ખેડૂતો માટે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય! 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને આપી લીલીઝંડી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India Wheat And Sugar Export : દેશમાં ઘઉંનું બમ્પર ઉત્પાદન અને ગોડાઉનોમાં બફર સ્ટોકને ધ્યાને રાખીને કેન્દ્ર સરકારે આજે 13 ફેબ્રુઆરીએ મોટો નિર્ણય લીધો છે. આ મુજબ ખાદ્ય મંત્રાલયે 25 લાખ ટન ઘઉં અને વધુ પાંચ લાખ ટન ખાંડની નિકાસ કરવા મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય, રવિ સિઝનમાં નવો પાક આવે તે પહેલા સ્થાનિક કિંમત જાળવી રાખવાનો અને ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ આપવાનો છે. આ સાથે પાંચ લાખ ટન ઘઉંની બનાવટના ઉત્પાદનની નિકાસને પણ મંજૂરી આપી દેવાઈ છે.
ખાનગી કંપનીઓ અને વેપારીઓ પાસે ઘઉંનો 75 લાખ ટન સ્ટોક
રિપોર્ટ મુજબ, હાલ દેશના ખાનગી અને સરકારી ગોડાઉનોમાં બફર સ્ટોક કરતાં વધુ અનાજનો ભંડાર છે. ગોડાઉનોમાં ઘઉંનો વધુ સ્ટોક હોવાના કારણે સરકારે આ મંજૂરી આપી હોવાનું સામે આવ્યું છે. ડેટા મુજબ નાણાંકીય વર્ષ 2025-26 માટે ખાનગી કંપનીઓ અને વેપારીઓ પાસે હાજરમાં ઘઉંનો લગભગ 75 લાખ ટનનો સ્ટોક છે, જે ગત વર્ષની તુલનાએ 32 લાખ ટન વધુ છે.
FCI પાસે ઘઉંનો 182 લાખ ટનનો જથ્થો
આ ઉપરાંત ફૂડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા(FCI) પાસે 1 એપ્રિલ-2026 સુધીમાં કેન્દ્રીય પૂલમાં લગભગ 182 લાખ ટન ઘઉં ઉપલબ્ધ હોવાનો અંદાજ છે. આ ડેટાથી સ્પષ્ટ થાય છે કે, નિકાસની મંજૂરી આપવાથી દેશની ખાદ્ય સુરક્ષાને કોઈ અસર નહીં થાય.
આ પણ વાંચો : હવે રિકવરી એજન્ટોની ખેર નહીં... RBIએ નવા નિયમો જાહેર કર્યા, લોન લેનારા ગ્રાહકોને રાહત
ઘઉંની વાવણીનો વિસ્તાર, બમ્પર ઉત્પાદન થવાની આશા
ડેટા મુજબ, રવિ સિઝન-2026માં ઘઉંની વાવણીનો વિસ્તાર વધીને 334.17 લાખ હેક્ટર થઈ ગયો છે, જે ગત વર્ષે 328.04 લાખ હેક્ટર હતો. વાવણીનો વિસ્તાર વધવાના કારણે આ વર્ષે બમ્પર ઉત્પાદન થવાની ધારણા છે.
ખાંડ ઉદ્યોગને રાહત
કેન્દ્ર સરકારે ઘઉં ઉપરાંત ખાંડ ઉદ્યોગોને પણ રાહત આપી છે. સરકારે આ ઉદ્યોગોને ખાંડની વધુ પાંચ લાખ ટનની નિકાસ કરવાની મંજૂરી આપી છે. આ પહેલા 14 નવેમ્બર-2025માં ખાંડની 15 લાખ ટનના નિકાસને મંજૂરી અપાઈ હતી. ઉદ્યોગોએ આપેલી માહિતી મુજબ, 31 જાન્યુઆરી-2026 સુધીમાં માત્ર 1.97 લાખ ટન ખાંડની નિકાસ થઈ શકી છે, જ્યારે 2.72 લાખ ટનના કોન્ટ્રાક્ટ થઈ ગયા છે.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય : 15 ફેબ્રુઆરીથી ટોલ ટેક્સના નિયમોમાં થશે ફેરફાર









