મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં બે તરફી મોટી ઉછળકુદ જોવા મળી હતી. સોના-ચાંદીના ભાવ વિશ્વ બજાર પાછળ બપોર સુધીમાં ઝડપી તૂટી ગયા હતા. પરંતુ ત્યારબાદ પ્રવાહો પલ્ટાતાં વિશ્વ બજાર પાછળ બપોર પછી મોડી સાંજ સુધીના ગાળામાં કિંમતી ધાતુઓના ભાવ આંચકા પચાવી ઝડપી વધી ગયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
વિશ્વ બજારમાં બપોર સુધીના ટ્રેડમાં સોના-ચાંદીના ભાવમાં મોટા ગાબડા પડયા પછી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ઈરાન યુદ્ધમાં પાંચ દિવસનો વિરામ એલાન કરતાં વિશ્વ બજારમાં મોડી સાંજે સોના-ચાંદીના ભાવ ઘટયા મથાળેથી ઝડપી વધી જતાં ઘરઆંગણાના ઝવેરી બજારોમાં પણઁ આરંભીક કડાકા પછી પ્રત્યાઘાતી ભાવ ઉછાળો દેખાયો હતો. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૪૯૨થી ૪૪૯૩ ડોલર વાળા નીચામાં એક તબક્કે ૪૦૯૯થી ૪૧૦૦ થયા પછી ઉછળી ભાવ ૪૫૩૬ થઈ ૪૪૦૫થી ૪૪૦૬ ડોલર રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૩૫૦૦ વાળા નીચામાં રૂ.૧૩૪૬૦૦ થયા પછી મોડી સાંજે ભાવ રૂ.૧૪૦૫૦૦ રહ્યા હતા. જ્યારે સોનાના ૯૯૯ના ભાવ રૂ.૧૪૪૧૦૦ વાળા નીચામાં ભાવ રૂ.૧૩૫૧૪૧ થયા પછી મોડેથી ભાવ રૂ.૧૪૧૧૦૦ બોલાતા થયા હતા. દરમિયાન, મુંબઈ ચાંદીના ભાવ કિલોના જીએસટી વગર રૂ.૨૨૫૦૦૦ વાળા ગબડી નીચામાં એક તબક્કે ૨૦૧૫૦૦ થઈ ગયા પછી ભાવ ફરી ઉછળી ઉંચામાં મોડેથી રૂ.૨૨૪૦૦૦ બોલાતા થયા હતા. દરમિયાન, મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંસના ૬૭.૯૫ ડોલરવાળા ગબડી નીચામાં ભાવ ૬૧.૦૦ થયા પછી ઉંચામાં ભાવ ૬૯.૬૧ થઈ ૬૮.૩૫થી ૬૮.૩૬ ડોલર રહ્યા હતા. પ્લેટીનમના ભાવ ૧૯૨૯થી ઘટી ૧૭૮૩ થયા પછી ભાવ ફરી વધી ૧૯૪૭ થઈ ૧૮૯૩થી ૧૮૯૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૪૧૫ વાલા નીચામાં ભાવ ૧૩૩૧ થઈ ગયા પછી ભાવ વધી ૧૪૭૧ થઈ ૧૪૫૨થી ૧૪૫૩ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા ગયા પછી ઝજપી નીચા ઉતર્યા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ઉંચામાં ૧૧૪.૪૩ ડોલર સુધી ઉછળ્યા પછી ટ્ર્મપની યુદ્ધ વિરામની હાકલ પચી ભાવ તૂટી નીચામાં ૯૬ ડોલર સુધી ઉતર્યા હતા.


