Business

સોનું વધી રૂ.83,000ને કુદાવી ગયું : ચાંદીમાં પીછેહટ

By GS Team
28 Jan 20252 mins read
This article was originally published on 28 Jan 2025
સોનું વધી રૂ.83,000ને કુદાવી ગયું  : ચાંદીમાં પીછેહટ

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ વધુ વધ્યા હતા.  જ્યારે ચાંદીના ભાવ ઘટયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૭૭૦થી ૨૭૭૧ વાળા નીચામાં ૨૭૪૭થી ૨૭૪૮ થઈ ૨૭૬૨થી ૨૭૬૩ ડોલર  રહ્યાના  સમાચાર હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધ્યા પછી ફરી ઘટતાં વૈશ્વિક સોનામાં નીચા મથાળે ફંડોનું બાઈંગ દેખાયું હતું.  

દરમિયાન, ઘરઆંગણે રૂપિયો ફરી ઘટતાં તથા ડોલર ઉંચકાતાં  દેશના ઝવેરી બજારોમાં આજે સોનાના ભાવ મક્કમ હતા. અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ વધુ રૂ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૮૨૯૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૩૧૦૦ રહ્યા હતા. અણદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૯૧ હજારના મથાળે શાંત હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૦.૫૮થી ૩૦.૫૯ વાળા નીચામાં ૩૦.૧૦થી ૩૦.૧૧ થઈ ૩૦.૫૦થી ૩૦.૫૧ ડોલર રહ્યા હતા.

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૮૦૦૦૦ વાળા રૂ.૭૯૭૮૭ થઈ ૮૦૦૭૫ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૮૦૩૦૦ વાળા રૂ.૮૦૦૪૮ થઈ રૂ.૮૦૩૯૭ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ જીએસટી સાથેના ભાવ  આભાવથી ૩ ટકા ઉૅંચા રહ્યા હતા. 

વિશ્વ બજારમાં  પ્લેટિીનમના ભાવ ઔંશના ૯૫૧થી ૯૫૬૨ વાળા નીચામાં  ૯૩૮ થઈ ૯૪૭થી ૯૪૮ ડોલર રહ્યા હતા.  પેલેડીયમના ભાવ ૯૮૭થી ૯૮૮ વાળા ૯૬૬ થઈ ૯૭૫થી ૯૭૬ ડોલર  રહ્યા હતા. 

કોપરના ભાવ આજે ૦.૬૭ ટકા માઈનસમાં રહ્યા હતા.  વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં પણ પીછેહટ આગળ વધી હતી.  બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૮.૫૦ વાળા નીચામાં  ૭૭.૫૪ થઈ ૭૮.૧૪ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૭૪.૬૬ વાળા નીચામાં ૭૩.૬૭ થઈ ૭૪.૨૬ ડોલર રહ્યા હતા. ઓપેકના દેશોએ ક્રૂડના ભાવ ઘટાડવા જોઈએ એવી હાકલ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે કર્યાના સમાચાર હતા.

દરમિયાન, રશિયાના ક્રૂડ પર અમેરિકાએ અંકુશો લાદયા પછી હવે યુરોપ દ્વારા પણ રશિયા પર આવા અંકુશો લાદવામાં આવશે એવી શક્યતા વિશ્વ બજારમાં  આજે ચર્ચાતી થઈ હતી.  દરમિયાન, રશિયાના ક્રૂડની સપ્લાય ઘટવાની શક્યતા વચ્ચે  ભારતના ક્રૂડના આયાતકારોને નાઈજીરિયા તથા અમેરિકાના સ્વીટ ક્રૂડતેલની આશરે ૬૦ લાખ બેરલ્સની આયાતના સોદા કર્યાના સમાચાર મળ્યા હતા.