સોના-ચાંદી, પ્લેટીનમમાં ઘટાડો: ક્રૂડના ભાવ ફરી વધી ૧૦૬ ડોલર ઉપર ગયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

દેશમાં ગોલ્ડ ઈટીએફમાં ઈન્ફલો ઝડપી વધી સાત મહિનાની ટોચે: ભારતમાં ઈરાકથી ઓઈલની ઈમ્પોર્ટમાં વૃદ્ધી
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ વધતા અટકી ફરી ગબડયા હતા. ભાવ ઘટતાં નવરાત્રીના તહેવારો ટાંણે બજારમાં આવતા ગ્રાહકો માટે રાહત સર્જાઈ હતી. વિશ્વ બજારમાં ભાવ તૂટતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલર ગબડતાં ઝવેરી બજારમાં કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં ભાવ દબાણ હેઠળ રહ્યા હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૧૯૫ વાળા ઘટી ૪૧૬૮ થઈ ૪૧૭૧ ડોલર રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૮૦૦ ઘટયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૨૦૦૦ તૂટયા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૬૦.૮૩થી ઘટી ૬૦.૪૮ થઈ ૬૦.૬૦થી ૬૦.૬૧ ડોલર રહ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ૯૬ પૈસા ગબડી રૂ.૯૫.૭૮ રહ્યા હતા દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ફરી વધી બેરલ દીઠ ૧૦૬ ડોલર ઉપર ગયા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ઘટી ૯૯૫ના રૂ.૧૫૨૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૩૦૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ ઘટી રૂ.૨૨૪૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.૧૮૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૪૭૪૬૮ તથા ૯૯૯ના રૂ.૧૪૮૦૬૧ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવજીએસટી વગર રૂ.૨૨૦૦ ઘટી રૂ.૨૨૦૨૯૫ બોલાયા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૦૦ ઘટી રૂ.૬૦૭૧૭ રહ્યા હતા. વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસ દીઠ ૧૬૯૩ વાળા ૧૬૮૦ થઈ ૧૬૯૦થી ૧૬૯૧ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૧૪૫ વાળા જોકે વધી ૧૧૬૭ થઈ ૧૧૫૯થી ૧૧૬૦ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૧૪ ટકા પ્લસમાં રહ્યા હતા.
દરમિયાન, ભારતમાં ગોલ્ડ ઈટીએફમાં સપ્ટેમ્બરમાં ઈન્ફલો ૨૫૯૬ કરોડથી વધી ૪૪૫૦ કરોડ થતાં ૭ મહિનાની ટોચ દેખાઈ હતી. ક્રૂડમાં હોર્મુઝ રુટ પર જહાજો પર હુમલાઓ ચાલુ રહ્યા હતા તતા સાઉદીના એરપોર્ટ પર ઈરાન પ્રેરિત હાઉથી જૂથના હુમલાઓ થતાં વિશ્વ બજારમાં ક્રૂડના ભાવ ફરી ઉંચકાયા હતા બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૧૦૪.૭૨થી વધી ૧૦૬.૧૯ થઈ ૧૦૬.૦૬ ડોલર રહ્યા હતા. ભારતમાં રશિયા ખાતેથી ઓઈલની ઈમ્પોર્ટ ઘટતાં સામે ઈરાકથી ઈમ્પોર્ટ વધ્યાના વાવડ મળ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૯૧.૮૫ વાળા ૯૩.૧૩ થઈ ૯૩.૦૫ ડોલર રહ્યા હતા. દરમિયાન, રશિયા દ્વારા વિશ્વ બજારમાં ડિઝલના પુરવઠો ૨૨થી ૨૩ લાખ બેરલ્સ વધારાશે એવા સંકેતો દરિયાપારથી મળ્યા હતા.




