Business

સોનું ઉછળી રૂ.155000 નજીક, ચાંદી 240000 તરફ, ક્રૂડ વધ્યા પછી ફરી તૂટયું

By GS Team
8 Aug 20262 mins read
TukuTouch Logo
મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદી અને પ્લેટિનમના ભાવમાં તેજી જોવા મળી હતી. વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ ઔંસ દીઠ $4327 અને ચાંદીનો ભાવ $64.05 થયો હતો. પ્લેટિનમ રૂ. 63,000 નજીક પહોંચ્યું હતું, જ્યારે પેલેડિયમ $1400ને પાર કર્યું હતું. અમદાવાદમાં 10 ગ્રામ સોનું રૂ. 1500 અને ચાંદી રૂ. 13500 ઉછળી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સોનું ઉછળી રૂ.155000 નજીક, ચાંદી 240000 તરફ, ક્રૂડ વધ્યા પછી ફરી તૂટયું

Gold and Silver Price news : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદી તથા પ્લેટીનમના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં ઝવેરી બજારોમાં તેજીનો પવન ફૂંકાતો રહ્યો હતો. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના 4258થી 4259 ડોલરવાળા વધી ઉંચામાં ભાવ 4327 થઈ 4312થી 4313 ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધ્યા પછી ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ વધ્યાના વાવડ હતા.

વિશ્વ બજારમાં સોનામાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકોની ખરીદી પણ તાજેતરમાં વધ્યાના સમાચાર મળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ 10 ગ્રામના રૂ.1500 વધ્યા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.13500 ઉછળ્યા હતા દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવમાં પણ જોરદાર તેજી આવી હતી. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના 61.71થી 61.72 ડોલર વાળા વધી ઉંચામાં ભાવ 64.04થી 64.05 ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધ્યા પછી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઉછળી દોઢ મહિનાની ટોચે પહોંચ્યા હતા. આ સપ્તાહમાં ચાંદીના ભાવ 11થી 12 ટકા વધ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ વધી કિલોના રૂ.237500 બોલાયા હતા. અમદાવાદ સોનાના ભાવ વધી 995ના રૂ.154200 તથા 999ના રૂ.154500 રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર રૂ.1200 વધી 995ના ભાવ રૂ.149022 તથા 999ના ભાવ રૂ.149621 રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.5700 વધી રૂ.231481 રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ત્રણ ટકા ઉંચા રહ્યા હતા.

વિશ્વ બજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવન બેરલના 80.24 વાળા વધી ઉંચામાં ભાવ 84.44 થઈ 81.74 ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં 78.77 થઈ 76.73 ડોલર રહ્યા હતા. અમેરિકામાં જુલાઈના જોબગ્રોથ 80 હજાર આવવાની અપેક્ષા હતી પરંતુ તેના બદલે ત્યાં જોબમાં 23 હજારનો ઘટાડો થયાના સમાચાર મળ્યા હતા. આમ ત્યાં જોબ માર્કેટમાં નબળાઈ દેખાઈ હતી. આના પગલે હવે ત્યાં આગળ ઉપર વ્યાજના દર વધવાના બદલે કદાચ ઘટશે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા. આ જોબ ડેટા આવ્યા પછી વિશ્વ બજારમાં મોડી સાંજે સોનાના ભાવ ઉછળી ઉંચામાં 4371થી 4372 ડોલર રહ્યાના સમાચાર હતા. જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ વધી મોડી સાંજે 65.13થી 65.14 ડોલર રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ મોડી સાંજે ઔંસના 1768થી 1769 ડોલર રહ્યા હતા. ઉંચામાં ભાવ 1785 ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં 1408 થઈ 1379થી 1380 ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ મોડી સાંજે 0.51 ટકા માઈનસમાં રહ્યા હતા. અમેરિકા તથા ઈરાનની વાતચીતમાં હોર્મુઝ રૂટ ફરી ખોલવા અંગે કેવો વ્યુહ આગળ વધે છે તેના પર ક્રૂડતેલ બજારની નજર રહી છે.