Get The App

સોનામાં રૂ.9000, ચાંદીમાં રૂ.230000નો ઉછાળો

- ભારતમાં ડયુટી વધતાં વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટી ૪૭૦૦ ડોલરની અંદર ઉતર્યા

- મુંબઈ ચાંદી જીએસટી સાથે રૂ.ત્રણ લાખ નજીક પહોંચી

Updated: May 14th, 2026

GS TEAM

Google News
Google News
સોનામાં રૂ.9000, ચાંદીમાં રૂ.230000નો ઉછાળો 1 - image

સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી વધતાં ઝવેરી બજારોમાં તેજીનું તોફાન

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે  સોના-ચાંદીના ભાવમાં ઝડપી સ્પ્રિંગ જેવો ઉછાળો જોવા મળ્યો હતો. કેન્દ્ર સરકારે હુંડિયામણ બચાવવા તથા યુદ્ધના માહોલમાં ક્રૂડતેલ વધતાં દેશમાં વધતી વેપાર ખાદ્ય ધટાડવા  દેશમાં આયાત થતા સોના, ચાંદી તથા પ્લેટીનમની ઈમ્પોર્ટ ડયુટી રાતોરાત વધારી દીધાના સમાચાર વચ્ચે ઘરઆંગણે ઝવેરી બજારોમાં આજે કિંમતી ધાતુઓના ભાવમાં ઓચિંતી મોટી તેજી જોવા મળી હતી. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.નવ હજાર ઉછળ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના ઝડપી રૂ.૨૩ હજાર વધી જતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. 

જોકે ભારતમાં ઈમ્પોર્ટ ડયુટી વધતાં વિશ્વ બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. દરમિયાન, ભારતમાં ઈમ્પોર્ટ ડયુટી વધતાં હવે સોનાની દાણચોરી ફરી વધવાની તથા આ વર્ષે દેશમાં દાણચોરીનું સોનં આશરે ૨૫૦થી ૩૦૦ ટન આવવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

સરકારે સોના ચાંદીની ઈંમ્પોર્ટ ડયુટી ૬.૪૦ ટકાથી વધારી ૧૫.૪૦ ટકા કરાયાના સમાચાર પણ મળ્યા હતા. દરમિયાન, દેશમાં ઈમ્પોર્ટ ડયુટી વધતાં તથા કરન્સી બજારમાં રૂપિયો ગબડતાં ઘરઆંગણે આયાત થતી કિંમતી ધાતુની ઈમ્પોર્ટ કોસ્ચ વધી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ વધી જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૬૦૩૩૨ તથા ૯૯૯ના રૂ.૧૬૦૯૭૭ બોલાયા હતા  જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૮૭૭૨૦ બોલાયા હતા. મુંબઈ વસોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, અમદાવાદ ચાંદીના ભાવ આજે રૂ.૧૦ હજાર વઘી રૂ.૨ લાખ ૭૫ હજાર રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ રૂ.૮૫૦૦ વધી ૯૯૫ના રૂ.૧૬૪૫૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૫૦૦૦ રહ્યા હતા. 

મુંબઈ ચાંદીના જીએસટી સાથેના ભાવ રૂ.૩ લાખ નજીક પહોંચ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૭૦૫થી ૪૭૦૬ ડોલરવાળા  નીચામાં ભાવ ૪૬૭૬ થઈ ૪૬૮૦થી ૪૬૮૭૧ થઈ ૪૬૮૦થી ૪૬૮૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ આજે ઉંચામાં ૮૭.૮૦ ડોલર તથા નીચામાં ૮૫.૬૪  થઈ ૮૬.૧૪થી ૮૬.૧૫ ડોલર રહ્યા હતા.

પ્લેટીનમના ભાવ ઉંચામાં ૨૧૬૮ તથા નીચામાં ૨૧૦૨ ડોલર થઈ ૨૧૨૭થી ૨૧૨૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઉંચામાં ૧૫૧૦ ડોલર તથા નીચામાં ભાવ ૧૪૮૧ થઈ ૧૪૮૫થી ૧૪૮૬ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના વધી રૂ.૭૬૦૧૭ થઈ રૂ.૭૫૫૮૨ રહ્યા હતા.

 દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઉંચા મથાળે આજે ઉછાળો પચાવાઈ રહ્યો હતો. અમેરિકા તથા ચીનના પ્રમુખ વચ્ચે મળી રહેલી મિટિંગ પર બજારની નજર રહી હતી. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૦૮.૨૮ થઈ ૧૦૭.૭૪ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૧૦૨.૩૯ થઈ ૧૦૨.૨૪ ડોલર રહ્યા હતા.