ગોલ્ડ રેટ એલર્ટ: સોનાના ભાવ અંગે વિદેશથી મોટા સંકેત, જાણો ક્યાં સુધી પહોંચી શકે છે કિંમત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Gold Price Forecast : સોના-ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વધઘટ જોવા મળી રહી છે. હવે આ કિંમતી પીળી ધાતુ અંગે વૈશ્વિક બજારમાંથી એક મોટો સંકેત સામે આવ્યો છે, જેમાં આગામી દિવસોમાં સોનાના ભાવ હજુ વધુ ઊંચકાવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગોલ્ડમેન સેક્સના રિપોર્ટ અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 4,900 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી શકે છે.
વર્ષના અંત સુધીમાં 4900 ડોલરે પહોંચી શકે છે ભાવ
ગોલ્ડમેન સેક્સ તરફથી સોનાના ભાવને લઈને મોટું અનુમાન જાહેર કરાયું છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ 4,600 ડોલર પ્રતિ ઔંસને પાર ચાલી રહ્યો છે, જે આગામી સમયમાં વધીને 4,900 ડોલરના સ્તરે પહોંચી શકે છે. આ વૈશ્વિક નાણાકીય સંસ્થાના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2026ના અંત સુધીમાં સોનાના ભાવ આ નવી ઊંચી સપાટીને સ્પર્શી શકે છે.
સોનાના ભાવમાં તેજી પાછળના મુખ્ય કારણો
ગોલ્ડમેન સેક્સના અહેવાલ મુજબ, વિશ્વભરની સેન્ટ્રલ બેંકો દ્વારા સતત કરવામાં આવી રહેલી મોટા પાયે ખરીદી ભાવ વધારાનું મોટું પરિબળ છે. સોનાના ભાવમાં ઉછાળો માત્ર એક કારણથી નથી આવી રહ્યો, પરંતુ સેન્ટ્રલ બેંકોની ભારે માંગ, અમેરિકામાં વ્યાજ દરો ઘટવાની શક્યતાઓ અને વધતી ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતા જેવા તમામ પરિબળો ભેગા મળીને સોનાની કિંમતોને નવી ગતિ આપી રહ્યા છે.
સેન્ટ્રલ બેંકો વધારશે સોનાની ખરીદી
ગોલ્ડમેન સેક્સના અંદાજ અનુસાર, વર્ષ 2026 દરમિયાન વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકો દર મહિને સરેરાશ 50 ટન સોનું ખરીદશે. સોનાની ખરીદીનો આ આંકડો વર્ષ 2022 પહેલાના દર મહિને સરેરાશ 17 ટનની સરખામણીએ ઘણો વધારે છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ પશ્ચિમી દેશો દ્વારા રશિયાના વિદેશી હૂંડિયામણ ભંડાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા પછી સેન્ટ્રલ બેંકોએ સોનું ખરીદવાને વધુ પ્રાથમિકતા આપી છે, કારણ કે સોનું એક સુરક્ષિત એસેટ માનવામાં આવે છે.
સોનાની ખરીદીમાં ચીનની સૌથી મોટી ભૂમિકા
રિપોર્ટ અનુસાર વર્ષ 2026માં અત્યાર સુધી સેન્ટ્રલ બેંકોની ખરીદીમાં નોંધપાત્ર તેજી આવી છે. જૂન મહિનામાં ખરીદી વધીને દર મહિને આશરે 100 ટન સુધી પહોંચી ગઈ હતી, જે મે મહિનામાં 66 ટન જેટલી હતી. આ સમયગાળા દરમિયાન ચીનની સેન્ટ્રલ બેંક સૌથી મોટી ખરીદદાર તરીકે સામે આવી છે.
અમેરિકાના વ્યાજ દરોની સીધી અસર
સોનાના ભાવ વધવા પાછળ સેન્ટ્રલ બેંકોની ખરીદી ઉપરાંત અમેરિકામાં ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતાઓ પણ મહત્વનો ભાગ ભજવી રહી છે. વ્યાજ દરો ઘટવાથી સોનામાં રોકાણ કરવું વધુ આકર્ષક બને છે, જેથી બજારમાં નવી રોકાણ માંગ ઊભી થવાની શક્યતા છે અને તેના લીધે સોનાનો ભાવ 4,900 ડોલરથી પણ આગળ વધી શકે છે.




