મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ફરી ઉછળ્યા હતા. વિશ્વ બજારના સમંચાર કિંમતી ધાતુઓમાં નવેસરથી તેજી બતાવી રહ્યા હતા. વિશ્વ બજાર ઉછળતા તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ વધી હોવાનું તથા તેના કારણે દેશની ઝવેરી બજારોમાં આજે ફરી તેજી દાખલ થઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સસોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.૧૪૧૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૧૫૦૦ બોલાતા થયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના ઝડપી રૂ.૬૦૦૦ વધી રૂ.૨૪૪૦૦૦ બોલાયા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૪૨૪થી ૪૪૨૫ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૪૪૮૪ થઈ ૪૪૬૪થી ૪૪૬૫ ડોલર રહ્યા હતા.
અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે હવે વેનેઝુએલા પછી ગ્રીનલેન્ડ, કોલમ્બીયા તથા ઈરાન તરફ પણ કરડી નજર કરતાં વિશ્વ બજારમાં રાજકીય અસ્થિરતાના માહોલમાં સોનામાં ફંડોની ખરીદી વધી રહ્યાના વાવડ મળ્યા હતા.સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસદીઠ ૭૪.૮૮ વાળા વધી ૭૮.૪૦ થઈ ૭૭.૫૯થી ૭૭.૬૦ ડોલર રહ્યાના નિર્દેશો હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર વધી ૯૯૫ના રૂ.૧૩૬૫૭૩ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૩૭૧૨૨ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર વધી આજે રૂ.૨૪૨૮૦૮ બોલાયા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૧૮૧ વાલા વધી ૨૩૧૯ થઈ ૨૨૯૪થી ૨૨૯૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૭૧૯ વાળા વધી ૧૮૭૨ થઈ ૧૮૪૨થી ૧૮૪૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૮૪ ટકા ઉંચા બોલાઈ રહ્યા હતા તથા ભાવમાં નવો રેકોર્ડ સર્જાયાનું વિશ્વ બજારના જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળતાં જોવા મળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ ૫૬.૮૫ વાળા વદી ૫૮.૫૩ થઈ ૫૮.૨૯ ડોલર રહ્યા હતા. રશિયામાં ક્રૂડનું ઉત્પાદન ડિસેમ્બરમાં દૈનિક ધોરણે નોંધપાત્ર ઘટી ૯૩.૨૬ લાખ બેરલ્સ થયાના સમાચાર હતા. ત્યાં ઉત્પાદનમાં આવો ઘટાડો છેલ્લે ૨૦૨૪માં જૂન મહિનામાં જોવા મળ્યો હતો.


