Business

ભારતની LPG આયાતમાં અખાતી દેશોના હિસ્સામાં ઘટાડો

By GS Team
9 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે ભારતના ઇંધણના સપ્લાયરોમાં ફેરફાર જોવા મળ્યો છે. હોર્મુઝ ખાડી બંધ થતા, ભારતે અમેરિકાથી LPGની ખરીદીમાં નોંધપાત્ર વધારો કર્યો છે. જાન્યુઆરીથી જુલાઈ દરમિયાન, ભારતે અમેરિકાથી 36 લાખ ટન LPG આયાત કર્યું, જ્યારે અખાતી દેશોમાંથી આયાત ઘટીને 53 લાખ ટન થઈ. 100% ટેરિફ લાગુ થવાની શક્યતાને કારણે, ભવિષ્યમાં અમેરિકાથી ખરીદી વધુ વધશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતની LPG આયાતમાં અખાતી દેશોના હિસ્સામાં ઘટાડો

૧૦૦ ટકા ટેરિફની લટકતી તલવારને પગલે અમેરિકા ખાતેથી પૂરવઠો હજુ વધવા સંભવ
મુંબઈ : પશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે ભારતના ઈંધણના પૂરવઠેદારોમાં પણ ફેરબદલ જોવા મળી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે હોર્મુઝ ખાડી બંધ પડી જવાને પરિણામે અમેરિકા ખાતેથી ભારતની લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી) ખરીદીમાં નોંધપાત્ર વધારો થયો છે. ભારતની એલપીજીની આયાતમાં અમેરિકાના હિસ્સામાં જોરદાર વધારો થયો છે.
૧૦૦ ટકા ટેરિફની લટકતી તલવારને પગલે આવનારા દિવસોમાં આ હિસ્સામાં વધારો થવાની પણ શકયતા રહેલી છે.
અખાતી વિસ્તારમાંથી ભારતની એલપીજી આયાત ઘટી ગઈ છે જ્યારે અમેરિકા ખાતેથી પૂરવઠામાં વધારો થયો હોવાનું એક રિસર્ચ પેઢીના રિપોર્ટમાં જણાવાયું હતું.
વર્તમાન વર્ષના જાન્યુઆરીથી જુલાઈના ગાળામાં અમેરિકા ખાતેથી ભારતે ૩૬ લાખ ટન એલપીજીની આયાત કરી છે જ્યારે આજ ગાળામાં અખાતી વિસ્તારમાંથી આયાત ઘટી ૫૩ લાખ ટન રહી છે. પશ્ચિમ એશિયા યુદ્ધ પહેલા ભારત એલપીજીની ૯૦ ટકા આયાત યુએઈ, સાઉદી અરેબિયા, કતાર તથા કુવૈત જેવા અખાતી દેશો ખાતેથી કરતું હતું.
એલપીજીની એકંદર આવશ્યકતામાંથી ૬૦ ટકા આયાત મારફત પૂરી કરે છે.
જૂનની સરખામણીએ જુલાઈમાં અમેરિકા ખાતેથી એલપીજી આયાત ૨૪ ટકા વધી ૮.૯૬ લાખ ટન રહી છે. જ્યારે યુએઈ ખાતેથી આયાત ૩૫ ટકા ઘટી ૧.૦૨ લાખ ટન રહી છે અને સાઉદી ખાતેથી ગત મહિને એલપીજીની આયાત જરા પણ થઈ નહીં હોવાનો રિપોર્ટમાં દાવો કરાયો છે.
કુવેત ખાતેથી પણ આયાત ૪૩ ટકા ઘટી ૩૩૦૦૦ ટન રહી છે જ્યારે કતાર ખાતેથી માત્ર ૧૯૦૦૦ ટન એલપીજીની ખરીદી શકય બની છે.
યુદ્ધ પહેલા જાન્યુઆરીમાં અમેરિકા પાસેથી ભારતે ૨.૬૮ લાખ ટન અને યુએઈ પાસેથી ૮.૨૬ લાખ ટન એલપીજીની ખરીદી કરી હતી.જાન્યુઆરીમાં ૧૨ ટકાની સામે જુલાઈમાં એલપીજી આયાતમાં અમેરિકાનો હિસ્સો વધી ૭૩ ટકા પર આવી ગયો છે, જ્યારે યુએઈનો હિસ્સો ૩૭ ટકા પરથી ઘટી ૮.૨૦ ટકા અને કતારનો ૧૮.૭૦ ટકાથી ઘટી ૧.૫૦ ટકા જ રહ્યો છે.
જો કે ક્રુડ તેલની આયાતની દ્રષ્ટિએ જુલાઈમાં રશિયા ખાતેથી ભારતની ક્રુડ તેલની આયાત ઊંચી રહીને પ્રતિ દિન સરેરાશ ૨૮ લાખ બેરલ સાથે વિક્રમી સપાટીએ રહી હતી. ગત મહિને ભારતના રિફાઈનરોની કુલ ખરીદીમાંથી પચાસ ટકાથી વધુ ક્રુડ તેલની ખરીદી રશિયા પાસેથી કરાઈ હતી.
દરમિયાન રશિયા પાસેથી ક્રુડની ખરીદી કરનારા દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લાગુ કરવાના અમેરિકાના નિર્ણયને જોતા આવનારા દિવસોમાં અમેરિકા પાસેથી ભારતની ઈંધણ ખરીદીમાં વધારો થવાની શકયતા નકારાતી નથી.