Get The App

સોનાની કિંમતોમાં 40 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ

Updated: Mar 23rd, 2026

GS TEAM

Google News
Google News
સોનાની કિંમતોમાં 40 વર્ષનો રૅકોર્ડ તૂટ્યો! ચાંદીમાં પણ એકઝાટકે મોટો કડાકો: જાણો ઘટાડાના 3 મુખ્ય કારણ 1 - image

Gold Silver Market Crash: મધ્ય પૂર્વમાં યુદ્ધના કારણે સ્થિતિ તંગ બની ગઈ છે. જેની સીધી અસર શેર બજાર બાદ સોના ચાંદીના માર્કેટ પર પડી છે. આજ સવારથી જ ચાંદીના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન MCX પર 1 કિલો ચાંદીનો ભાવ 2 લાખ રૂપિયાની નીચે પહોંચી ગયો છે. MCXમાં 1 કિલો ચાંદીની કિંમત 1,99,643 રૂપિયા સુધી ગગડી હતી જે બાદ થોડો સુધારો થતાં બપોરે 3.29 કલાકે 1 કિલો ચાંદીનો ભાવ 2,05,180 રૂપિયાની આસપાસ કારોબાર કરી રહ્યો છે. જેમાં પ્રતિ કિલોએ 9 ટકા એટલે કે 21 હજાર રૂપિયાથી વધુનો મોટો ઘટાડો નોંધાયો છે.

ઓલ ટાઇમ હાઇથી સોનું 63,000 સસ્તું થયું

સોનાએ 29 જાન્યુઆરીના રોજ 1,93,000 રૂપિયાના સ્તરે પહોંચીને ઓલ ટાઇમ હાઇનો રૅકોર્ડ બનાવ્યો હતો. પરંતુ તેના બીજા જ દિવસથી સોનાના ભાવમાં ઘટાડો શરૂ થયો છે. MCX પર સોનું આજે 1.30 લાખ રૂપિયાની નીચે પણ ટ્રેડ થઈ રહ્યું છે. એટલે કે, જો ઓલ ટાઇમ હાઇ અને આજના નીચલા સ્તરની સરખામણી કરવામાં આવે તો છેલ્લા 53 દિવસમાં સોનું 63,000 રૂપિયાથી પણ વધુ સસ્તું થઈ ગયું છે.

છેલ્લા 40 વર્ષમાં સૌથી મોટો ઘટાડો

કોમેક્સ પર સોનાની કિંમત આશરે 3% ઘટીને 4,462 ડૉલર પ્રતિ ઔંસ પર આવી ગઈ. નોંધનીય છે કે આ પહેલા ગત સપ્તાહે સોનું લગભગ 11% તૂટ્યું હતું, જે 1983 પછીનો તેનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો માનવામાં આવે છે. બીજી તરફ, એશિયન કારોબાર દરમિયાન ચાંદીની કિંમત પણ આશરે 3% ઘટીને 67.5 ડૉલર પ્રતિ ઔંસ સુધી આવી ગઈ. સોનાની કિંમતમાં થયેલો સાપ્તાહિક ઘટાડો છેલ્લા 40 વર્ષમાં સૌથી મોટો છે.

સોના-ચાંદીના ભાવ ઘટવાના મુખ્ય કારણો

પ્રોફિટ બુકિંગ

સોનું અને ચાંદી અગાઉ ખૂબ જ ઊંચા સ્તરે પહોંચી ગયા હતા. આ ઊંચા ભાવનો લાભ લેવા માટે રોકાણકારોએ પોતાનું સોનું વેચીને નફો વસૂલવાનું શરૂ કર્યું છે.

વ્યાજ દરોમાં વધારાની શક્યતા

ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે મોંઘવારી વધવાનો ડર છે. જેથી સેન્ટ્રલ બૅંકો વ્યાજ દરમાં ઘટાડો કરવાને બદલે વધારો કરી શકે છે. જ્યારે વ્યાજ દર વધે, ત્યારે રોકાણકારો સોનાને બદલે બોન્ડ કે ડિપોઝિટમાં રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે.

યુદ્ધની સ્થિતિ

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે બજારમાં અનિશ્ચિતતા વધી છે, જેની અસર ભાવ પર પડી રહી છે.

રોકડની જરૂરિયાત

મિડલ ઈસ્ટ(ખાડી દેશો)માં આર્થિક દબાણ વધવાને કારણે આ દેશોને રોકડની જરૂર પડી છે. ફંડ એકત્ર કરવા માટે તેઓ પોતાના સોનાના ભંડાર વેચી રહ્યા છે, જેનાથી બજારમાં સોનાનો પુરવઠો વધ્યો છે.

શેરબજારના નુકસાનની ભરપાઈ

એશિયન શેરબજારોમાં મોટા પાયે વેચવાલી થઈ છે. રોકાણકારોએ ઇક્વિટી માર્કેટમાં થયેલા નુકસાનને પહોંચી વળવા માટે સોનામાં રહેલી પોતાની 'લોન્ગ પોઝિશન' ખાલી કરીને સોનું વેચવાનું શરૂ કર્યું છે.

અતિશય ભાવ વધારા પછીનું કરેક્શન

જાન્યુઆરીમાં સોનું રૅકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ હવે તેમાં કુદરતી રીતે 'ટેકનિકલ કરેક્શન' જોવા મળી રહ્યું છે, જેના કારણે તે 20%થી વધુ નીચે આવ્યું છે.

વર્ષ 2025માં સોનું 75% અને ચાંદી 167% મોંઘી થઈ

31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ રૂ.76,162 હતો, જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં રૂ.57,033 વધીને રૂ.1,33,195 પર પહોંચ્યો હતો. આ ગાળા દરમિયાન ચાંદીમાં રૂ.1,44,403નો તોતિંગ વધારો થયો. 31 ડિસેમ્બર 2024ના રોજ એક કિલો ચાંદીની કિંમત રૂ. 86,017 હતી, જે વર્ષ 2025ના અંતિમ દિવસે રૂ. 2,30,420 પ્રતિ કિલો થઈ ગઈ હતી. ટકાવારીની દૃષ્ટિએ જોઈએ તો વર્ષ 2025માં સોનાએ 75% તો ચાંદીએ 167%એ રિટર્ન આપ્યું હતું.