સંપાદન છે અને ત્રીજી, આગળ ધિરાણ કરવા માટે કંપનીઓને ટર્મ લોન પૂરી પાડવામાં આવી રહી છે.

ક્રેડિટ ઇન્ફર્મેશન બ્યુરો સીઆરઆઈએફ-હાઇમાર્ક ડેટા અનુસાર સપ્ટેમ્બર ૨૦૨૪ના ક્વાર્ટરમાં તમામ ડે પાસ્ટ ડયુ (ડીપીડી) બેન્ડમાં ડિફોલ્ટ્સ વધુ વધશે. ડીપીડી ઉધાર લેનાર વ્યક્તિ દ્વારા લોન ચૂકવવામાં જેટલા દિવસ મોડો થાય છે તે દિવસોની સંખ્યા દર્શાવે છે.

તમામ કદની લોન અને તમામ પ્રકારના ધિરાણકર્તાઓમાં ડિફોલ્ટમાં વધારો થયો છે. આમાં યુનિવર્સલ બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંકો અને એમએફઆઈ તરીકે કામ કરતી નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓનો સમાવેશ થાય છે. ૩૧થી ૧૮૦ દિવસ માટે ડીપીડી લેવલ સપ્ટેમ્બર, ૨૦૨૩માં ૨.૨ ટકાથી વધીને હવે ૪.૮ ટકા થયું છે.