ઘરઆંગણે સોનામાં રૂપિયા 2000 જ્યારે ચાંદીમાં રૂપિયા 3000થી વધુનો ઉછાળો

મુંબઈ : અમેરિકામાં ૪૦ દિવસથી ચાલી રહેલા શટડાઉનનો અંત આવવાના મળેલા સંકેતને પરિણામે વૈશ્વિક સોનાચાંદી બજારમાં મોટો ઉછાળો આવ્યો હતો. અમેરિકાના આર્થિક ડેટા નબળા આવતા વ્યાજ દરમાં વધુ કપાતની શકયતા પણ વધી ગઈ છે તેને કારણે પણ કિંમતી ધાતુના ભાવને ઈંધણ મળ્યું છે. ડોલરમાં નબળાઈને કારણે પણ ફન્ડ હાઉસોનું ગોલ્ડમાં આકર્ષણ રહ્યું હતું.
વિશ્વ બજારમાં સોનામાં એક જ દિવસમાં ૯૦ ડોલરનો ઉછાળો આવ્યો હતો અને ભાવ ફરી ૪૧૦૦ ડોલરની નજીક પહોંચી ગયા હતા. ચાંદીએ ૫૦ ડોલરની સપાટી પાર કરી હતી. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે સોનામાં રૂપિયા ૨૦૦૦થી વધુ જ્યારે ચાંદીમાં રૂપિયા ૩૦૦૦થી વધુનો ઉછાળો આવ્યો હતો. ક્રુડ તેલમાં સ્થિરતા જોવા મળી હતી, જ્યારે ડોલર સામે રૂપિયો સહેજ નરમ પડયો હતો.
શટડાઉનના કારણે અમેરિકામાં નવેમ્બરના પ્રારંભે કન્ઝયુમર સેન્ટિમેન્ટ ઘટીને સાડા ત્રણ વર્ષની નીચી સપાટીએ ઉતરી આવ્યું હતું. જેની બજાર પર અસર જોવા મળી હતી.
મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના પ્રતિ દસ ગ્રામ જીએસટી વગરના ભાવ ગયા સપ્તાહના અંતની સરખામણીએ રૂપિયા ૨૩૪૦ વધી રૂપિયા ૧,૨૨,૪૪૧ મુકાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ જીએસટી વગર રૂપિયા ૧,૨૧,૯૫૧ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગર રૂપિયા ૩૩૬૮ વધી રૂપિયા ૧,૫૧,૬૪૩ કવોટ થતા હતા.
અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનું પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૨૧૦૦ વધી રૂપિયા ૧,૨૬,૩૦૦ કવોટ થતા હતા. ૯૯.૫૦ સોનાના દસ ગ્રામ દીઠ ભાવ રૂપિયા ૧,૨૬,૦૦૦ બોલાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૩૫૦૦ વધી રૂપિયા ૧,૫૩,૫૦૦ બોલાતા હતા.
વિશ્વ બજારમાં સોનુ સપ્તાહના પ્રથમ દિવસે જ ૯૦ ડોલરથી વધુ વધી પ્રતિ ઔંસ ૪૦૯૪ ડોલર જ્યારે ચાંદી ઓંસ દીઠ ૫૦ ડોલરને પાર કરી મોડી સાંજે ૫૦.૧૦ ડોલર મુકાતી હતી. અન્ય કિંમતી ધાતુ પ્લેટિનમ ૧૫૮૨ ડોલર જ્યારે પેલેડિયમ ૧૪૧૭ ડોલર કવોટ થતું હતું.
વિશ્વ બજારમાં ક્રુડ તેલના ભાવ પ્રમાણમાં સ્થિર રહ્યા હતા. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ ક્રુડ તેલ પ્રતિ બેરલ ૬૦.૧૦ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ પ્રતિ બેરલ મોડી સાંજે ૬૩.૯૪ ડોલર બોલાતું હતું.
કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો બે પૈસા ઘટી પ્રતિ ડોલર ૮૮.૬૯ રૂપિયા મુકાતો હતો. પાઉન્ડ ૭૨ પૈસા વધી ૧૧૬.૮૫ રૂપિયા જ્યારે યુરો ૩૪ પૈસા વધી ૧૦૨.૬૪ રૂપિયા કવોટ થતો હતો.









